Mon Sep 14 2026

Logo

લખપતમાં દુષ્કાળના એંધાણ વચ્ચે મેઘરાજાને રિઝવવા પાનધ્રોમાં છ દિવસીય વર્ષા મહાયજ્ઞનો પ્રારંભ

2026-08-23 10:55:16
Author: Vimal Prajapati
લખપતમાં દુષ્કાળના એંધાણ વચ્ચે મેઘરાજાને રિઝવવા પાનધ્રોમાં છ દિવસીય વર્ષા મહાયજ્ઞનો પ્રારંભ

ભુજ: સરહદી લખપત તાલુકામાં હજુ સુધી સચરાચર વરસાદ ન થતાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. ઘાસચારાની તીવ્ર અછત વચ્ચે અબોલ પશુઓની હાલત કફોડી બની છે, ત્યારે સમગ્ર વિસ્તાર સહિત કચ્છભરમાં વહેલી તકે સારો વરસાદ થાય તેવા ઉમદા હેતુથી પાનધ્રોના એકતાનગર ખાતે છ દિવસીય વર્ષા મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

તાલુકામાં સૌપ્રથમ વખત આયોજિત આ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત સવારે ગરબીચોક સ્થિત હનુમાનજી મંદિરેથી વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ જલારામ બાપા મંદિર પરિસરમાં જીવ કલ્યાણ સમિતિ દ્વારા આયોજિત યજ્ઞશાળા ખાતે શાસ્ત્રોક્ત વિધિથી મહાયજ્ઞનો પ્રારંભ કરાયો હતો.

પર્યાવરણની શુદ્ધિ અને સંતુલન માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે યોજાયેલા આ યજ્ઞમાં ગાયના શુદ્ધ ઘી, 84 પ્રકારની ઔષધિઓ, 22 ધાન્ય, 18 સૂકામેવા અને 82 પ્રકારની જડીબુટ્ટીઓથી બનેલા સોમરસની ધારાઓ સાથે આહુતિ આપવામાં આવી રહી છે. છત્તીસગઢ અને હરિયાણાના વિદ્વુત આચાર્યો તેમજ ગુરુકુળની બ્રહ્મચારિણી બહેનોના મંત્રોચ્ચાર સાથે સ્થાનિક અને આજુબાજુના ગામોના ભાવિકો મોટી સંખ્યામાં જોડાતાં સમગ્ર પંથક ભક્તિમય બન્યો છે.