Tue Jul 21 2026

Logo

બોગસ બર્થ સર્ટિફિકેટની કાર્યવાહીથી બર્થ સર્ટિફિકેટ મેળવવામાં વિલંબ: નગરસેવકોની ફરિયાદ

2026-07-21 09:02:00
Author: Sapna Desai
Article Image


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોગસ બર્થ સર્ટિફિકેટ રેકેટ પર કાર્યવાહીથી અસલી નામ સુધારણામાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે વિદેશના વિઝા માટે અરજી કરતા વિદ્યાર્થીઓ અને સુધારેલા દસ્તાવેજોની જરૂર હોય તેવા અન્ય નાગરિકોને અસર થઈ રહી હોવાની ફરિયાદ સોમવારે મુંબઈ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં નગરસેવકોએ કરી હતી. જોકે પાલિકા પ્રશાસને  સ્પષ્ટતા કરી હતી કે દુરુપયોગને રોકવા માટે નામ સુધારણાની સત્તા એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસર પાસે કેન્દ્રિત કરવામાં આવી છે અને તેમણે સેન્ટ્રલ રજિસ્ટ્રારને સાચા કેસોને ઝડપી બનાવવા માટે વોર્ડ-સ્તરની સત્તાઓ પુન:સ્થાપિત કરવા વિનંતી કરી છે.

ગેરકાયદેસર વિદેશી નાગરિકોને બોગસ બર્થ સર્ટિફિકેટ આપવામાં  આવી રહ્યા હોવાના આરોપો વચ્ચે ભાજપના નગરસેવકે સામાન્ય સભામાં  નોટિસ ઓફ મોશન રજૂ કરીનેે  તેમાં રહેલી ખામીઓ ઉજાગર કરવા અને વધુ દુરુપયોગ અટકાવવા માટે બર્થ રજિસ્ટ્રેશન અને સર્ટિફિકેટ આપવાની સિસ્ટમનું નિયમિત ઓડિટ કરવાની માગણી કરી હતી. 

આ દરમ્યાન બોગસ સર્ટિફિકેટને પગલે અમલમાં મૂકેલી કાર્યવાહીથી અનેક નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. વિદેશી પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ, વિઝા અરજદારો અને જન્મ પ્રમાણપત્રોમાં સુધારાની જરૂર હોય તેવા લોકોને મહિનાઓ સુધી વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. પક્ષના નેતાઓએ વોર્ડ-સ્તરીય સેવાઓ તાત્કાલિક પુન:સ્થાપિત કરવાની અને જન્મ પ્રમાણપત્ર સુધારાના વધતા જતા બેકલોગને દૂર કરવા માટે સમય-બાઉન્ડ મિકેનિઝમની માગણી કરી હતી. 

નગરસેવકોના દાવા મુજબ  નાગરિકો નાના જોડણી સુધારા માટે વોર્ડ ઑફિસની વારંવાર મુલાકાત લઈ રહ્યા છેે અને સ્ટાફ પર દબાણ વધી રહ્યું છે. અરજદારો છ મહિનાથી એક વર્ષથી વધુ સમયથી સર્ટિફિકેટની  રાહ જોઈ રહ્યા છે, જેમાં ઘણી વિઝા સમયમર્યાદા ચૂકી ગઈ છે. નગરસેવકોએ વિદેશી યુનિવર્સિટી પ્રવેશ માટે જરૂરી સર્ટિફિકેટ આપવા  માટે કામચલાઉ ઓનલાઈન મિકેનિઝમની પણ માગણી કરી હતી. સર્ટિફિકેટ આપવામાં થઈ રહેલા વિલંબને ઓછો કરવા માટે સર્ટિફિકેટને  આપવા માટે વોર્ડ-સ્તરીય મેડિકલ હેલ્થ ઓફિસરને સત્તાઓ પુન:સ્થાપિત કરવાની માગણી પણ સામાન્ય સભામાં કરવામાં આવી હતી.

પાલિકાના એડિશનલ કમિશનર વિપિન શર્માએ જણાવ્યું હતું કે પાલિકાને ૧૯,૭૦૦ બર્થ સર્ટિફિકેટમાં  સહાયક દસ્તાવેજોનો અભાવ હોવાનું જાણવા મળ્યું છે, જેની એસઆઈટી દ્વારા તપાસ ચાલી રહી છે.  કથિત અનિયમિતતાઓના સંદર્ભમાં પાલિકા કર્મચારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને એફઆઈઆર નોંધવામાં આવી છે.  બર્થ ઍન્ડ ડેથ રજિસ્ટ્રેશન સિસ્ટમને  ૨૦૧૬ માં સેપ (સોફટવેર)થી સિવિલ રજિસ્ટ્રેશન ઓન સિસ્ટમ (સીપીઆર) માં ખસેડવામાં આવી હતી, પરંતુ સંપાદન સુવિધાઓ જાન્યુઆરી ૨૦૨૪માં જ કાર્યરત થઈ હતી, ત્યારથી લગભગ ૯૦,૦૦૦ સુધારા વિનંતીઓ પર પ્રક્રિયા કરવામાં આવી છે.

એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસર સાથે સુધારણા મંજૂરીઓને કેન્દ્રીય બનાવવાના નિર્ણયનો બચાવ કરતા શર્માએ કહ્યું કે સિસ્ટમનો દુરુપયોગ અટકાવવા માટે આ પગલું જરૂરી હતું. જો કે, સાચા અરજદારોને થતા વિલંબને કારણે પાલિકાએ સીપીઆર પોર્ટલ પર વોર્ડ-સ્તરીય સંપાદન સત્તાઓને પુન:સ્થાપિત કરવા માટે પરવાનગી મેળવવા માટે સેન્ટ્રલ રજિસ્ટ્રારનો સંપર્ક કર્યો છે. પાલિકા પ્રશાસન  ચકાસણીને ઝડપી બનાવવા માટે ૧૯૬૦ ના દસ્તાવેજો સહિત જૂના જન્મ રેકોર્ડને સ્કેન કરવા માટે એક મોટી ડિજિટાઇઝેશન ઝુંબેશ પણ હાથ ધરી રહી છે.

 જોડણીની ભૂલો અને માતા-પિતાના નામ સંબંધિત સુધારા દસ્તાવેજ ચકાસણી પછી કરવામાં આવે છે અને સીઆરએસ પોર્ટલ પર ડિજિટલી રેકોર્ડ કરવામાં આવે છે.  કેસીઆરએસ તરફ સ્થળાંતર, સ્ટાફ તાલીમ અને નવી સેન્ટ્રલ રજિસ્ટ્રાર માર્ગદર્શિકાએ પ્રારંભિક વિલંબમાં ફાળો આપ્યો હતો, પરંતુ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.