Mon Sep 07 2026

Logo

બે ગુજરાતી ખેલાડીઓએ ટેબલ ટેનિસ જગતમાં મેળવી વિરલ સિદ્ધિ!

2026-07-14 18:10:41
Author: Ajay Motiwala
બે ગુજરાતી ખેલાડીઓએ ટેબલ ટેનિસ જગતમાં મેળવી વિરલ સિદ્ધિ!

નવી દિલ્હીઃ ટેબલ ટેનિસ જગતમાં ભારતના બે ગુજરાતી ખેલાડીઓએ મોટી સિદ્ધિ મેળવી છે. નવા રૅન્કિંગ મુજબ માનવ ઠક્કર (Manav Thakkar) અને માનુષ શાહ (Manush Shah) પુરુષોના ડબલ્સના ક્રમાંકોમાં જોડીમાં નંબર-ટૂ થઈ ગયા છે. ટેબલ ટેનિસના ડબલ્સના રૅન્કિંગમાં બે ભારતીય ખેલાડીઓએ બીજું સ્થાન મેળવ્યું હોય એવું પહેલી જ વખત બન્યું છે.

રાજકોટમાં જન્મેલો માનવ ઠક્કર 26 વર્ષનો છે. તે એશિયન ગેમ્સમાં એક તેમ જ એશિયન ચૅમ્પિયનશિપ્સમાં ચાર બ્રૉન્ઝ મેડલ જીતી ચૂક્યો છે. 2020ની સાલમાં તે વર્લ્ડ અન્ડર-21 રૅન્કિંગમાં નંબર-વન બન્યો હતો.

ભરૂચમાં જન્મેલો માનુષ શાહ પચીસ વર્ષનો છે. ભારતીય ખેલાડીઓમાં નંબર-વન બની ચૂકેલો માનુષ એશિયન ચૅમ્યિનશિપ્સમાં બ્રૉન્ઝ મેડલ તેમ જ એશિયન જુનિયર ચૅમ્પિયનશિપ્સમાં બે સિલ્વર મેડલ જીત્યો હતો.

ઇન્ટરનૅશનલ ટેબલ ટેનિસ ફેડરેશન (આઇટીટીએફ)ના રૅન્કિંગમાં ત્રણ ભારતીય જોડી ટૉપ-ટેનમાં પહોંચી છે અને ભારતના ટેબલ ટેનિસ ઇતિહાસમાં આ વિરલ સિદ્ધિ છે. માનવ ઠક્કર અને માનુષ શાહ ઉપરાંત મહિલા વર્ગમાં દિયા ચિતલે અને યશસ્વિની ઘોરપડેની જોડી 10મા ક્રમે પહોંચી ગઈ છે, જ્યારે મિક્સ્ડ-ડબલ્સમાં દિયા ચિતલે અને માનુષ શાહની જોડી હવે વર્લ્ડ નંબર-ફાઇવ છે.

આ જ બતાવે છે કે ટેબલ ટેનિસની ડબલ્સમાં ભારતનું પ્રભુત્વ ધીમે-ધીમે વધી રહ્યું છે. સામાન્ય રીતે આ રમતમાં ચીન, જાપાન, સાઉથ કોરિયા અને તાઇપેઇનું વર્ચસ્વ રહ્યું છે, પણ હવે ભારતીયો તેમને પડકારી રહ્યા છે. 2028ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં ટેબલ ટેનિસની રમતમાં ડબલ્સની ઇવેન્ટ કમબૅક કરવાની હોવાથી એમાં ભારતીય ખેલાડીઓ છવાઈ જશે એવી પાકી સંભાવના છે.