કાશ્મીરમાં પ્રવાસીઓ ફસાયા અને આસામમાં રેલ સેવાઓ ઠપ્પ, લશ્કર દ્વારા બચાવ કામગીરી શરૂ
જમ્મુ/ગુવાહાટીઃ સતત ભારે વરસાદ, વાદળ ફાટવા અને અચાનક પૂરના કારણે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને આસામમાં વ્યાપક વિનાશ થયો છે. કાશ્મીરમાં ખાસ કરીને રાજૌરી, પૂંચ, ડોડા, કિશ્તવાડ, રામબન અને અનંતનાગ જિલ્લામાં પરિસ્થિતિ ગંભીર છે. છેલ્લા અઠવાડિયામાં મુશળધાર વરસાદને કારણે રોડ કનેક્ટિવિટી, વીજળી, પીવાનું પાણી અને સંદેશાવ્યવહાર પ્રણાલીમાં ભારે વિક્ષેપ પડ્યો છે, જેના કારણે ઘણા ગામડાઓ જિલ્લા મુખ્યાલયથી કપાઈ ગયા છે.
24 કલાકમાં 16 જણનાં મોત થયા
તાજેતરની ઘટનાઓમાં, રાજૌરી અને પૂંચ જિલ્લામાં વાદળ ફાટવા અને અચાનક પૂરના કારણે 24 કલાકમાં ઓછામાં ઓછા ૧૬ જણના મોત થયા છે, જ્યારે સાતથી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરી ચલાવી રહ્યા છે. ઘણા પરિવારોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. દરમિયાન, દક્ષિણ કાશ્મીરના પહલગામ વિસ્તારમાં જોરદાર પ્રવાહને કારણે વાદળ ફાટવાથી હોટલ, ઘરો અને દુકાનો ડૂબી ગઈ હતી.
જુલાઈમાં 20 વખત વાદળ ફાટવાની ઘટના
પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવા માટે વહીવટીતંત્રે એક ખાસ કામગીરી શરૂ કરવી પડી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નથી, તેમ છતાં પર્યટન પ્રવૃત્તિઓ પર પ્રતિકૂળ અસર પડી છે. નિષ્ણાતો કહે છે કે આ વર્ષે જુલાઈ મહિનામાં જ જમ્મુ અને કાશ્મીરમાં ઓછામાં ઓછા ૨૦ વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ છે. આ ઘટનાઓથી પર્વતીય પ્રદેશોમાં ભૂસ્ખલન, કાટમાળ વહેવા અને અચાનક પૂરનું જોખમ નોંધપાત્ર રીતે વધ્યું છે.
2025માં 150થી વધુ લોકોના મૃત્યુ
હવામાન વિભાગે આગામી દિવસોમાં ઘણા જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. પાછલા વર્ષોના ડેટા પણ આ વધતા જોખમની ગંભીરતાને પ્રતિબિંબિત કરે છે. સત્તાવાર રેકોર્ડ અનુસાર, ૨૦૨૫માં જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોમાં ૧૫૨ લોકો મૃત્યુ પામ્યા, ૧૭૯ જણ ઘાયલ થયા અને આશરે ૨૧૦૦૦ ઘર અને અન્ય માળખાઓને નુકસાન થયું. વધુમાં, ૧૫૦૦થી વધુ પશુ પણ માર્યા ગયા હતા.
2021માં સૌથી મોટી જાનહાનિ થઈ
૨૦૨૨માં અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાથી ૧૬ શ્રદ્ધાળુના મોત થયા હતા, જ્યારે ૨૦૨૧માં કિશ્તવાડના દછન વિસ્તારમાં વાદળ ફાટવાથી ૨૬ જણના મોત થયા હતા. સતત વરસાદને કારણે, ભૂસ્ખલનથી જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત અનેક મુખ્ય અને ગ્રામીણ રસ્તાઓ પ્રભાવિત થયા છે. અનેક સ્થળોએ ટ્રાફિક ઠપ્પ થઈ ગયો છે, જેના કારણે આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાઈ ગયો છે.
વાદળ ફાટવાની ઘટનામાં વધારો
વહીવટીતંત્રે લોકોને નદીઓ, નાળાઓ અને ભૂસ્ખલન-સંભવિત વિસ્તારોથી દૂર રહેવા અને હવામાન ચેતવણીઓનું પાલન કરવાની અપીલ કરી છે. નિષ્ણાતો માને છે કે આબોહવા પરિવર્તન, અનિયમિત ચોમાસાની પ્રવૃત્તિ અને પર્વતીય વિસ્તારોમાં વધતી માનવ હસ્તક્ષેપને કારણે વાદળ ફાટવા જેવી ભારે હવામાન ઘટનાઓની આવર્તન વધી રહી છે.
તેઓ કહે છે કે જો વૈજ્ઞાનિક પ્રારંભિક ચેતવણી પ્રણાલી, સંવેદનશીલ વિસ્તારોની ઓળખ અને મજબૂત આપત્તિ વ્યવસ્થાપન પ્રણાલી સમયસર વિકસાવવામાં ન આવે, તો આવી આપત્તિઓની આવર્તન વધુ વધી શકે છે.
વરસાદથી દેહરાદૂન-મસુરીના ધોરીમાર્ગને અસર
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પછી દેહરાદૂન-મસુરી મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગને અસર થઈ છે. રસ્તાઓ તૂટી જવાને કારણે વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે, જેને કારણે લોકોને વૈકલ્પિક રસ્તાઓ ઉપયોગ કરવાની અપીલ કરી છે. ભારે વરસાદને કારણે નિરંતર જનજીવન પર અસર પડી રહી છે, તેથી લોકોને બિનજરુરી જોખમ નહીં લેવાની અપીલ કરવામાં આવી છે.
આસામમાં ભારે વરસાદને કારણે ટ્રેનસેવા પ્રભાવિત
આસામમાં સતત વરસાદને કારણે આજે પૂરની સ્થિતિ વધુ વણસી હતી. રાહત અને બચાવ કામગીરીમાં રાજ્યની એજન્સીઓને મદદ કરવા માટે સેનાના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. તેમજ પ્રદેશમાં રેલ સેવાઓ પણ પ્રભાવિત થઇ હતી. પરિણામે ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવાની, રદ્દ કરવાની અથવા અધવચ્ચે જ અટકાવી દેવાની ફરજ પડી હતી.
આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ(એએસડીએમએ) અનુસાર આ વર્ષે પૂરને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકો મૃત્યુ પામ્યા છે. ઓથોરિટીએ જણાવ્યું કે ચરાઇદેવ, ધેમાજી, દિબ્રુગઢ, જોરહાટ, શિવસાગર, તિનસુકિયા અને ઉદલગુરી જિલ્લામાં ૫૭,૧૦૦થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
રાજ્યમાં અનેક ચાના બગીચા પૂરની પાણીમાં ડૂબી ગયા છે. ટી એસોસિએશન ઓફ ઇન્ડિયાના આસામ એકમનું કહેવું છે કે નાગાલેન્ડથી વહેતી નદીઓમાં અચાનક રેલ આવતા તે ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. સંગઠને જણાવ્યું કે ડોરિકા નદીનો ડેમ તૂટવાથી સ્થિતિ વધુ વણસી હતી અને નજીરા વિસ્તારમાં ચાના બગીચાઓનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થયો હતો.
ઉત્તરપૂર્વ સરહદી રેલવેએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે દિખો નદીનું પાણી તિનસુકિયા વિભાગના શિવસાગર જિલ્લાના સિમાલુગુરી શહેરમાં ઘૂસી ગયું હતું. પૂરના પાણી સ્ટેશન યાર્ડ અને રેલવે કોલોનીમાં ઘૂસી ગયા હતા. આ વિસ્તારમાં રેલવે ટ્રેક પણ પાણીમાં ડૂબી ગયા છે. પરિણામે મુસાફરોની સલામતી માટે, સિમાલુગુરી-નામતિયાલી અને સિમાલુગુરી-સેલેનઘાટ વિભાગમાં ટ્રેનોની અવરજવરને આગામી આદેશ સુધી બંધ કરવામાં આવી છે.
જ્યારે દિબ્રુગઢ અને તિનસુકિયાથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનોને બ્રહ્મપુત્રના ઉત્તર કિનારે સ્થિત રંગિયા-રંગાપારા રૂટ પર વાળવામાં આવી રહી છે. તેમજ ઘણી લોકલ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે અથવા તો તેને અધવચ્ચે જ રોકવામાં આવી છે.