આજે મુંબઈમાં ઓરેન્જ અલર્ટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં વીકએન્ડથી નૈર્ઋત્યના ચોમાસાએ ફરી એન્ટ્રી કરી છે. બે-ત્રણ દિવસથી મુંબઈ સહિત થાણે, પાલઘર, રાયગઢ જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. જોકે રવિવાર રાતથી સોમવાર સવાર સુધીમાં ઉપનગરની સરખામણીમાં દક્ષિણ મુંબઈ વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હતું. ભારતીય હવામાન વિભાગે મંગળવાર માટે ઓરેન્જ અલર્ટ જારી કર્યું છે, જેમાં ભારે પવન સાથે અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
મુંબઈમાં સોમવારના સવારના અનેક વિસ્તારોમાં વરસાદના હળવાથી મધ્યમ સ્વરૂપના વરસાદના ઝાપટાં પડ્યાં હતાં. જોકે દક્ષિણ મુંબઈમાં નહીંવત વરસાદ રહ્યો હતો. હવામાન વિભાગના ડેટા અનુસાર સોમવારે સવારે ૮.૩૦ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં દક્ષિણ મુંબઈના કોલાબા વેધશાળામાં માત્ર ૫.૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉપનગરમાં સરેરાશ સાંતાક્રુઝ વેધશાળામાં ૮૮.૪ મિ.મી. વરસાદ નોંધાયો છે.
આ સમયે મુંબઈના પડોશી જિલ્લાઓમાં જોકે વરસાદ વધુ પડ્યો હતો, જેમાં થાણેમાં ૧૧૫ મિ.મી. અને નવી મુંબઈમાં આ જ સમયગાળા દરમ્યાન સરેરાશ ૯૨.૧૦ મિ.મી. વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે મંગળવારે વરસાદની ગતિવિધિ વધુ તીવ્ર બનશે અને મુંબઈ અને થાણે માટે ઓરેન્જ ઍલર્ટ જારી કર્યું છે, જે દર્શાવે છે કે અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને ૫૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો ૨૨ અને ૨૩ જુલાઈના રોજ મુંબઈ અને થાણે બંને માટે યલોે ઍલર્ટ રહેશે, જે દર્શાવે છે કે અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડશે.
હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયામાં વરસાદે થોડો વિરામ લીધા બાદ મુંબઈમાં નૈર્ઋત્યનું ચોમાસું ફરી સક્રિય થવાની ધારણા છે. ચોમાસાના ચાર મહિના દરમ્યાન સામાન્ય રીતે જુલાઈ મહિનામાં વરસાદ પ્રમાણમાં વધુ હોય છે. અપેક્ષા મુજબ ચોમાસું ધીમે ધીમે ફરી જોર પકડશે અને ૨૪ જુલાઈ સુધી મુંબઈ સહિત રાજ્યમાં વરસાદનું જોર રહેશે.
આ દરમ્યાન મુંબઈમાં અત્યાર સુધી સરેરાશ મોસમનો કુલ ૬૬.૦૨ ટકા વરસાદ વરસી ગયો છે, જેમાં દક્ષિણ મુંબઈમાં સરેરાશ ૬૧.૫૨ ટકા અને ઉપનગરમાં સરેરાશ ૬૬.૪૬ ટકા વરસાદનો સમાવેશ થાય છે. તો કોલાબામાં અત્યાર સુધી સરેરાશ ૧,૪૦૮.૯ મિ.મી. (૬૭.૨૫ ટકા) અને સાંતાક્રુઝમાં સરેરાશ ૧,૬૯૫.૨ મિ.મી. ( ૭૩.૧૦ ટકા) વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન મુંબઈમાં શોર્ટ સર્કિટના ૧૩ બનાવ નોંધાયા હતા. જ્યારે ઝાડ અને તેની ડાળખી તૂટી પડવાના ૧૫ તથા ઘરની દીવાલ તૂટી પડવાના બે બનાવ નોંધાયા હતા.
જળાશયોમાં ૫૪ ટકાથી વધુ પાણી જમા
સોમવાર સુધીમાં મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતાં સાત તળાવો ૭,૮૨,૩૭૦ મિલ્યન લિટર પાણી જમા થયું હતું, જે તેમની કુલ ક્ષમતાના ૫૪.૦૫ ટકા છે. જોકે, જળાશયનું સ્તર ગયા વર્ષ કરતાં નોંધપાત્ર રીતે ઓછું છે. ૨૦૨૫માં આ જ તારીખે, તળાવોમાં ૧૧,૮૭,૮૨૮ મિલ્યન લિટર પાણીનો સંગ્રહ હતો, જે ૮૨.૦૭ ટકા છે. પાલિકાના પાણીપુરવઠા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે તળાવોનું સ્તર અડધા સ્તરને વટાવી ગયું છે, પરંતુ મે મહિનામાં લાદવામાં આવેલ ૧૦ ટકા પાણી કાપ પાછો ખેંચવાનો હાલ પૂરતો કોઈ વિચાર નથી. એક અંદાજ મુજબ એક ટકા પાણીનો જથ્થો મુંબઈની લગભગ ત્રણ દિવસની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતો છે. શહેરની વર્ષભરની પાણીની માંગને આરામથી પૂર્ણ કરવા માટે સપ્ટેમ્બરના અંત સુધીમાં તળાવોએ તેમની ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લિટરની સંપૂર્ણ સંગ્રહ ક્ષમતા સુધી પહોંચવાની જરૂર છે.