Tue Jul 21 2026

Logo

ના જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે...

2026-07-21 09:19:00
Author: Amit Trivedi
Article Image

 

અમિત ત્રિવેદી

રામાયણની કથા સાથે જોડાયેલી આ કેટલીક શક્તિશાળી પંક્તિ છે! ભગવાન શ્રીરામનો બીજા દિવસે સવારે રાજ્યાભિષેક થવાનો હતો, પરંતુ તેમને આગલી રાત્રે ખબર નહોતી કે સવાર શું લઈને આવશે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ભવિષ્ય જાણવાનો દાવો કરે છે ત્યારે આ પંક્તિ યાદ આવે એ સ્વાભાવિક છે. 

આપણી આસપાસ ઘણા એવા કહેવાતા નિષ્ણાતો છે જે શૅરબજાર હોય, કોઈ ચોક્કસ શૅરની કિંમત હોય, સોનું હોય, પેટ્રોલ હોય કે ચાંદી ભવિષ્યમાં કિંમતો કઈ દિશામાં જશે તેની આગાહી કરવાનો પ્રયાસ કરે છે. ઘણીવાર, કુશળતાને ભવિષ્યની આગાહી કરવાની ક્ષમતા સાથે સરખાવી દેવામાં આવે છે. લોકો નિષ્ણાતો પાસેથી તેમની આગાહીઓ આપવાની અપેક્ષા રાખે છે. અને તેથી જ દર વર્ષે જાન્યુઆરીમાં ઘણા લોકો આ ‘કહેવાતા’ નિષ્ણાતો પાસેથી બજાર વિશેની આગાહીઓની રાહ જુએ છે.

ચાલો, આપણે છેલ્લાં છ-સાત વર્ષમાં શું બન્યું છે તેના પર એક નજર કરીએ.

2019માં કેટલા લોકોએ આગાહી કરી હશે કે આગામી થોડાં વર્ષોમાં દુનિયા બદલાઈ જશે? દુનિયાની અડધી વસ્તી પોતાનાં ઘરોમાં કેદ થઈ જશે? આગાહી કરવાની વાત તો દૂર, તે કલ્પના બહારની વાત હતી.

2021માં કોણે કલ્પના કરી હશે કે રશિયા યુક્રેન પર હુમલો કરશે? વિકસિત દેશોમાં 10 ટકા થી વધુ ફુગાવો અકલ્પ્ય થઈ જશે.

વર્ષ 2022માં, યુ.એસ.માં ત્રણ મોટી બૅન્ક પડી ભાંગી... અને તાજેતરનાં વર્ષોમાં, આપણે ઇઝરાયલ-યુએસ-ઈરાન યુદ્ધને કારણે ભારે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છીએ.

ઉપરોક્ત બધી ઘટના સંપૂર્ણપણે અણધારી હતી, પરંતુ દરેકની રોકાણકારના પોર્ટફોલિયોના મૂલ્ય પર થોડી-ઘણી અસર પડી હતી. માણસ માત્ર નિશ્ર્ચિતતાને ચાહે છે અને અનિશ્ચિતતાને ધિક્કારે છે. અને આ જ પ્રક્રિયામાં, લોકો આવી આગાહીઓ પર વિશ્વાસ મૂકી દે છે. ઘણીવાર નાના અક્ષરોમાં લખાયેલી ચેતવણીઓ અને ડિસ્ક્લેમર્સને પણ અવગણીને, પરંતુ મોટાભાગે, આ આગાહીઓ વાસ્તવિકતામાં જે બને છે તેનાથી ઘણી દૂર હોય છે.

પોતાના વ્યક્તિગત નાણાંનું સંચાલન કરવા માટે, ઉપરોક્ત પાઠ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.  ઘણા લોકોએ મને પૂછ્યું છે કે જો પરિણામ શું આવશે તેની ખબર જ ન હોય તો પૈસા રોકાણ કેમ કરવા?

તેમની વાતમાં એક તર્ક છે, પરંતુ સાથે સાથે કડવી હકીકત એ છે કે કોઈને પણ ભવિષ્યની ખાતરી નથી. હકીકતમાં, જો ભગવાન શ્રીરામને પણ ખબર નહોતી તો આપણે તો માત્ર સામાન્ય માનવો છીએ.
તો પછી પ્રશ્ર્ન એ છે કે ભવિષ્ય જાણ્યા વિના વ્યક્તિ પોતાનાં નાણાકીય આયોજન કેવી રીતે કરે? 

જવાબ છે: 
ખાસ કરીને જ્યારે આપણને ભવિષ્ય વિશે અનિશ્ચિતતા હોય ત્યારે આપણે યોજના બનાવવાની જરૂર હોય છે.

આપણે આપણાં નાણાં વિશે એવા નિર્ણયો લઈશું કે જેથી ભવિષ્ય વધુ સારુંં અને આરામદાયક બને, પરંતુજ્યારે ભવિષ્ય અજાણ હોય, ત્યારે આપણે વિવિધ સંભાવનાઓને ધ્યાનમાં લઈ, શક્ય તેટલી પરિસ્થિતિઓમાં પોતાની સ્થિતિ સુરક્ષિત રહે તેવો પ્રયાસ કરી શકીએ. આ માટે આપણે કેટલીક ધારણા કરીએ છીએ. આપણે વિવિધ સંભાવનાઓનું વિશ્ર્લેષણ કરીએ છીએ. આ ધારણાઓ અને સંભાવનાઓ ક્યારેક એટલી સચોટ ન પણ હોય. અને છતાં, આયોજનની પ્રક્રિયા શરૂ કરવા માટે આપણે ધારણાઓથી શરૂઆત કરવાની જરૂર છે.

વ્યક્તિગત નાણાકીય યોજના તૈયાર કરવાની પ્રક્રિયામાં અમૂલ પગલાં લેવાં અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જો તમે આ જાતે ન કરી શકો તો કોઈ વ્યાવસાયિકની આર્થિક સલાહકારની મદદ લો. આ નિષ્ણાતો તેમના જ્ઞાન અને અન્ય ગ્રાહકો સાથે વર્ષોનો અનુભવ લાવે છે જેથી તમને એવી યોજના બનાવવામાં મદદ મળે કે તમારાં લક્ષ્યો પ્રાપ્ત કરવાની સંભાવના વધે.