Thu Aug 20 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ પીએમ કેર્સ ફંડનાં નાણાં સ્કૂલો પાછળ વપરાય તો શું ખોટું?

2026-08-20 09:03:00
Author: Bharat Bharadwaj
Article Image

Ai Image


 

ભરત ભારદ્વાજ

લગભગ બે વર્ષ પછી પીએમ કેર્સ ફંડ દ્વારા લગભગ બે વર્ષ પછી પોતાના ઓડિટેડ ફાયનાન્સિયલ રિપોર્ટ જાહેર કરાયા એ સાથે જ આ ટ્રસ્ટમાં પડી રહેલાં નાણાં અંગે સવાલો ઊઠવા પણ પાછા શરૂ થઈ ગયા છે. ટ્રસ્ટ દ્વારા 17 ઓગસ્ટે પોતાની વેબસાઇટ પર નાણાકીય વર્ષ 2023-24 અને 2024-25નાં ઓડિટ સ્ટેટમેન્ટ્સ અપલોડ કરાયા છે. 

આ રિપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ 2024-25માં આ ફંડને દાન અને ફિક્સ્ડ ડીપોઝિટ પરના વ્યાજ દ્વારા રૂપિયા 1,200 કરોડથી વધુ મળ્યા છે જ્યારે 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા વર્ષમાં માત્ર  87 લાખનો ખર્ચ થયો છે તેથી 31 માર્ચ 2025 સુધીમાં ટ્રસ્ટ પાસે 8,452 કરોડની રકમ જમા હતી.

આ રિપોર્ટ દોઢ વર્ષ પહેલાંના છે. 31 માર્ચ, 2026ના રોજ 2025-26નું નાણાકીય વર્ષ પણ પતી ગયું ને ચાલુ નાણાકીય વર્ષમાં પણ પાંચ મહિના પૂરા થવામાં છે. આગલા વર્ષના હિસાબે ગણીએ તો પણ 17 મહિનામાં બીજા 1700 કરોડ દાન ને વ્યાજ પેટે આવ્યા હોય તો અત્યારે ટ્રસ્ટ પાસે 10 હજાર કરોડ રૂપિયાથી વધારે રકમ જમા પડેલી છે.

આ રિપોર્ટ પ્રસિદ્ધ કરાતાં જ અંજલિ ભારદ્વાજ સહિતના ચળવળકારોએ પાછા પીએમ કેર્સ ફંડની રકમના ઉપયોગમાં પારદર્શકતાનો મુદ્દો પાછો ઉઠાવી જ દીધેલો. પીએમ કેર્સ ફંડમાં અપાતી રકમ કોણ આપે છે ત્યાંથી માંડીને ક્યાં વપરાય છે ત્યાં સુધીની બાબતો જાહેર કરાતી નથી ને કુલડીમાં ગોળ ભંગાય છે તેની પારાયણ તેમણે પાછી માંડી દીધી છે. 

અંજલિ ભારદ્વાજ સહિતનાં લોકો આ મુદ્દે સુપ્રીમ કોર્ટ લગી જઈ આવ્યાં છે પણ કશું વળ્યું નથી. તેના કારણે નથી લોકોને કોઈ ફરક પડ્યો કે નથી સરકારને કોઈ ફરક પડ્યો એ જોતાં ફરી એ જ પારાયણ માંડવાથી કશો ફરક પડવાનો નથી. એ લોકો જે મુદ્દા ઉઠાવે છે એ સાચા છે પણ આ મુદ્દા ઉઠાવવા એ ભીંત સામે માથાં પછાડવા જેવું છે તેથી તેમની ભાવના ગમે તેટલી સારી હોય રણ તેનાથી કશું બદલાવાનું નથી.

કોક્રોચ જનતા પાર્ટીના અભિજિત દીપકેએ આ માહોલમાં જુદો રાગ છેડ્યો છે અને સ્વીકારવું જોઈએ કે, દીપકેની વાત તાર્કિક છે. દીપકેના કહેવા પ્રમાણે, પીએમ કેર્સ ફંડમાં સાડા આઠ હજાર કરોડ રૂપિયા કરતાં વધારે રકમ પડી છે ને બીજી બાજુ દેશમાં શિક્ષણની હાલત એકદમ ખરાબ છે એ જોતાં આ રકમ કેમ વપરાતી નથી? દીપકેના કહેવા પ્રમાણે, દેશમાં સ્કૂલોમાં બેંચો નથી, બ્લેક બોર્ડ નથી, પીવા માટે પાણી નથી ને બીજી ઘણી સવલતો નથી. સારાં ટોઈલેટ વગેરે પણ નથી ને બીજી તરફ પીએમ કેર્સ ફંડમાં આટલી મોટી રકમ પડી રહે એ યોગ્ય નથી.

આ રકમ દેશમાં શિક્ષણમાં સુધારો કરવા માટે વપરાવી જોઈએ અને નવી સ્કૂલો બનાવવા માટે પણ વપરાવી જોઈએ. દીપકેના કહેવા પ્રમાણે, એક સારી સ્કૂલ બનાવવા પાછળ આઠ કરોડ રૂપિયા વપરાય એમ માનીએ તો પણ આ રકમમાંથી 1000 નવી સ્કૂલો બની શકે કે જેમાં બધી સવલતો હોય. આ દરેક સ્કૂલથી 1000 વિદ્યાર્થીને ફાયદો થાય તો પણ ઓછામાં ઓછા આઠ લાખ વિદ્યાર્થીને ફાયદો થાય એ જોતાં આ રકમ શિક્ષણ પાછળ વપરાવી જોઈએ.

દીપકેની વાત સાચી છે કેમ કે પીએમ કેર્સ ફંડની રકમ વપરાયા વિના પડી રહી છે એ યોગ્ય નથી જ. આ ટ્રસ્ટ કોરોના કાળમાં બનાવાયું હતું અને તેનો ઉદ્દેશ કોરોના જેવો કોઈ મોટો રોગચાળો ફેલાય ત્યારે લોકોને મદદ કરવાનો હતો. કોરોના કાળમાં આ ફંડની સારી એવી રકમ વપરાઈ હતી પણ સામે દાનનો પ્રવાહ પણ વધારે છે તેથી 2020માં બનેલા ફંડમાં રકમ કૂદકે ને ભૂસકે વધી જ રહી છે. આ રકમ પડી રહી છે તેથી તેના પર વ્યાજ પણ મળ્યા કરે છે તેથી લગભગ 10 હજાર કરોડ જેવું જંગી ફંડ થઈ ગયું છે. કોરોના પછી કોઈ મોટો રોગચાળો આવ્યો નથી તેથી આ રકમ વાપરવાનો અવસર પણ આવ્યો નથી. આ કારણે રકમ વધ્યા જ કરે છે.

પહેલાં કરતાં હવે દાન ઓછું મળે છે પણ વ્યાજ આવ્યા કરે છે તેથી રકમ વધવાની જ છે ને આ રીતે રકમ વધાર્યા કરવાનો મતલબ નથી. મોદીએ આ ફંડ લોકોના ભલા માટે બનાવ્યું હોય તો લોકોનું ભલું કરવા માટેનો અવસર આવે તેની રાહ જોવાની જરૂર નથી. તેના બદલે સ્કૂલો પાછળ ના વાપરવી હોય તો હોસ્પિટલો કે બીજા કશા પણ આ રકમ વાપરીને તેનો લાભ લોકોને મળવા માંડે એવું કરવું જોઈએ. લોકોના ભલા માટે બનાવેલા ટ્રસ્ટને મળેલા દાનનો ઉપયોગ લોકો માટે ના કરી શકાય તો શું મતલબ ? ને માનો કે એવી કોઈ આફત આવે તો પણ આ દેશની જનતા દરિયાદિલ છે તેથી દાન આવી જ જશે, ફંડ પાછું છલકાઈ જશે.

મોદી સરકારે આ ફંડની કામગીરીને પારદર્શક પણ બનાવવી જોઈએ. પ્રાઈમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલિફ ઈન ઈમર્જન્સી સિચ્યુએશન્સ ફંડ (પીએમ કેર્સ ફંડ) જેવું ઝટ યાદ પણ ના રહે એવું લાંબુંલચ્ચક નામ ધરાવતા આ ફંડની રચનાના ઉદ્દેશથી માંડીને ફંડને દાનમાં મળેલાં નાણાંનો ઉપયોગ ક્યાં થાય છે એ સહિતના મુદ્દે બધું મોઘમ રખાય છે. 

નથી આ ફંડમાં કોણ નાણાં આપે છે તેની વિગતો જાહેર કરાતી કે નથી સરકાર તરફથી આ ફંડની કામગીરી મુદ્દે કોઈ સ્પષ્ટતા નથી કરાતી તેના કારણે પણ સવાલો ઊભા કરાતા રહ્યા છે. સરકારે આ ફંડ અંગેની વિગતો જાહેર કરવા ઈનકાર કર્યો તેના પગલે આ ફંડ રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ (આરટીઆઈ)ના દાયરામાં આવે છે કે નહીં તેનો પણ વિવાદ ઊભો થયો છે ને આ વિવાદ કોર્ટ લગી પહોંચી ગયો છે.

કોર્ટે આ મુદ્દાનો તાત્કાલિક નિવેડો લાવવાનો હોય પણ તેના બદલે કોર્ટે પણ મુદ્દો લટતાવી રાખતાં આ ફંડ એક રહસ્ય બની ગયું છે. મોદી સરકારની દલીલ છે કે, આ ફંડની રચના સંસદના કાયદા હેઠળ નથી કરાઈ કે કોઈ પરિપત્ર બહાર પાડીને નથી કરાઈ. ‘પબ્લિક ઓથોરિટી’ હેઠળ આવતી કોઈ પણ શરત હેઠળ આ ફંડ નથી રચાયું પણ ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે તેની રચના કરાઈ છે તેથી તેને ‘પબ્લિક ઓથોરિટી’ ના કહેવાય તેથી તેની વિગતો કોઈ માગી ના શકે.

સરકારની દલીલો ટેકનિકલ છે ને આટલી બધી ગુપ્તતા શું કરવા રાખવી છે એ જ સમજાતું નથી. તેના કારણે પણ શંકાઓ ઉદ્ભવે છે. આ શંકાઓના નિવારમં માટે પણ પારદર્શિતા જરૂરી છે.