Sat Sep 05 2026

Logo

મુંબઈના બે પારસી ડૉક્ટરને પાકિસ્તાનનો સૌથી મોટો મુલકી અવૉર્ડ

Islamabad   2026-08-19 21:34:54
Author: Mumbai Samachar Team
મુંબઈના બે પારસી ડૉક્ટરને પાકિસ્તાનનો સૌથી મોટો મુલકી અવૉર્ડ

ઝીણાની બીમારી ગુપ્ત રાખવા બદલ ‘નિશાન-એ-ઇમ્તિયાઝ’ અપાશે, દિલીપ કુમાર પછી આ પુરસ્કાર બે ભારતીયને એનાયત કરાશે

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના આયોજન વિભાગના પ્રધાન અહસાન ઇક્બાલે જણાવ્યું હતું કે મોહમ્મદ અલી ઝીણાની ગંભીર બીમારી (ક્ષય) ગુપ્ત રાખવા બદલ મુંબઈના બે પારસી ડૉક્ટરને પાકિસ્તાનનો સર્વોચ્ચ મુલકી પુરસ્કાર ‘નિશાન-એ-ઇમ્તિયાઝ’ એનાયત કરાશે. 

આ બે પારસી ડૉક્ટરના નામ ફિઝિશન ડૉ. જાલ રતનજી પટેલ અને રેડિયોલોજિસ્ટ ડૉ. જાલ ધાયભો-કૂ હોવાનું કહેવાય છે. આમ છતાં, પાકિસ્તાને આ નામ અંગે સત્તાવાર કોઇ જાહેરાત નહોતી કરી. અગાઉ, પાકિસ્તાને દિલીપ કુમારને 1998માં ‘નિશાન-એ-ઇમ્તિહાઝ’ એનાયત કર્યો હતો.

અહસાન ઇક્બાલે સોશ્યલ મીડિયા ‘એક્સ’ પર જણાવ્યું હતું કે મને એ જણાવતા આનંદ થાય છે કે પુરસ્કાર સમિતિના અધ્યક્ષે ‘નિશાન-એ-ઇમ્તિયાઝ’ માટે મુંબઈના બે પારસી તબીબ - એક ફિઝિશન અને બીજા રેડિયોલોજિસ્ટને પસંદ કર્યા છે. તેઓએ કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાની ગંભીર બીમારીને ગુપ્ત રાખી હતી.

તેમણે જણાવ્યું હતું કે મોહમ્મદ અલી ઝીણા ગંભીર બીમાર હોવાનું જો વહેલું જાહેર થઇ ગયું હોત, તો 1947માં પાકિસ્તાનની રચનાને માઠી અસર થવાની શક્યતા હતી. અનેક ઇતિહાસકારો આ વાતને માઠું પરિણામ લાવી શકે એવી વીસમી સદીનું સૌથી મોટી ગંભીર બાબત ગણાવે છે.

પાકિસ્તાનના આયોજન વિભાગના પ્રધાને જણાવ્યું હતું કે લૉર્ડ માઉન્ટબેટને બાદમાં કબૂલ કર્યું હતું કે જો ઝીણા ગંભીર રીતે બીમાર હોવાની વાત પોતાને વહેલી ખબર પડી હોત, તો અખંડ ભારતના ભાગલામાં વિલંબ કર્યો હોત અને તેનાથી ઇતિહાસ બદલાઇ જાત તેમ જ પાકિસ્તાન અલગ દેશ બની ન શકત.

તેમણે જણાવ્યું હતું કે આ બે ડૉક્ટરે પોતાના વ્યવસાયના સિદ્ધાંતનું પાલન કરીને ઝીણાની ગંભીર બીમારીની વાત ગુપ્ત રાખી હતી. તેઓએ દાખવેલી પ્રામણિકતાને લીધે પાકિસ્તાનની રચના શક્ય બની હતી.

પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિન 14 ઑગસ્ટે રાષ્ટ્રીય મુલકી અને લશ્કરી પુરસ્કારોની જાહેરાત થાય છે અને 23 માર્ચે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા યોજવામાં આવતા સમારંભમાં તે એનાયત કરાય છે.

મોહમ્મદ અલી ઝીણાને ફેફસાંનો ક્ષય (ટ્યૂબરક્યુલોસીસ - ટીબી) થયો હતો અને તે જમાનામાં આ બીમારી (ટીબી)નો ઇલાજ નહોતો થઇ શકતો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ગણવામાં આવે છે. તેઓ પાકિસ્તાનની રચના બાદ મૃત્યુ પામ્યા હતા. 

(એજન્સી)