ટીના દોશી
નામ: એની બેસન્ટ
ઓળખ : સ્ત્રી અધિકારો શિક્ષણ
ટપાલ ટિકિટ બહાર પાડ્યાની તારીખ : 1.10. 1963
ટિકિટનું મૂલ્ય : 15 નયા પૈસા
વિદેશી મૂળનાં હોવા છતાં ભારતને સેવાક્ષેત્ર બનાવીન થિયોસોફિસ્ટ, સમાજસુધારક અને કેળવણીકાર તરીકે સેવા આપનાર અંગ્રેજ મહિલા. ભારતની આઝાદીની લડતમાં આગળ પડતો ભાગ ભજવનાર આયરિશ મહિલા. હોમ રૂલ ચળવળનાં સ્થાપક, મહિલા અધિકારોનાં હિમાયતી અને શિક્ષણશાસ્ત્રી પણ ખરાં. વિદેશી મૂળના હોવા છતાં ભારતીય રંગે એવાં રંગાયાં કે 1917માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનાં પ્રથમ મહિલા પ્રમુખ બન્યાં... ભારત સરકારે કોઈ વિદેશી મૂળનાં મહિલાની ટપાલ ટિકિટ જારી કરી હોય એવાં એ પ્રથમ મહિલા હતાં!
નામ એમનું એની બેસન્ટ. ધાર્મિક પાખંડો ને વહેમો સામે બંડ જગાવવા ચાર્લ્સ બ્રેડલોએ સ્થાપેલ નૅશનલ સેક્યુલર સોસાયટીનાં ઍની કાર્યકર અને તેના સાપ્તાહિક મુખપત્ર ‘નૅશનલ રિફૉર્મર’નાં બ્રેડલો સાથે સહ-સંપાદક બન્યાં. ઍની ફેબિયન સોસાયટીનાં સભ્ય બન્યાં અને સિડની વેબ, જ્યૉર્જ બર્નાર્ડ શો, લેન્સબરી, રામસે મેક્ડોનલ્ડ જેવા પ્રસિદ્ધ સમાજવાદીઓનાં સાથી તરીકે ચળવળમાં જોડાયાં.
મૂળ નામ એની વુડ. જન્મ 1 ઑક્ટોબર 1847ના રોજ લંડનમાં. મૃત્યુ 20 સપ્ટેમ્બર 1933ના. પિતા વિલિયમ બર્ટન પર્સ વુડે ટ્રિનિટી કૉલેજ ડબલિનમાં અભ્યાસ કરીને તબીબી ડિગ્રી મેળવેલી. માતા એમિલી રોશ. એની પાંચ વર્ષની હતી ત્યારે તેના પિતા મૃત્યુ પામ્યા. માતા એમિલી પાસેથી મિસ મેરિયટ ઍનીને ભણાવવા પોતાને ઘેર લઈ ગઈ. વીસ વર્ષની ઉંમરે 1867માં એનીએ પાદરી ફ્રેન્ક બેસન્ટ સાથે લગ્ન કર્યાં. જોકે 1873માં બંને અલગ થઈ ગયાં.
બેસન્ટ 1890માં હેલેના બ્લાવત્સ્કીને મળ્યાં. થિયોસોફિકલ સોસાયટીના સભ્ય બન્યાં. થિયોસોફિકલ કાર્યના ભાગરૂપે એનીએ ભારતનો પ્રવાસ કર્યો. 1893માં તેઓ ભારત આવ્યાં અને દક્ષિણ ભારતનાં નગરોમાં આધ્યાત્મિક પ્રવચનો કર્યાં તથા ચેન્નઈ પાસે અડ્યારમાં થિયોસોફિકલ સોસાયટીના વાર્ષિક સંમેલનમાં હાજરી આપી. સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની તથા હૈદરાબાદ નૅશનલ કૉલેજિયેટ બોર્ડની સ્થાપના કરવામાં મદદ કરી. હૈદરાબાદ, સિંધમાં થિયોસોફિકલ સોસાયટી ઑડિટોરિયમને તેમના માનમાં બેસન્ટ હૉલ કહેવામાં આવે છે.
1893માં એનીએ શિકાગોમાં વિશ્વ ધર્મસંસદમાં થિયોસોફિકલ સોસાયટીનાં પ્રતિનિધિ તરીકે હાજરી આપેલી. સ્વામી વિવેકાનંદે આ જ કાર્યક્રમને સંબોધિત કરેલો. 1907માં થિયોસોફિકલ સોસાયટીનાં પ્રમુખ બન્યાં. નવેમ્બર 1894માં ઉત્તર ભારતનાં નગરોમાં ભારતીય સંસ્કૃતિ વિશે તેમણે પ્રવચનો કર્યાં. ત્યાર બાદ તેમણે ‘શ્રીમદભગવદગીતા’નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. 1907માં કર્નલ ઑલકોટના નિધન બાદ તેઓ આ સોસાયટીનાં આજીવન પ્રમુખ ચૂંટાયાં.
શિક્ષણમાં આર્યત્વના પાયા રોપવા માટે તેમણે 1898માં વારાણસીમાં સેન્ટ્રલ હિન્દુ કૉલેજની સ્થાપના કરી. ત્યારબાદ તેમણે અંત્યજો તથા મહિલાઓ માટેની શાળાઓ, અડ્યારની રાષ્ટ્રીય કૉલેજ, બ્રહ્મવિદ્યાશ્રમ અને મદનપલ્લીમાં નૅશનલ કૉલેજ સ્થાપ્યાં. તેમણે 1917માં સોસાયટી ફોર ધ પ્રમોશન ઑફ નૅશનલ એજ્યુકેશન અને 1918માં અડ્યારમાં નૅશનલ યુનિવર્સિટી સ્થાપી.
બેસન્ટ ભારતમાં રાજકારણમાં પણ સામેલ થયાં. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયાં. જ્યારે 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, ત્યારે તેમણે ભારતમાં લોકશાહી અને બ્રિટિશ સામ્રાજ્યમાં પ્રભુત્વના દરજ્જા માટે પ્રચાર કરવા માટે હોમ રૂલ લીગ શરૂ કરવામાં મદદ કરી. આના કારણે 1917ના અંતમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ બન્યાં.
એનીની ઓળખ જોકે હોમ રૂલ ચળવળનાં સ્થાપક તરીકેની વધુ છે. ભારતને હોમ રૂલ એટલે કે સાંસ્થાનિક દરજ્જાનું સ્વરાજ અપાવવા માટે તેમણે ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. સપ્ટેમ્બર 1916માં, બેસન્ટે લોકમાન્ય તિલક સાથે મળીને ઑલ ઇન્ડિયા હોમ રૂલ લીગની શરૂઆત કરી. લીગ આઇરિશ રાષ્ટ્રવાદી પ્રથાઓ પર ભારતની માંગણીઓનું મોડેલિંગ કરતી હતી.
આ ભારતનો પહેલો રાજકીય પક્ષ હતો જેણે શાસન પરિવર્તનને મુખ્ય ધ્યેય તરીકે રાખ્યું હતું. જૂન 1917માં, બેસન્ટની ધરપકડ કરવામાં આવી અને એક હિલ સ્ટેશન પર નજરકેદ કરવામાં આવી. ત્યાં તેમણે લાલ અને લીલો ધ્વજ લહેરાવ્યો. કૉંગ્રેસ અને મુસ્લિમ લીગે સાથે મળીને ધમકી આપી હતી કે જો એનીને મુક્ત કરવામાં નહીં આવે તો વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવશે.
સરકારને હાર માનવી પડી અને અસ્પષ્ટ પણ નોંધપાત્ર છૂટછાટો આપવાની ફરજ પડી. એવી જાહેરાત કરવામાં આવી કે બ્રિટિશ શાસનનો અંતિમ ઉદ્દેશ્ય ભારતીય સ્વરાજ્ય હતો. અને તે દિશામાં પગલાં લેવાનું વચન આપવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 1917માં બેસન્ટને મુક્ત કરવામાં આવ્યાં. ડિસેમ્બરમાં તેમણે એક વર્ષ માટે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનાં પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો. જવાહરલાલ નેહરુ અને મહાત્મા ગાંધી બંનેએ બેસન્ટની પ્રશંસા કરેલી.
તે પહેલાં જાન્યુઆરી 1914માં તેમણે ‘કૉમન વિલ’ નામનું સાપ્તાહિક અને જૂન 1914માં ‘ન્યૂ ઇન્ડિયા’ નામે દૈનિક શરૂ કરી તેમાં હોમ રૂલના ટેકામાં લેખો લખ્યા. મદ્રાસ ઇલાકા-તમિળનાડુના ગવર્નરના હુકમથી જૂન 1917માં એની બેસન્ટ અને તેમના સાથીઓ જી. એસ. અરુન્ડેલ તથા બી. પી. વાડિયાને નજરકેદ કરવામાં આવ્યાં. સમગ્ર દેશમાં તેનો વિરોધ થવાથી ઑગસ્ટ 1917માં તેમને મુક્ત કરવામાં આવ્યાં.
એ જ વર્ષે ડિસેમ્બર 1917માં કલકત્તા મુકામે ભરાયેલા કૉંગ્રેસના અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે તેમને પસંદ કરવામાં આવ્યાં. હોમ રૂલ આંદોલનના સીધા પરિણામ રૂપે મોન્ટેગ્યુની બંધારણીય સુધારા વિશેની જાહેરાત કરવામાં આવી. ગાંધીજીએ 1920માં અસહકારની ચળવળ શરૂ કરી ત્યારે એની બેસન્ટે તેનો વિરોધ કર્યો, કારણ કે તેઓ માત્ર બંધારણીય લડતમાં માનતાં હતાં. એ વિરોધના કારણે તેમની લોકપ્રિયતા ઘટી હતી.
તેમણે 1917માં વિમેન્સ ઇન્ડિયન ઍસોસિયેશનની સ્થાપના કરી. 1917માં જ ઇન્ડિયન બૉય સ્કાઉટ્સ ઍસોસિયેશન પણ સ્થાપ્યું અને 1921માં તેને આંતરરાષ્ટ્રીય ચળવળ સાથે જોડી દીધું. સ્કાઉટની ચળવળનો ‘ઑર્ડર ઑફ ધ સિલ્વર વુલ્ફ’ નામનો ખિતાબ તેમને 1932માં એનાયત કરવામાં આવ્યો. તેમણે જે. કૃષ્ણમૂર્તિ સાથે યુનાઇટેડ સ્ટેટ્સ તથા ગ્રેટ બ્રિટનમાં લાંબો પ્રવાસ કર્યો હતો.
જોકે જીવનના અંત સુધી બેસન્ટે ભારતની સ્વતંત્રતા માટે ઝુંબેશ ચાલુ રાખી. 1931માં તે બીમાર પડ્યાં. બેસન્ટનું 20 સપ્ટેમ્બર 1933ના રોજ 85 વર્ષની વયે બ્રિટિશ ભારતના મદ્રાસ પ્રેસિડેન્સીના અદ્યારમાં અવસાન થયું. તેમના મૃત્યુ પછી તેમના સાથીદારો જિદ્દુ કૃષ્ણમૂર્ત, એલ્ડોસ હક્સલી, ગાઇડો ફેરાન્ડો અને રોઝાલિન્ડ રાજગોપાલે કેલિફોર્નિયામાં હેપ્પી વેલી સ્કૂલ બનાવી. જેનું નામ હવે તેમના માનમાં બેસન્ટ હિલ સ્કૂલ ઑફ હેપ્પી વેલી રાખવામાં આવ્યું છે!