Sun Aug 23 2026

Logo

લાફ્ટર આફ્ટરઃ બનો, ઑનલાઇન/ઑફલાઇન બેવકૂફ...

2026-08-20 09:13:00
Author: Pragya Vashi
Article Image

 

પ્રજ્ઞા વશી

ગૉસિપ કેમ કરવી અને એના કેટલા ફાયદા છે એના વર્ગો શરૂ થયા. એની ફી 500 રૂપિયા હતી, પણ તમે નહીં માનો, ઑનલાઇન ગૂગલ પે કરીને ત્રણસો માણસો રવિવારે ઊંઘવાનું છોડીને દોડતાં હાંફતાં હાજર. આયોજકોને આયોજન કરતાં પણ હાંફ ચડી ગયો. ખરેખર સાચું કહું? આ દેશમાં તમે સ્મશાનની રાખ વેચવા મૂકશો તો એ પણ લેવા માટે પડાપડી થશે. ફક્ત તમને એના ફાયદા અને ગુણવત્તાનો પ્રચાર કરતાં આવડતો હોય.

એમ પણ આજકાલ ઑનલાઇન સ્ક્રીન ઉપર બતાવાતાં ઘરેણા, સાડી કે અન્ય વસ્તુઓ જ્યારે ઘરે આવે ત્યારે કંઈ કેટલાય મૂરખ બને છે. આંકડો તો ન કહેવામાં જ મજા છે! અને ઉપરથી જોવાનું એ છે કે આ છેતરાયેલા જ ફરી ફરી આખી રાત રીલ, એફ.બી. ઇન્સ્ટાગ્રામ આંખ ફાડી ફાડીને જોતા રહે છે, મૂરખ બનતા રહે છે અને મૂરખ બન્યાનો વિષાદ લઈને ફરતા રહે છે. 

આ તો માત્ર ઑનલાઇન, પણ ઑફલાઇન ચાલતા સેલ અને એનાં હેડિંગ પણ કેવાં લોભાવનારાં હોય છે. પમોડા પડશો તો રહી જશો. પછી માગશો તો આવા ચણિયાચોળી લાખ શોધશો તો પણ નહીં મળે.’ પસાઉથમાં પૂર આવ્યા પછી ત્યાંનો ફૅક્ટરીનો માલ રાતોરાત ઓછી કિંમતે (સાવ પડતર કિંમતે) વેચાણ માટે શહેરના સૌથી મોટા સેન્ટર હૉલમાં ખડકાઈ ગયો છે. 

સાઉથની સિલ્કની વિવિધ બ્રાન્ડેડ સાડી, સેલાં, કુર્તા તેમ જ નાના મોટા સહુને માટે વિવિધ ખજાનો ખુલ્લો મુકાયો છે. જો જો... તમે રહી ના જાવ. જે પહેલો આવશે તે મનપસંદ રંગો અને સિલ્કની સાડી, સેલાંના માલિક થશે. બસ, આવો ને આ લોટ લૂંટ લૂંટ લૂંટ... સેલમાં આવીને મનપસંદ લૂંટ ચલાવો અને દિવાળીમાં ઝગમગ ઝગમગ થાઓ. જથ્થાબંધ લેનારને સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઑફર તો ખરી જ ખરી!

મારી બા કહેતી કે મૂરખનાં ગામ કંઈ જુદાં ન હોય. સમજી? સેલમાં લેવા દોડનાર મહિલાઓ શું જરા પણ વિચારતી નહીં હોય કે સાઉથમાં પૂર ક્યારે આવ્યું? આવ્યું તો કઈ સાલમાં આવેલું? શું એમાં સાડીઓ પલળી ગયેલી? એ પલળી ગયેલી સાડીઓ વેચાણમાં કેવી રીતે મૂકે? અને જો એ મૂકે તો હું મૂરખ પૈસા આપીને પહેરીશ!   

ખરીદીની વાત આવે ત્યારે મારા સહિત જગતની તમામ મહિલાઓનાં મગજ લગભગ બંધ થઈ જતાં હોય છે, (કેટલાકનું ખરીદી વખતે મગજ અનેકગણું ફાસ્ટ ચાલતું હોય, એ બહેનો સેલમાં જઈને સેલ્સમેનને પ્રશ્ર્નો પૂછી પૂછીને લગભગ બેભાન કરી દે છે અને કશું પણ લીધા વગર પાછી આવે છે.) જ્યારે જે બહેનો મગજ બંધ કરીને સેલમાં જઈને રીતસરની લૂંટ ચલાવે છે, બંધબારણે એ માલ ઘરમાં ઘુસાડે છે અને ધીરે ધીરે વારે તહેવારે પહેરે છે.

પતિદેવ પૂછે, આ સાડી ક્યારે લીધી?’ ત્યારે એનો એક જ જવાબ હોય કે, અરે! તમે ભૂલી ગયા? ભૂલી માસીનાં લગનમાં વેવણે મને ઓઢાડેલી.’

જ્યારે બીજી સાડી વખતે, ’અરે તમે તો સાવ ભૂલકણા છો. બે વર્ષ પહેલાં બળેવમાં મારા ભાઈએ મને સાઉથનું સેલું આપેલું. તમે તો ખરા છો. મારી પાસે જેટલી સાડીઓ છે, એ મોટેભાગે મારા પિયરની જ તો છે. પણ હવે ડાર્લિંગ, તમારો પણ વારો છે. તમારે પણ આ દિવાળીએ બે-ચાર સાડીઓ લઈ આપવી પડશે. બાજુવાળા રમેશભાઈ દર વરસે રમાબહેનને ચારથી પાંચ મોંઘી મનગમતી સાડીઓ લઈ જ આપે છે. ખરેખર! બંને વચ્ચે કેટલો પ્રેમ છે.’

જેમ ગૉસિપ કરવાના ફાયદા શીખવવાના વર્ગો છે એમ નવરાત્રિ આવી રહી છે, એટલે એના વર્ગોમાં પૈસા ભરીને શીખવા જનારાની હોડ, AIનો ઉપયોગ કેમ કરશો? એના વર્ગોની ફી ચૂકવવા ઉત્સુક લોકો, કરાઓકે શીખવા પડાપડી કરતા તાનસેનોનો ધસારો, આમેય હવે નોકરી પણ  ક્યાં મળે છે? એટલે હવે તો લોકો કોઈ પણ સ્કિલ કે કલા તેમ જ જે કંઈ પણ આવડતું હોય એ તમામના ઑનલાઇન ક્લાસ શરૂ કરી દે છે. એ પછી એમાંથી ઉત્તીર્ણ થયેલા દરેકને આ ફ્રૉડ ગુરુઓ ઑનલાઇન યુનિવર્સિટીની ફ્રૉડ ડિગ્રીઓ પણ હોલસેલ ભાવે વહેંચી દે છે અને એ ગુરુઓના ઑનલાઇન ચેલાઓ તરત પાછા નવા ક્લાસ શરૂ કરી દે છે.

આમ હવે આ નવા ડિજિટલ યુગમાં આપણે નહીં સાંભળ્યું હોય એવું જોવા, જાણવા અને સાંભળવા મળે છે. એમાં નવાઈ જેવું પણ શું છે? આ ઑનલાઇન ગુરુઓ શું શીખવે છે અને ચેલાઓ શું શીખે છે એ તો એ બે જ જાણતા હોય છે.’ સમય બળવાન છે’ એમ કહેવાય છે, પણ અહીં તો ગુરુ અને ચેલાઓ બળવાન બની ગયા છે. 

આ બધા વચ્ચે ‘જેવા છે તેવા જ કેમ રહેવું’ એના વર્ગો ખોલવાનું મને મન થઈ રહ્યું છે. શું તમે એમાં જોડાશો? હું મફત શીખવાડીશ હોં!