અમદાવાદઃ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અસર જોવા મળી રહી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 થી 8 કલાકના સમયગાળામાં 56 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ સુરતમાં વરસાદ ખાબક્યો હતો.
સુરતમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
સુરતના પલસાણામાં 1.57 ઇંચ, સુરત શહેરમાં 1.26 ઇંચ, બારડોલીમાં 1.18 ઇંચ, કામરેજમાં 0.87 ઇંચ, ઓલપાડમાં 0.47 ઇંચ, ચોર્યાસીમાં 0.71 ઇંચ, મહુવામાં 0.39 ઇંચ, અરેઠમાં 0.39 ઇંચ, માંગરોળમાં 0.35 ઇંચ, ઉમરપાડામાં 0.31 ઇંચ, માંડવીમાં 0.31 ઇંચ, અંબિકામાં 0.31 ઇંચ વરસાદ ખાબક્યો હતો
આ સિવાય ચીખલીમાં 1.18 ઇંચ, નવસારીમાં 0.94 ઇંચ, જલાલપોરમાં 0.94 ઇંચ, વલસાડમાં 0.59 ઇંચ, ડોલવણમાં 0.43 ઇંચ, સુબીરમાં 0.39 ઇંચ, ગણદેવીમાં 0.39 ઇંચ, વાંસદામાં 0.39 ઇંચ, ખેરગામમાં 0.39 ઇંચ, રાણાવાવમાં 0.31 ઇંચ, ઉકાઈમાં 0.31 ઇંચ, મહુવા(ભાવનગર)માં 0.28 ઇંચ, વ્યારામાં 0.28 ઇંચ, વાલોડમાં 0.24 ઇંચ, અંકલેશ્વરમાં 0.20 ઇંચ, હાંસોટમાં 0.20 ઇંચ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર, સુરત, ડાંગ, તાપી અને નવસારીમા ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ, રાજ્યમાં મેઘરાજા ફરી ધમાકેદાર બેટિંગ કરશે. 24 થી 27 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં 8 થી 10 ઇંચ વરસાદ પડી શકે છે. અતિભારે વરસાદને પગલે નાની નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.
આજે ક્યાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગે 27 તારીખ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તેમજ દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા કડક સૂચના આપી છે.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, હાલમાં રાજસ્થાન, બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તરફ ચોમાસાની અલગ અલગ સિસ્ટમ સક્રિય છે. આ બધી હવામાન સિસ્ટમ ભેગી થવાના કારણે 27 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.