Mon Oct 05 2026

Logo

રૂ. 3,000 કરોડના ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ: ઇરાનથી નીકળેલી બોટ અને નાઈજિરિયન હેન્ડલરનું કાવતરું કેમ 'નિષ્ફળ' ગયું?

2026-09-30 19:12:00
Author: Vimal Prajapati
રૂ. 3,000 કરોડના ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ: ઇરાનથી નીકળેલી બોટ અને નાઈજિરિયન હેન્ડલરનું કાવતરું કેમ 'નિષ્ફળ' ગયું?

નવી દિલ્હી/અમદાવાદઃ ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન દરમિયાન રૂપિયા 3,000 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, પરંતુ આ ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવ્યું? કોણે આ ડ્ર્ગ્સ અંગે બાતમી આપી હતી? તે સમગ્ર મામલે વિગતો પ્રકાશમાં આવી ગઈ છે. અરબી સમુદ્રમાંથી આંતરરાષ્ટ્રીય નશાના કારોબારીઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના સંયુક્ત ગુપ્ત ઓપરેશનમાં લક્ષદ્વીપ નજીક દરિયામાંથી 526 કિલોગ્રામ હાઈ-ગ્રેડ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 3,000 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.

ATSને અગાઉ મળી હતી ગુપ્ત માહિતી

આ સમગ્ર મામલે એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ઓપરેશન આશરે 15 દિવસ સુધી ચાલ્યું હતું. 14 સપ્ટેમ્બરના રોજ ગુજરાત ATSને ગુપ્ત ઇન્પુટ મળ્યા હતા કે નાઇજિરિયન નાગરિકે ગુજરાતના એક વોન્ટેડ આરોપી સાથે મુલાકાત કરીને ભારતમાં ડ્રગ્સની મોટી ખેપ ઘુસાડવાનું ષડયંત્ર રચ્યું છે. ગુજરાત ATSના DIG સુનીલ જોશીના માર્ગદર્શન હેઠળ ઇરાનના 'કોણાર્ક' બંદર પરથી નીકળેલી એક ઇરાની બોટ પર સતત ટ્રેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ બોટ ઇરાનથી નીકળ્યા બાદ પાકિસ્તાનના ગ્વાદર બંદર પહોંચી હતી, જ્યાંથી પેશાવરના રહેવાસી એવા 5 પાકિસ્તાની નાગરિકો ડ્રગ્સનો જથ્થો લઈને બોટમાં સવાર થયા હતા.

ગુજરાતમાં કડક પહેરો જોઈને રૂટ બદલ્યો

તપાસમાં સામે આવ્યું છે કે શરૂઆતમાં આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયાકાંઠે ઉતારવાનો પ્લાન હતો. પરંતુ ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડની દરિયાઈ સીમાઓ પર કડક નાકાબંધી જોઈને તસ્કરોએ પોતાનો રૂટ બદલી નાખ્યો હતો. ડ્રગ્સ ભરેલી બોટને લક્ષદ્વીપના રસ્તે કોચી તરફ લઈ જવાની હતી. એટલું જ નહીં પરંતુ લક્ષદ્વીપ નજીક સમુદ્રના મધ્યમાં આ ડ્રગ્સને અન્ય સ્થાનિક બોટમાં ટ્રાન્સફર કરવાનું આયોજન હતું. જોકે, એજન્સીઓ આ સમગ્ર હિલચાલ પર પહેલેથી જ નજર રાખી રહી હતી. તસ્કરો ડ્રગ્સ ટ્રાન્સફર કરે તે પહેલા જ કોસ્ટ ગાર્ડ અને ATSની ટીમે લક્ષદ્વીપ નજીક બોટને ઘેરી લીધી હતી.

તમિલનાડુથી પંજાબ સુધી સપ્લાયની યોજના

પ્રાથમિક તપાસ પ્રમાણે, આ ડ્રગ્સ કોચી લાવ્યા બાદ તમિલનાડુ અને ત્યાંથી ઉત્તર ભારતના પંજાબ સુધી પહોંચાડવાનું નેટવર્ક ગોઠવાયેલું હતું. સુરક્ષા દળોએ બોટ અને જપ્ત કરેલા ડ્રગ્સ સાથે પાંચેય પાકિસ્તાની તસ્કરોને મુંબઈ બંદર ખાતે લાવ્યા છે. હાલમાં તપાસ એજન્સી આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ સાથે જોડાયેલા નાઇજિરિયન હેન્ડલર અને ગુજરાતના વોન્ટેડ આરોપીની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.