મૃતદેહને બાથરૂમમાં મૂકી નળ ચાલુ રાખ્યો હતો, જેથી શબ ધોવાતું રહે અને દુર્ગંધ તરત ફેલાય નહીં
થાણે: ડોમ્બિવલીમાં મુસીબત બની ગયેલા પ્રેમીનો પતિની મદદથી કાંટો કાઢનારી મહિલાએ ફ્લૅટમાલિકને વૉઈસમેઈલ મોકલી ગુનાની કથિત કબૂલાત કરી હતી. પ્રેમીના શબને બાથરૂમમાં મૂકીને નળ ચાલુ રાખવામાં આવ્યો હતો, જેથી ફ્લૅટમાં મૃતદેહ હોવાનો તરત કોઈને અણસાર ન આવે.
માનપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સંદીપ શિંદેએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની સવારે પ્રકાશમાં આવી હતી. ચાર દિવસથી બંધ ડોમ્બિવલીના માનપાડા ખાતેના ફ્લૅટમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ પડોશીઓએ કરી હતી. આ અંગે પડોશીઓએ ફ્લૅટમાલિકને જાણ કરી હતી.
અતિશય દુર્ગંધને કારણે ફ્લૅટમાલિકે ભાડુઆતનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. જવાબમાં ભાડુઆતની પત્નીએ ફ્લૅટમાલિકને એક વૉઈસમેઈલ મોકલ્યો હતો, જેમાં પ્રેમી મુસીબત બની ગયો હોવાથી પતિ સાથે મળીને તેને ફ્લૅટમાં પતાવી નાખ્યો હોવાની કથિત કબૂલાત હતી, એમ શિંદેએ જણાવ્યું હતું.
ડરી ગયેલા ફ્લૅટમાલિકે તુરંત પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ માનપાડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લૉક તોડી દરવાજો ખોલવામાં આવતાં ફ્લૅટના બાથરૂમમાંથી અંદાજે 40 વર્ષના શખસનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને બાથરૂમમાં મૂકી પાણીનો નળ ચાલુ રાખવામાં આવ્યો હતો, જેને કારણે શબ સતત ધોવાતું હતું. પોલીસનું માનવું છે કે પાણીની સાથે શબમાંથી નીકળતું પ્રવાહી વહી જાય અને તરત દુર્ગંધ ન ફેલાય તે માટે નળ ખુલ્લો રાખવામાં આવ્યો હશે.
પોલીસે શખસના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. તેની ઓળખ મેળવવાના પ્રયાસ પોલીસ કરી રહી છે. આ પ્રકરણે પોલીસે દંપતી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસની ટીમ અલગ અલગ મુદ્દે તપાસ કરી દંપતીની શોધ ચલાવી રહી છે.
(પીટીઆઈ)