અમદાવાદ: નવી દિલ્હીના જંતર મંતર પર NEET પેપર લીક અને સોનમ વાંગચુકના સમર્થનમાં શરૂ થયેલો વિરોધ હવે દેશના જુદા જુદા ભાગમાં પણ ફેલાયો છે. ત્યારે આજે અમદાવાદમાં પણ પ્રદર્શનકારીઓએ સરકારનો આકરો વિરોધ કર્યો હતો. આજે સવારે શહેરના લૉ ગાર્ડનમાં પણ ખૂબ મોટી સંખ્યામાં સોનમ વાંગચુકના સમર્થનમાં અને NEET પેપર લીક મુદ્દે શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ સાથે એકઠા થયા હતા. જો કે પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.

પ્રદર્શનકારીઓએ એમ. જે. લાઇબ્રેરી એલિસબ્રિજ નજીક વિરોધ પ્રદર્શન કરવા માટેની પોલીસ સમક્ષ મંજૂરી માટે અરજી કરી હતી. જો કે પિક અવર્સ દરમિયાન ત્યાં ખૂબ જ ટ્રાફિક થતો હોય તેમ જણાવી પોલીસે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. તેમ છતાં પ્રદર્શનકારીઓએ પોસ્ટરો અને નારાબાજી સાથે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે તાત્કાલિક પોલીસનો કાફલો પહોંચી ગયો હતો અને પ્રદર્શનકારીઓની અટકાયત કરી લીધી હતી.
એમ. જે. લાઇબ્રેરી નજીક થયેલા વિરોધ પ્રદર્શનમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જોડાયા હતા, એક પોલીસ વાન આખી ભરાઈ ગઈ હોવા છતાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ હાજર હતા, આથી પોલીસે અન્ય એક વાન બોલાવી હતી. જો કે બાદમાં પોલીસ અમુક પ્રદર્શનકારીઓની પાછળ દોડી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. આ દરમિયાન NSUIના કાર્યકરોએ પણ આકરો વિરોધ નોંધાવ્યો હતો. NSUIએ એક વીડિયો પોસ્ટ કરીને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જો કે પ્રદર્શનકારીઓની વધતી ભીડને જોતાં એલિસબ્રિજ ખાતે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારી દેવાયો છે.
આ છે ગુજરાત નો વિકાસ જે ધર્મેદ્ર પ્રધાન અને નરેન્દ્ર મોદી નું રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું તો આ પ્રમાણે ની હાલત કરવામાં આવી વિધાર્થીઓ અને વડીલો ઉપર. pic.twitter.com/VLx4qkFUeK
— NSUI Gujarat (@NSUIGujarat) July 20, 2026
ઉલ્લેખનીય છે કે સોનમ વાંગચુકને જંતર મંતર પર હોસ્પિટલમાં ખસેડયા બાદ CJP અને પ્રદર્શનકારીઓએ નવી દિલ્હીમાં આકરો વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ છેક સંસદ ભવન નજીક સુધી કુચ કરી ગયા હતા. જો કે બાદમાં પોલીસે અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. જો કે આ દરમિયાન સોનમ વાંગચુકે તેમના ઉપવાસ આંદોલનને યથાવત રાખવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ દિલ્હીના કનોટ પ્લેસમાં ભીડ હિંસક બની ગઈ અને વ્યાપક તોડફોડમાં જોડાઈ હોવાના અહેવાલ છે.