Tue Jul 21 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ મેસીની સેનાનું ઘોડું દશેરાએ જ ના દોડ્યું

2026-07-21 09:16:00
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

વિશ્વમાં ફૂટબોલની સૌથી મોટી સ્પર્ધા એવી ફિફા (ફેડરેશન ઈન્ટરનેશનાલે ફૂટબોલ એસોસિએશન) વર્લ્ડ કપની ફાઈનલમાં એન્ટિ ક્લાઈમેક્સ આવી ગયો. આખા વર્લ્ડ કપમાં જબરદસ્ત ફોર્મમાં રમી રહેલી લિયોનેલ મેસીની આર્જેન્ટિનિયન સેના વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર મનાતી હતી પણ મેસી આણિ મંડળીનું ઘોડું દશેરાના દિવસે જ ના દોડ્યું. ન્યૂ યોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં સ્પેન સામે આર્જેન્ટિનાની ટીમ ફિક્કી પડી ગઈ ને સ્પેન 16 વર્ષ પછી ફરી વર્લ્ડ ચેમ્પિયન બની ગયું. 

આ ફાઈનલ પહેલાં આર્જેન્ટિનાનો સુપરસ્ટાર લિયોનેલ મેસી ને સ્પેનના લામિન યમાલમાંથી કોણ વધારે ગોલ ફટકારે છે તેની જોરશોરથી ચર્ચા ચાલતી હતી પણ ના મેસી ગોલ કરી શક્યો કે ના યમાલ ગોલ કરી શક્યો. મેચનો એક માત્ર ગોલ  સ્પેનના ફેરન ટોરેસે કર્યો ને આ ગોલે સ્પેનને 16 વર્ષ પછી ફરી વર્લ્ડ ચેમ્પિયન બનાવી દીધું. આર્જેન્ટિના જીત્યું હોત તો ચોથી વાર ચેમ્પિયન બન્યું હોત. ફિફા વર્લ્ડ કપમાં બ્રાઝિલ સૌથી વધુ 5 વાર જીત્યું છે જ્યારે જર્મની અને ઈટલી 4-4 વાર જીત્યાં છે. 

આર્જેન્ટિના 3 વાર જીત્યું છે તેથી જર્મની અને ઈટલીની બરાબરી કરવાની તક હતી પણ સ્પેનના ફેરન ટોરેસે આ તક રોળી નાખી.  ફિફા વર્લ્ડ કપમાં ઈટાલી અને બ્રાઝિલ બે ટીમો જ એવી છે કે જે સળંગ બે વાર વર્લ્ડ કપ જીતી હોય. ઈટલીએ 1934 અને 1938માં એમ બે વાર સળંગ વર્લ્ડ કપ જીત્યો હતો જ્યારે બ્રાઝિલની ટીમ 1958 અને 1962 એમ બે વાર સળંગ વર્લ્ડકપ જીતી ચૂકી છે. 

ઈટલીએ 1934માં  પોતાની ધરતી પર અને ચાર વર્ષ પછી ફ્રાન્સમાં વર્લ્ડ કપ જીત્યો હતો.  બ્રાઝિલે બંને વાર વિદેશની ધરતી પર વર્લ્ડકપ જીત્યો. બ્રાઝિલે 1958માં સ્વીડનમાં પહેલો વર્લ્ડ કપ જીત્યો અને 1962માં ચીલીમાં ફરી ચેમ્પિયન બનીને દબદબો જાળવી રાખ્યો હતો. બ્રાઝિલે ફૂટબોલ ઈતિહાસના સૌથી મહાન ખેલાડી મનાતા પેલેના સમયમાં આ પરાક્રમ કર્યું હતું. 

મેસીની ટીમ આખા વર્લ્ડ કપમાં જે રીતે રમતી હતી એ જોતાં ઈટાલી અને બ્રાઝિલની જેમ સળંગ બે વાર વર્લ્ડ કપ જીતીને નવો ઈતિહાસ રચશે અને મેસી પેલેની સમકક્ષ આવી જશે એવું લાગતું હતું પણ મેસી બીજો પેલે ના બની શક્યો. સ્પેનના ફેરન ટોરેસે એ તક પણ છિનવી લીધી.  મેસીની ટીમે પેલેની બ્રાઝિલની જેમ ઈતિહાસ રચવાના બદલે ડીયાગો મેરેડોનાની આર્જેન્ટિનાની ટીમના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું. 

મેરેડોનાની ટીમે 1986માં મેક્સિકો સિટીના ‘એસ્ટાડિયો એઝટેકા’ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં પશ્ચિમ જર્મનીને 3-2થી હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. 1990માં આર્જેન્ટિના ફરી ફાઈનલમાં પહોંચેલું ને સામે પશ્ચિમ જર્મની જ હતું પણ રોમમાં રમાયેલી ફાઈનલમાં જીતીને જર્મનીએ 4 વર્ષ પહેલાંની હારનો બદલો લઈ લીધો હતો. મેસીની ટીમે 2022માં કતારમાં રમાયેલી ફાઈનલમાં ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપ મેળવી પણ આ વખતે ફાઈનલમાં હારી ગયું તેથી મેરેડોનાનો ઈતિહાસ દોહરાવાયો. 

આર્જેન્ટિનાએ પોતાનો ઈતિહાસ દોહરાવ્યો તો યોગાનુયોગ સ્પેન પણ આ વખતે 2010ની સ્ટાઈલમાં જ જીત્યું છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં સોકર સિટી ખાતે રમાયેલી 2010ના ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં સ્પેને નેધરલેન્ડ્સને 1-0થી હરાવ્યું હતું અને આ વખતે આર્જેન્ટિનાને પણ 1-0થી હરાવ્યું છે. 

નેધરલેન્ડ્સ સામેની ફાઈનલમાં પહેલા બે હાફ એટલે કે 90 મિનિટ સુધી એક પણ ગોલ ના થતાં મેચ એકસ્ટ્રા ટાઈમમાં ગઈ હતી અને  116મી મિનિટે, મિડફિલ્ડર આન્દ્રેસ ઇનીએસ્ટાએ ગોલ કરીને સ્પેનને પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ અપાવ્યો હતો. આ વખતે પણ 90 મિનિટમાં કોઈ ગોલ ના થતાં મેચ એકસ્ટ્રા ટાઈમમાં ગઈ ને 106મી મિનિટે  નિકો વિલિયમ્સે  હેડરથી આપેલા પાસને ફેરાન ટોરેસે ગોલમાં ફેરવીને સ્પેનને બીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવી દીધું.

2010ની ફાઈનલમાં રેફરી હોવર્ડ વેબે 14 યલો કાર્ડ બતાવેલાં અને ને ડચ ડિફેન્ડર જોન હેઇટિંગાને મેદાનની બહાર મોકલી દેતાં નેધરલેન્ડ્સની ટીમે 10 ખેલાડીથી જ રમવું પડેલું. આ વખતની ફાઈનલમાં આર્જેન્ટિનાનો મિડફિલ્ડર એન્ઝો ફર્નાન્ડીઝે સ્પેનના ડિફેન્ડર પાઉ કુબાર્સીને પછાડતાં  રેફરીએ તેને સીધું રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર મોકલી દેતાં આર્જેન્ટિનાએ પણ આખા એક્સ્ટ્રા ટાઇમમાં 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું. 

આર્જેન્ટિનાની હારનું અત્યારે જોરશોરથી પિષ્ટપિંજણ થઈ રહ્યું છે. સૂંઠના ગાંગડે ગાંધી થઈ ગયેલા સોકર વિશ્ર્લેષકોનું કહેવું છે કે, મેસીની ટીમ ખરા તાકડે પાણીમાં બેઠી તેનું ખરું કારણ તેમની સંરક્ષણાત્મક રમત છે. આખી સ્પર્ધામાં એકદમ આક્રમક રમત બતાવનારા આર્જેન્ટિનાાન ખેલાડી ફાઈનલમાં પહેલેથી મેચને શૂટઆઉટમાં લઈ જવા માગતા હોય એ રીતે જ રમ્યા કેમ કે તેમની પાસે શૂટ આઉટના ચેમ્પિયન ખેલાડીઓ છે. સામે સ્પેને પહેલેથી હલ્લાબોલ કરેલું ને સ્પેનના યુવા ખેલાડી લામિન યમાલે આખી મેચમાં આર્જેન્ટિનાના ડિફેન્સ પર સતત દબાણ જાળવી રાખ્યું હતું. 

પહેલા બે હાફમાં સ્પેનને કોઈ ગોલ ના કરવા દઈને તેમણે આ વ્યૂહરચનાનો અસરકારક રીતે અમલ પણ કર્યો પણ એકસ્ટ્રા ટાઈમમાં મિડફિલ્ડર એન્ઝો ફર્નાન્ડીઝને રેડ કાર્ડ બતાવાતાં બહાર જવું પડ્યું તેમાં આર્જેન્ટિનાની પથારી ફરી ગઈ. ફૂટબોલ જેવી હાઈ એનર્જીવાળી ગેમમાં એક ખેલાડી ઓછો હોય ને અનુભવી મિડ ફિલ્ડર ઓછો હોય તો ફરક પડી જ જાય. સ્પેને તેનો લાભ લઈને જોરદાર આક્રમણ કર્યું તેમાં ફેરાન ટોરેસે ગોલ ફટકારી દીધો. 

આ વિશ્ર્લેષણ સાચું માની શકાય એવું છે પણ આ બધું ડહાપણ મેચ પતી ગયા પછીનું છે. મેચ પહેલાં આ બધા જ મેસીની ટીમને જ હોટ ફેવરીટ ગણાવતા હતા તેના પરથી એટલું જ કહી શકાય કે, એનાલિસીસ બરાબર છે પણ વાસ્તવમાં જો જીતા વો હી સિંકદર છે ને અત્યારે તો સ્પેન સિકંદર બની ગયું છે. 

આ વર્લ્ડકપ સાથે હવે લિયોનેલ મેસી કમ સે કમ વર્લ્ડ કપના તખ્તેથી વિદાય લેશે એ નક્કી છે કેમ કે અત્યારે 39 વર્ષનો મેસી 4 વર્ષ પછી વર્લ્ડકપ રમે એવી શક્યતા નથી. મેસી વર્લ્ડ કપ વિજેતા તરીકે વિદાય લેવાનો હકદાર હતો પણ નસીબે સાથ ના આપ્યો. વ્યક્તિગત રીતે મેસી માટે આ વિદાય એ રીતે પણ નિરાશાજનક છે કે, મેસી 6 વર્લ્ડ કપ રમવા છતાં સૌથી વધારે ગોલ કરવા બદલ મળતો ગોલ્ડન બૂટ એવોર્ડ ના જીતી શક્યો. મેસી 2022 અને 2026 બંને વર્લ્ડ કપમાં એકદમ નજીક આવીને ચૂકી ગયો. 

2026માં ફ્રાન્સના કિલિયન એમ્બપ્પેએ 8 મેચમાં 10 ગોલ કરીને ‘ગોલ્ડન બૂટ’ એવોર્ડ જીત્યો. મેસીએ 8 ગોલ કરેલા તેથી ફાઈનલમાં 3 ગોલ ફટકારીને આગળ નિકળી જવાની તક હતી પણ મેસી એક ગોલ પણ ના ફટકારી શક્યો. એમ્બપ્પેએ 2022માં પણ ‘ગોલ્ડન બૂટ’ એવોર્ડ જીત્યો હતો. એમ્બપ્પેએ સતત બે ટૂર્નામેન્ટમાં ‘ગોલ્ડન બૂટ’ જીતનાર પ્રથમ ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો પણ મેસી એક પણ વાર ‘ગોલ્ડન બૂટ’ નથી જીતી શક્યો. 

2022ના વર્લ્ડકપમાં તો મેસી અને  કિલિયન એમ્બપ્પેએ 5-5 ગોલ સાથે સરખા હતા પણ  એમ્બપ્પેએ ફાઈનલ મેચમાં આર્જેન્ટિના સામે હૅટ-ટ્રિક ફટકારીને લિયોનેલ મેસીને પાછળ છોડી દીધો હતો. મેસી આ વખતે હૅટ-ટ્રિક કરીને બદલો લઈ શકે તેમ હતો પણ એમબાપ્પે જેવું પરાક્રમ ના કરી શક્યો. મેસીએ એ રીતે બેવડા અફસોસ સાથે વિદાય લીધી.