Tue Jul 21 2026

Logo

સીજેપી સમર્થકો પર પોલીસ લાઠીચાર્જ કરવા મુદ્દે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને શશી થરૂરે સરકારને ઘેરી

2026-07-20 20:23:40
Author: Mumbai Samachar Team
Article Image

રાહુલ ગાંધીએ પીએમ મોદીને ગણાવ્યા 'યુવા વિરોધી'

નવી દિલ્હીઃ કૉકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સમર્થકોના સંસદ ચલો અભિયાન વખતે પોલીસના લાઠીચાર્જને લઈ વિપક્ષે સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી. વિપક્ષી પાર્ટીએ લાઠીચાર્જની આકરી ટીકા કરી હતી અને એને લઈ સરકાર પર ગંભીર સવાલો કર્યાં હતા. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યુવા વિરોધી પીએમ ગણાવ્યા હતા, જ્યારે અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે નિરાશા મેં આંખ કા પાણી જબ સમુંદર બન જાતા હૈ ઈન્કલાબ તબ આતા હૈ.   

કૉકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સમર્થકો પર સંસદ તરફ કૂચ દરમિયાન થયેલા લાઠીચાર્જ મામલે વિપક્ષે સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા સાઇટ ‘એક્સ’ પર લખ્યું હતું કે, "વડા પ્રધાન મોદી ભારતના ઇતિહાસના સૌથી યુવા વિરોધી વડા પ્રધાન છે, તેઓ એટલા યુવા વિરોધી છે કે તેઓ નિષ્ફળ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ લઈ શકતા નથી. રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તે યુવાનોની આશાઓ પર ખરી ઉતરી નથી પરંતુ તેમના પર હુમલાઓ પણ કરી રહી છે.

રાહુલ ગાંધીએ આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે ચોમાસુ સત્રના પ્રથમ દિવસે સંસદ તરફ માર્ચ કરતા હજારો કૉકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના હજારો સમર્થકોએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને સુરક્ષા દળોએ સંસદ માર્ગ નજીક પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. વિદ્યાર્થીઓ સહિત સીજેપી સમર્થકો સંસદ તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને ટીયરગેસના સેલ છોડ્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે "152 પેપર લીક થયા છે. 7.5 કરોડ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે અને એક પણ દોષિત વ્યક્તિને સજા મળી નથી. સજા કોને મળી? "મહેનતુ યુવાનોને," વધુમાં તેમણે કહ્યું હતું કે જ્યારે બાળકો શિક્ષણ વિશે વાજબી પ્રશ્નો ઉઠાવે છે ત્યારે તેમને દંડા મારવામાં આવે છે અને જવાબમાં અટકાયત કરવામાં આવે છે. 

પેપર લીક કરનારા ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે અને વાજબી મુદ્દાઓ ઉઠાવનારા વિદ્યાર્થીઓને ઘસડીને મારવામાં આવે છે. આ સરકાર યુવાનોને નિરાશ કરી રહી છે, તેના પર હુમલાઓ કરી રહી છે.

અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે નિરાશા મેં આંખ કા પામી જબ સમુંદર બન જાતા હૈ ઈન્કલાબ તબ આતા હૈ. કોઈ અપની તાકાત પર, જબ સર ઉઠા ઈઠલાતા હૈ, ઇન્કલાબ તબ આતા હૈ. દરમિયાન કોંગ્રેસના સાંસદ શશી થરુરે પણ ટીકા કરી હતી. થરુરે લાઠીચાર્જને દુખદ ગણાવ્યો હતો. વિના હિંસા વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે ત્યારે લાઠીચાર્જનું શું કારણ. મને આ લોજિક જ સમજાતું નથી. તેમણે કહ્યું હતું કે આ તો બધા માટે સારું છે અને મને એ સમજાતું નથી કે ચર્ચા કરવા માટે આટલો ડર શા માટે. તેમની પાસે મોટી મેજોરિટી છે, તેથી પાર્લામેન્ટમાં દેશનો અવાજ સાંભળવો જોઈએ. પાર્લામેન્ટનો ઉદ્દેશ આ જ છે, પરંતુ જ્યારે તમે મનાઈ કરો છો ત્યારે વિપક્ષ પણ નારાજ થશે.