Sat Sep 05 2026

Logo

દેશની પહેલા બે મહિનાની નિકાસમાં આસિયન દેશો અને આફ્રિકાનો સિંહફાળો

2026-07-20 19:50:34
Author: Ramesh Gohil
દેશની પહેલા બે મહિનાની નિકાસમાં આસિયન દેશો અને આફ્રિકાનો સિંહફાળો

નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષનાં પહેલા બે મહિનાની નિકાસમાં આસિયન દેશો અને આફ્રિકાનો સિંહફાળો રહ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. 
નોંધનીય બાબત એ છે કે ગત એપ્રિલ અને મે મહિનામાં દેશની નિકાસ વર્ષાનુવર્ષ ધોરણે 16.09 ટકા વધીને 88.91 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જેમાં એસોસિયેશન ઑફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન (આસિયન દેશો) ખાતે નિકાસ ગત સાલના સમાનગાળાના 6.3 અબજ ડૉલર સામે 66.9 ટકા વધીને 10.5 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે આફ્રિકા ખાતેની નિકાસ ગત સાલના સમાનગાળાના 6.3 અબજ ડૉલર સામે 53.1 ટકા વધીને 9.6 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. તેમ જ આ બન્ને ખાતેની નિકાસમાં ગત સાલના સમાનગાળાની સરખામણીમાં કુલ 7.6 અબજ ડૉલરનો વધારો થયો છે. 

વધુમાં મંત્રાલયના જણાવ્યાનુસાર સમીક્ષા હેઠળના સમયગાળામાં એનએએફટીએ (અમેરિકા, કેનેડા અને મેક્સિકો) મુખ્ય નિકાસ મથક તરીકે જળવાઈ રહેતાં નિકાસ ગત સાલના સમાનગાળાના 18.8 અબજ ડૉલર સામે 2.6 ટકા વધીને 19.3 અબજ ડૉલરના સ્તરે જળવાઈ રહી હતી, જ્યારે યુરોપ ખાતેની નિકાસ ચાર ટકા વધીને 17 અબજ ડૉલર (16.4 અબજ ડૉલર)ના સ્તરે રહી હતી. 
જોકે, આ સમય દરમિયાન ઉત્તર પૂર્વ એશિયા ખાતેની નિકાસ પણ 30.7 ટકા ઉછળીને 8.3 અબજ ડૉલરના સ્તરે અને દક્ષિણ એશિયા ખાતેની નિકાસ પણ 40.2 ટકા વધીને 6.1 અબજ ડૉલરના સ્તરે રહી હતી.

તે જ પ્રમાણે લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો ખાતેની નિકાસ 12.5 ટકા વધીને ત્રણ અબજ ડૉલરના સ્તરે, ઓસેનિયા (ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ખાતેની નિકાસ 29 ટકા વધીને 2.1 અબજ ડૉલરની સપાટીએ અને સીઆઈએસ (કોમનવેલ્થ ઑફ ઈન્ડિપેન્ડન્સ સ્ટેટ જેમાં રશિયા, આર્મેનિયા, બેલારુસ અને કઝાકિસ્તાનનો સમાવેશ થાય છે.) ખાતેની નિકાસ 7.7 ટકા વધીને 1.1 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.વર્તમાન નાણાકીય વર્ષના પહેલા બે મહિનામાં અથવા તો ગત એપ્રિલ અને મે મહિનામાં દેશની ગૂડ્સ અને સર્વિસીસની નિકાસ ગત સાલના સમાનગાળાની તુલનામાં 14.66 ટકા વધીને 162.69 અબજ ડૉલર રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.