વણ વહેંચાયેલા માલના ક્લિયરન્સ માટે અમદાવાદ-પાટણના વેપારીઓ ભુજમાં: મકાઈના ભુટ્ટા અને લીલા નાળિયેર આ વખતે પણ બન્યા હોટ-ફેવરિટ
ભુજ: વાદળછાયા વાતાવરણ વચ્ચે સમગ્ર કચ્છમાં જન્માષ્ટમીના પર્વની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. કચ્છમાં આ તહેવારને સાતમ-આઠમના તહેવાર તરીકે ઓળખવામા આવે છે.
ભુજ, માંડવી અને અંજાર ખાતે બે દિવસના લોકમેળા પણ યોજાય છે. સૌથી મોટો ભાતીગળ મેળો ભુજના હમીરસર તળાવની ફરતે યોજાય છે અને આ વખતે યોજાયેલા લોકમેળાને અંદાજે ત્રણ લાખથી વધારે લોકોએ દિલથી માણ્યો હતો.
રાજ્યના મોટા શહેરોથી આવેલા વેપારીઓએ રમકડાં, હોઝિયરી,લેડીસ પર્સ,બગલ થેલા, ફલાવર પોટ,માટીની મૂર્તિઓ અને કાષ્ટ કામની ગૃહ સજાવટની ચીજવસ્તુઓના સ્ટોલ ગોઠવીને ભુજના સાતમ-આઠમના મેળામાં પોતપોતાના સ્ટોલ ઉભા કર્યા હતા અને જે મળ્યું તેના હિસાબે સ્ટોક ક્લિયરન્સ કરવામાં લાગ્યા હતા. આનો લાભ બાળકો અને ગૃહિણીઓને થવા પામ્યો છે કારણ કે,રમકડાં સહિતની ચીજ વસ્તુઓ ખુબ સસ્તામાં ટપોટપ વહેંચાઈ જવા પામી હતી.
બીજી તરફ, કોરોના કાળ તેમજ ડેન્ગ્યુ,મલેરિયા ટાઇફોઇડ જેવા રોગોથી શીખ મેળવી ચુકેલી જનતાએ હાથગાડીઓ પરથી વેંચાતા ખુલ્લા ખાદ્ય પદાર્થોથી અળગા રહેવાનું મુનાસીબ માનતાં ભેળ-પકોડી,રગળા-પેટીસ, પાણીપૂરી,બજારુ બરફવાળી શેરડી જેવી ખાદ્ય સામગ્રીઓનું વેંચાણ ઓછું થવા પામ્યું હતું અને તેને બદલે લીલાં નાળિયેર અને મકાઈ વહેંચતા હાથગાડી વાળાઓને બખ્ખા થઇ જવા પામ્યા હતા.
મકાઈ પર મારો
મકાઈનું ઉત્પાદન વધતાં તેમજ તામિલનાડુમાં થતી અમેરિકન મકાઈના શેકેલા ભુટ્ટા અને લીંબુ-મસાલા વાળા બાફેલા મકાઈના દાણાની પ્લેટ ભુજના મેળામાં હોટ-ફેવરિટ બનવા પામી હતી.
સામાન્ય રીતે સાતમ-આઠમના મેળા દરમ્યાન ભુજમાં પાંચથી આઠ સ્થળે મકાઈના ભુટ્ટા વેચતા દેવીપૂજક પરિવારો પર નભે છે પરંતુ તામિલનાડુથી આવી પડેલા અમેરિકન મકાઈના મોટા જથ્થાને લઈને આ વખતે મેળામાં ૨૦થી ૨૫ જેટલા મકાઈના ભુટ્ટા વેચતા ફેરિયાઓ નજરે પડ્યા હતા. આવા એક ફેરિયા શંકર નટના જણાવ્યા પ્રમાણે, છેલ્લા પચાસ વર્ષમાં તેણે આ વખત જેટલી મકાઈ વેચી નથી અને ખુબ સારી કમાણી કરી હોવાનું તેણે ઉમેર્યું હતું.
દરમ્યાન, ભુજના ઉપલીપાળ રોડ પર આવેલા પ્રાચીન દ્વારકાનાથના મંદિરે તેમજ દરબારગઢ ચોક પાસે આવેલા શિરોમણી રાય મંદિરે સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને શહેરના રાજાશાહી વખતના વિસ્તારોમાં બપોર બાદ મટકીફોડના કાર્યક્રમો યોજાયા હતા.
ઉત્સવ વૈદ્ય