Tue Jul 21 2026

Logo

સોનામાં ઘટ્યા મથાળેથી રૂ. 1095નો અને ચાંદીમાં રૂ. 4101નો ચમકારો

2026-07-20 19:58:02
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેનાં યુદ્ધને કારણે ક્રૂડતેલના ભાવ વધી આવતા ફુગાવાલક્ષી દબાણ વધવાની સાથે ફેડરલ રિઝર્વના નીતિઘડવૈયાઓએ વધતા ફુગાવાને નાથવા માટે વ્યાજદરમાં વધારો કરવાની જરૂર પડે તેવા સંકેત આપતા આજે લંડન ખાતે સત્રના આરંભમાં સાવચેતીના અભિગમ વચ્ચે સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં 1.1 ટકા જેટલો સુધારો આવ્યો હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક બજારનાં મિશ્ર અહેવાલ છતાં ગત શુક્રવારનાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં આજે હાજરમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1090થી 1095નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 4101નો ચમકારો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 4101 વધીને રૂ. 2,19,575ના મથાળે રહ્યા હતા, જ્યારે સોનામાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈને કારણે આયાત પડતરો વધવાની સાથે રોકાણકારોની છૂટીછવાઈ માગને ટેકે વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1090 વધીને રૂ. 1,41,684 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1095 વધીને રૂ. 1,42,254ના મથાળે રહ્યા હતા. જોકે, આજે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને આૈંસદીઠ 4018.75 ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ સાધારણ 0.1 ટકો વધીને 4023.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.6 ટકા વધીને આૈંસદીઠ 56.79 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.હાલમાં વૈશ્વિક સોનાના ભાવ ક્રૂડતેલના ભાવની વધઘટને અનુસરી રહ્યા છે. ક્રૂડતેલના ભાવ વધતા સોનામાં ઘટાડો અને ક્રૂડતેલના ભાવ ઘટતાં સોનામાં સુધારો જોવા મળી રહ્યો છે. આજે સત્રના આરંભે ક્રૂડતેલના ભાવ એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા પછી ઈરાનના પ્રવક્તાએ બન્ને દેશોના હિતને ધ્યાનમાં લેતા વાટાઘાટ કરે તેવો અણસાર આપતા ક્રૂડતેલના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હોવાનું યુબીએસનાં વિશ્લેષક જિઓવન્ની સ્ટૂનોવોએ જણાવ્યું હતું. 

વધુમાં ગત શુક્રવારે ક્લેવરલેન્ડ ફેડના પ્રમુખ બેથ હમ્માકેએ જણાવ્યું હતું કે નીતિઘડવૈયાઓ વધતા ફુગાવાને અંકુશમાં રાખવા વ્યાજદરમાં વધારો કરવાના મુદ્દે સમર્થન આપી રહ્યા છે. જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આગામી ડિસેમ્બર મહિનામાં વધારો કરે તેવી 80 ટકા શક્યતા બજાર વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા હતા, જ્યારે ગત સપ્તાહે ડિસેમ્બરમાં વ્યાજદરમાં વધારાની 73 ટકા શક્યતા જોવાઈ રહી હતી.