Tue Sep 15 2026

Logo

કથા કોલાજઃ જે સગવડ ને લક્ઝરી આજના કલાકારોને મળે છે એવી અમને નહોતી મળતી...

2026-08-20 09:07:00
Author: Kajal oza Vaidya
કથા કોલાજઃ જે સગવડ ને લક્ઝરી આજના કલાકારોને મળે છે એવી અમને નહોતી મળતી...

 

કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 4)
નામ: સ્નેહલતા 
સમય: 2026 
સ્થળ: બાંદ્રા, મુંબઈ
ઉંમર:  71 વર્ષ

નરેશ કનોડિયા સાથેની પહેલી ફિલ્મ ‘ઢોલા મારુ’ ખૂબ સફળ થઈ. ઉપેન્દ્રભાઈએ ત્યાં સુધીમાં ગુજરાતી સિનેમા છોડીને ગુજરાતના રાજકારણમાં રસ લેવાનું શરૂ કર્યું હતું, પરંતુ મને આ સુપરહિટ જોડી તૂટવાથી ઝાઝો ફરક ન પડ્યો, કારણ કે લોકોએ મને નરેશ કનોડિયા સાથે એટલા જ સ્નેહથી સ્વીકારી લીધી. 

નરેશભાઈ સાથેનો મારો સંબંધ ખૂબ જ પ્રેમભર્યો અને દોસ્તીનો હતો. અમારી મિત્રતા જબરજસ્ત હતી. એક ફિલ્મમાં નરેશ કનોડિયા હીરો અને વિલન બંનેના રોલ કરતા હતા. ડબલ રોલની આ ફિલ્મના શુટિંગ દરમિયાન અમે ઍક્શન સીન કરતાં હતાં અને વિલનની ગૅન્ગ સામે મારે મારામારી કરવાની હતી. નરેશ કનોડિયાને મારતાં હું ડરતી હતી. એમણે મજાકમાં કહ્યું, ‘પંચિંગ બૅગને મારતી હોય એમ ડર્યા વગર તું તારે ઠોકી દે...’ મેં પણ આંખો મીંચીને જોરદાર મુક્કો માર્યો. નરેશભાઈના નાકમાંથી સાચુકલું લોહી નીકળી પડ્યું. મેં ગભરાઈને કહ્યું, ‘એમણે જ કહ્યું હતું મારવાનું...’ આખો સેટ આ જોઈને હસી પડ્યો! 

એ સમયે લગભગ બધી વાર્તાઓ, પૌરાણિક કથાઓ અને લોકકથાઓ પર આધારિત હતી. ચણિયાચોળી, ભારે દાગીના, હેરસ્ટાઈલ કરીને તાપમાં ડાન્સ કરવાનો. એ વખતે કોઈ વેનિટી વૅન કે એસી મેકઅપ રૂમ નહોતા. છત્રી નીચે કે નાનકડા તંબુમાં બેસીને અમારે મેકઅપ કરવો પડતો ને ખુલ્લામાં બાંધેલા તંબુમાં કપડાં બદલવાની પણ ક્યારેક ફરજ પડતી. વૉશરૂમની સામાન્ય સગવડ પણ સ્ત્રીઓ માટે અઘરી હતી. 

કેટલીકવાર આઉટડોરમાં શુટિંગ કરતાં હોઈએ ત્યારે ગાડીમાં બેસીને એક-દોઢ કિલોમીટર દૂર વૉશરૂમ જવું પડે, એવું પણ બનતું. કામનું પેશન એટલું હતું કે અમને આ કોઈ બાબત તકલીફ જેવી લાગતી જ નહીં! ગુજરાતી પ્રેક્ષકોના પ્રેમ અને સ્વીકાર અમારે માટે એટલા મહત્ત્વના હતા કે બાકીની બધી તકલીફો નાની લાગતી. આજના કલાકારોને જે સગવડ અને લક્ઝરી મળે છે એવી 70 કે 80ના દાયકામાં અમારી પાસે નહોતી. 

એક દિવસ અમારા ઉતારાથી બે કલાકના અંતરે નદી કિનારે રેતીમાં ગીતનું શુટિંગ ચાલતું હતું. એ વખતે આવવા-જવાનું પણ અઘરું હતું. અમારા દિગ્દર્શક ઇચ્છતા હતા કે ગીત એક જ દિવસમાં પૂરું થઈ જાય તો ખર્ચ ઓછો થાય. અમે આખો દિવસ, લગભગ સૂરજ ડૂબ્યો ત્યાં સુધી ગીતનું શુટિંગ કર્યું. હું જેવી શુટિંગ પતાવીને ગાડીમાં બેઠી કે તરત મેં ‘બીટાડીન’નું ક્રીમ માગ્યું. મારા હેરડ્રેસરે મને પૂછ્યું, ‘શું થયું છે?’ મેં મારા પગમાં પડેલા ફોલ્લા એમને બતાવ્યા તો એમની ચીસ નીકળી ગઈ. 

અમે જે હોટેલમાં ઊતર્યા હતાં ત્યાં જઈને એમણે અમારા દિગ્દર્શકને વાત કરી. એ મારા રૂમમાં માફી માગવા માટે આવ્યા ત્યારે મેં કહ્યું, ‘તમારો કોઈ વાંક નથી. ફિલ્મ માટે જે કરવું પડે એ કરવું જ પડે. આપણે ઓછા ખર્ચમાં ફિલ્મ પૂરી કરીએ તો સારું...’ નરેશભાઈએ બીજે દિવસે સેટ ઉપર સૌને કહ્યું ત્યારે આખા સેટના દરેક વ્યક્તિએ તાળી વગાડીને મારું સન્માન કર્યું! નરેશભાઈ આ કિસ્સો વારંવાર કહેતા. એ હંમેશાં કહેતા કે સ્નેહલતા માત્ર નસીબના જોરે નહીં, પરંતુ એમના અથાગ પરિશ્રમ અને પ્રોફેશનાલિઝમને કારણે સફળ થયાં છે. 

નરેશભાઈ સાથેની જોડીએ મને ડાન્સિંગ સ્ટાર પણ બનાવી. એ પોતે ખૂબ જ સારા નૃત્યકાર હતા. ઘણી વાર પોતાના સ્ટેપ જાતે પણ કોરિયોગ્રાફ કરતા. કોરિયોગ્રાફર એમને સ્ટેપ બતાવે એ નરેશભાઈ કદી ભૂલતા નહીં. કેટલીકવાર કોરિયોગ્રાફરનો સ્ટેપ રિપીટ થાય તો નરેશભાઈ એમને યાદ કરાવતા કે ‘આ ફલાણી ફિલ્મમાં થઈ ચૂક્યો છે...’ હું શાસ્ત્રીય નૃત્ય શીખી હતી, પરંતુ ઉપેન્દ્રભાઈને નૃત્ય બહુ ગમતું નહીં એટલે એ વખતે મારી નૃત્યકળાનો સાચો ઉપયોગ ન થઈ શક્યો, પરંતુ નરેશભાઈ સાથે અમારી જોડી ડાન્સિંગમાં પણ શ્રેષ્ઠ નીવડી.  

ગુજરાતી બોલવામાં મને તકલીફ પડતી, એટલે હું મારા ડાયલોગ હિન્દી (દેવનાગરી) લિપિમાં લખાવતી. ડાયલોગ હું મોઢે કરીને આવતી, પરંતુ મારા સહકલાકારો મને ખૂબ મદદ કરતા. પહેલાં ઉપેન્દ્રભાઈ ને પછી નરેશભાઈ હંમેશાં મારા ડાયલોગના ઉચ્ચારો સુધારવામાં મદદ કરતા. આ એ સમયની વાત છે જ્યારે અમે એક ફિલ્મનું શુટિંગ કરતાં હતાં. નદીમાં પાણી ભરવાના સીન વખતે હું વાંકી વળી, મારો ઘાઘરો પગમાં ભરાયો અને હું પાણીમાં લપસી પડી.

પાણીનો પ્રવાહ ઘણો વધારે હતો. મારા દાગીના અને કાઠિયાવાડી ઘાઘરાના વજનને લીધે હું તણાવા લાગી. મને તરતા નહોતું આવડતું. મેં બૂમો પાડી, પહેલાં તો સૌને લાગ્યું કે હું મજાક કરું છું, પરંતુ નરેશભાઈ સમજી ગયા કે હું મજાક નથી કરતી અને સાચેસાચ તણાવા લાગી છું. કંઈ પણ વિચાર્યા વગર એ પહેરેલા કૉસ્ચ્યુમ સાથે પાણીમાં કૂદી પડ્યા, મને હાથ પકડીને ખેંચીને બહાર કાઢી. આ અકસ્માત હું જીવનભર ભૂલી શકી નહીં. એ પછી મને હંમેશાં પાણીનો ડર લાગતો. નરેશભાઈએ મારો જીવ બચાવ્યો એ વાત હું ક્યારે ભૂલી નહીં શકું.

એ વખતે રાતના શુટિંગમાં હાઇડ્રોજન લાઇટ્સ અને જનરેટરનો ઉપયોગ થતો. એક મહેલના સેટ પર ગીતનું શુટિંગ ચાલતું હતું. લાઇટ એટલી ગરમ થઈ ગઈ કે સેટ પર ચોંટાડેલા જરીના પેપર્સ બળવા લાગ્યા. હું અંદરની અટારીમાં ઊભી રહીને ગીત માટે ઍક્ટિંગ કરી રહી હતી ત્યારે સેટ બળવા લાગ્યો. અફરાતફરી મચી ગઈ. જુનિયર કલાકારો ભાગવા લાગ્યા. એ વખતે અમારા એક ફાઇટ માસ્ટરે બારીને લાત મારીને તોડી નાખી. મને લગભગ ઊંચકીને બહાર કાઢી... એ પછી મને ક્યાંય સુધી રાતના આગનાં અને બળી જવાનાં સપનાં આવતાં હતાં.
 
ગુજરાત અને મધ્ય પ્રદેશની બૉર્ડર પર કોતરો અને જંગલોમાં ફિલ્મોનાં શુટિંગ થતાં. એ વખતે બહારવટિયા અને ડાકુઓનો ત્રાસ હતો. એક દિવસ અમને એવા સમાચાર મળ્યા કે નજીકના જંગલમાં ડાકુઓની ટોળકી છે જે મને ઉપાડી જવા આવવાની છે. અમે સતત ડરતાં ડરતાં શુટિંગ કર્યું. સીન રોમેન્ટિક હતો, પણ હૃદયમાં ફફડાટ હતો. અચાનક બે જીપમાં ડાકુઓ આવી પહોંચ્યા. મને તો ફિલ્મી ડાકુઓની કલ્પના હતી. આ તદ્દન સામાન્ય માણસો જેવા દેખાતા હતા. 

અમારા દિગ્દર્શકે એમની પાસે જઈને વિનંતી કરવા માંડી ત્યારે ડાકુઓમાંથી એક જણે કહ્યું, ‘અમે કંઈ લૂંટફાટ કરવા કે અપહરણ કરવા નથી આવ્યા. અમે તો સ્નેહલતાના ફૅન છીએ. એમને શુટિંગ કરતાં જોવા આવ્યા છીએ.’ અમારા સૌનો જીવ હેઠો બેઠો. પછી તો અમે એમને ખુરશી નાખીને બેસાડ્યા, એમની સાથે ફોટા પડાવ્યા અને એ લોકોએ પણ અમારી સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ વ્યવહાર કર્યો. 

નવાઈની વાત એ હતી કે અમારા સેટ પરથી કોઈએ પોલીસને જાણ ન કરી. સૌને ડાકુઓ સાથે વાતો કરવામાં મજા પડી. બે-ત્રણ કલાક રહીને જ્યારે એ લોકો પાછા જવા લાગ્યા ત્યારે પોલીસને જાણ ન કરવા બદલ એમણે સેટ પર હાજર દરેક વ્યક્તિનો હાથ જોડીને આભાર માન્યો. મને પહેલીવાર સમજાયું કે સમાજ સામે બગાવત કરનારા બહારવટિયા પણ ભીતરથી તો માણસ જ હોય છે. એમને પણ એમના પ્રિય કલાકારો હોય છે. એમના ગમા-અણગમા અને શોખ હોય છે.

એ સમયમાં મારાં જાણીતાં ગીતો ગરબામાં વાગતાં. ‘આજનો ચાંદલિયો’, ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’, ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય’ જેવાં ગીતો ખૂબ લોકપ્રિય થયાં. નરેશભાઈ અને મારી જોડી ટૉપ પર હતી. રમેશ મહેતા અને મંજરી દેસાઈ પણ કૉમેડી જોડી તરીકે ખૂબ લોકપ્રિય હતાં. ત્યારે જ ફિલ્મના શુટિંગમાંથી પાછા ફરી રહેલા રમેશ મહેતા અને મંજરી દેસાઈની ગાડીને ઍક્સિડન્ટ થયો. 

મંજરી દેસાઈનું મૃત્યુ થયું અને રમેશભાઈને પણ સારું એવું વાગ્યું. એ ગાળામાં રમેશભાઈ ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયા. સામાન્ય રીતે સેટ પર સૌને હસતાં હસાવતાં રમેશભાઈ સાવ ચૂપ રહેવા લાગ્યા. અમે બધાએ ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ જેની સાથે આટલી બધી ફિલ્મો કરી હોય એવા સહકલાકારનું મૃત્યુ ઝીરવવું એમના જેવા સંવેદનશીલ કલાકાર માટે સરળ નહોતું. 

જિંદગીનો એક પડાવ મારાં લગ્નનો પણ હતો. હું જ્યારે ઉત્તમ ફિલ્મો કરી રહી હતી અને કારકિર્દીના ઉચ્ચતર મુકામે હતી ત્યારે મારાં માતા-પિતાને મારાં લગ્ન વિશે ચિંતા હતી. મારા બંને સહકલાકારો પરણેલા હતા. વળી, ઉપેન્દ્રભાઈ તો મને સ્નેહલતાબેન કહેતા... એટલે અભિનેતા સાથે પ્રેમમાં પડવાનો તો કોઈ સવાલ જ નહોતો. મારી મમ્મી અરેન્જ મૅરેજ માટે પણ છોકરાંઓ જોવા લાગી હતી ત્યારે મારી મુલાકાત એક એવી વ્યક્તિ સાથે થઈ જેને મળીને મને લાગ્યું કે હું એમની સાથે મારી બાકીની જિંદગી જીવી શકીશ! (ક્રમશ:)