Thu Oct 08 2026

Logo

સરકારનો મોટો નિર્ણય: 1 એપ્રિલ 2027થી લાગુ થશે CAFE-3 નિયમ, કાર કંપનીઓ અને ગ્રાહકો પર શું થશે અસર?

2026-09-30 19:04:00
Author: Mumbai Samachar Team
સરકારનો મોટો નિર્ણય: 1 એપ્રિલ 2027થી લાગુ થશે CAFE-3 નિયમ, કાર કંપનીઓ અને ગ્રાહકો પર શું થશે અસર?

નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલા પ્રદૂષણ પર કાબુ મેળવવા માટે સરકાર દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. તેમ છતાં દેશમાં દર વર્ષે શિયાળુ સીઝન નજીક આવતા જ પ્રદૂષણનું સ્તર નોંધપાત્ર રીતે વધી જાય છે. પણ હવે કેન્દ્ર સરકાર પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે એક મહત્ત્વનું પગલું ભરવા માટે જઈ રહી છે. ઊર્જા મંત્રાલયે પેસેન્જર કાર માટે એક કોર્પોરેટ એવરેજ ફ્યૂલ ઈકોનોમીના ત્રીજા તબક્કા એટલે કે, CAFE3ના નિયમનું જાહેરનામું આપ્યું છે. આ નવા નિયમ 1 એપ્રિલ 2027થી લાગુ થઈ જશે, જે 31 માર્ચ 2032 સુધી લાગુ રહેશે. આ નિયમ લાવવા પાછળનો હેતુ ઓટોમેકર્સની સંપૂર્ણ ફ્લિટના એવરેજ કાર્બનનું ઉત્સર્જનને ઓછું કરવાનો છે. 

કારની માઈલેજને પણ ફાયદો થશે
આ ઉપરાંત દેશમાં દોડતી કારની માઈલેજને પણ સુધારવાનો રહ્યો છે. સરકારે આ નિર્ણયથી આવનારા સમયમાં ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ કારમાં ભાગીદારીની એક આશા વધારવાનો છે.   CAFE 3 નિયમો હેઠળ, વર્ષ 2027-28માં પ્રતિ 100 કિમી દીઠ 3.996 લિટરના બેન્ચમાર્ક ફ્યૂલ યુઝેજને ઘટાડીને 2031-32 સુધીમાં પ્રતિ 100 કિમી દીઠ 3.3273 લિટર સુધી લાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. 

આ હેતુ માટે વાહનના વજન પર આધારિત એક ચોક્કસ સૂત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ સૂત્ર હેઠળ, કાર ઉત્પાદકના વાહનોના કાફલા (ફ્લીટ)ના સરેરાશ વજનને ધ્યાનમાં લઈને દરેક મોડેલ માટે કાર્બન ઉત્સર્જનનું સ્તર નક્કી કરવામાં આવશે. SUV જેવા વધુ વજન ધરાવતા વાહનો માટેના ધોરણો વધુ કડક રહેશે, જેનાથી કંપનીઓ તેમના મોટા વાહનોને વધુ ઇંધણ-કાર્યક્ષમ અને ઓછું પ્રદૂષણ ફેલાવતા બનાવવા માટે પ્રેરાશે.

સારૂ એવું વેઈટેજ મળશે
સરકારે પ્યોરિટી ફ્યૂલ પર ચાલતા વાહનોને પ્રોત્સાહન આપવા માટે 'સુપર ક્રેડિટ' સિસ્ટમ લાગુ કરી છે. જેની અસરથી કાર ચાલકોને પણ ફાયદો થવાનો છે.  આ સિસ્ટમ હેઠળ, ફ્લીટ એવરેજની ગણતરી કરવા માટે એક સિંગલ બેટરી ઇલેક્ટ્રિક વાહનને ત્રણ વાહનોની સમકક્ષ ગણવામાં આવશે. 
આ દરમિયાન, પ્લગ-ઇન હાઇબ્રિડ અને ફ્લેક્સ-ફ્યુઅલ સ્ટ્રોંગ હાઇબ્રિડ વાહનોને 2.5 ગણું વેઇટેજ સોંપવામાં આવશે, જ્યારે સ્ટાન્ડર્ડ સ્ટ્રોંગ હાઇબ્રિડ વાહનોને 1.6 ગણું વેઇટેજ મળશે. આ છૂટ ઓટો કંપનીઓને કુલ ફ્લીટ કાર્બન ઉત્સર્જન ઓછું કરવામાં મદદ કરશે અને તેમને વધુ સંખ્યામાં ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોનું ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરશે.

રકમ જાણવી જરૂરી
નિયમોનું કોર્પોરેટ પાલન સુનિશ્ચિત કરવા માટે 'ક્રેડિટ અને ડેબિટ પાસબુક' પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. જો કંપનીઓનું કાર્બન ઉત્સર્જન નિર્ધારિત મર્યાદા કરતા ઓછું હશે તો તેઓ 'ક્રેડિટ' મેળવશે, જ્યારે મર્યાદા કરતા વધુ ઉત્સર્જન થવા પર 'ડેબિટ' નોંધવામાં આવશે. ઓછા ઉત્સર્જનવાળા વાહન ઉત્પાદકો તેમની વધારાની ક્રેડિટ્સ એવી કંપનીઓને વેચી શકશે જે નિર્ધારિત લક્ષ્યાંકો પૂરા કરવામાં પાછળ રહી ગઈ હોય તો બન્ને રીતે ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત, 'બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી' પાસેથી સીધી ક્રેડિટ ખરીદવાની જોગવાઈ પણ હશે. તેની કિંમત 2027-27માં ₹2500 પ્રતિગ્રામ CO2/km થી શરૂ થશે અને પછીના વર્ષઓમાં વધીને ₹4500 થઈ જશે

તેની શું અસર થશે?
CAFE 3 નિયમોના અમલીકરણથી દેશમાં પેટ્રોલ અને ડીઝલ કારમાં નોંધપાત્ર તકનીકી ફેરફારો આવશે. કંપનીઓએ દરેક વાહનમાં ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઓટો સ્ટાર્ટ-સ્ટોપ ફંક્શન અને રિજનરેટિવ બ્રેકિંગ જેવી ઈંધણ-બચત કરતી તકનીકોનો સમાવેશ કરવો પડશે.
 
જોકે, અદ્યતન એન્જિન ટ્યુનિંગ અને હાઇબ્રિડ ટેક્નોલોજીના ઉપયોગથી શરૂઆતમાં ઉત્પાદન ખર્ચ વધી શકે છે, જેનાથી વાહનોની કિંમતમાં થોડો વધારો થઈ શકે છે. તેમ છતાં, લાંબા ગાળે, ઈંધણની સુધારેલી કાર્યક્ષમતાને કારણે ગ્રાહકોનો પેટ્રોલ અને ડીઝલ પાછળનો ખર્ચ ઘટશે અને સાથે જ હવાની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો થશે. નવા નિયમોમાં 2027-28માં fuel-consumption benchmark 3.996 લિટર/100 કિમીથી ઘટીને 2031-32માં 3.3273 લિટર/100 કિમી કરવાનો લક્ષ્યાંક છે, એટલે પાંચ વર્ષમાં આશરે 16.7% સુધારો કરવાનો છે.