Tue Jul 21 2026

Logo

મુંબઈમાં 23 જુલાઇથી 6 ઑગસ્ટ સુધી પ્રતિબંધાત્મક આદેશ લાગુ જાહેર સ્થળોએ પાંચ કે તેથી વધુ વ્યક્તિના ભેગા થવા પર મનાઇ

2026-07-20 17:45:02
Author: Yogesh D. Patel
Article Image

મુંબઈ: મુંબઈ પોલીસે સોમવારે 23 જુલાઇથી 6 ઑગસ્ટ સુધી પ્રતિબંધાત્મક આદેશ લાગુ કર્યો છે, જેમાં જાહેર સ્થળોએ પાંચ કે તેથી વધુ વ્યક્તિએ ભેગા થવા પર મનાઇ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જાહેર શાંતિનો ભંગ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ ડેપ્યુટી પોલીસ કમિશનર (ઑપરેશન્સ) અકબર પઠાણે ઉપરોક્ત આદેશ જારી કર્યો છે, જેમાં સરઘસ કાઢવા અને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા, મોટા અવાજના વાજિંત્રો વગાડવા, મ્યુઝિકલ બેન્ડ્સ અને સરઘસમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

જાહેર સ્થળોએ ખલેલ, માનવ જીવન માટે જોખમ અને મિલકતને નુકસાનની શક્યતાના સંકેત આપતા વિવિધ સ્રોતો પાસેથી પ્રાપ્ત ઇનપુટ્સને લઇ આ આદેશ જારી કરાયો છે. મુંબઈ પોલીસ કમિશનરના અધિકારક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં 22 જુલાઇએ મોડી રાતે 12.01 વાગ્યાથી 6 ઑગસ્ટ રાતે 12.00 વાગ્યા સુધી નિયંત્રણો અમલમાં રહેશે. જોકે તે લગ્ન સમારંભો અને સંબંધિત કાર્યો, અંતિમયાત્રા, કંપનીઓ, ક્લબ તથા કોઓપરેટિવ સોસાયટીઓની કાયદેસરની મીટિંગ, સિનેમાગૃહો, થિયેટરો અને અન્ય સ્થળે ભેગા થવા પર લાગુ નહીં થશે. ઉપરાંત કોર્ટ, સરકારી કાર્યાલયો, વિવિસર કામ માટે સ્થાનિક પ્રશાસન, શાળા, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમ જ ફેક્ટરી, દુકાનો અને આસ્થાપનાઓ ખાતે સામાન્ય વેપાર તથા કામકાજ ખાતે લોકોના ભેગા થવા પર આ આદેશ લાગુ નહીં થશે.

સંબંધિત ડીસીપી અને તેમની દેખરેખ હેઠળના અધિકારીઓ દ્વારા મંજૂર સરઘસ અને મેળાવડા માટે આ આદેશ લાગુ નહીં થશે. આદેશની અમલબજાવણીના સમયગાળામાં કરાતા ઉલ્લંઘન સંબંધમાં કાનૂની કાર્યવાહી અથવા તપાસ નિયંત્રણમાં ચૂક છતાં ચાલુ રહી શકે છે અને આદેશ અમલી છે તેવું ધારીને ઉલ્લંઘન માટે દંડ પણ લાગુ કરાશે. (પીટીઆઇ)