Sat Sep 05 2026

Logo

ટૂંક સમયમાં આવશે પ્લાસ્ટિકની નોટો! RBIએ આપી મહત્વની અપડેટ, ચીન અને પાકિસ્તાનને લાગશે મરચાં..

2026-08-31 14:56:15
Author: Darshana Visaria
ટૂંક સમયમાં આવશે પ્લાસ્ટિકની નોટો! RBIએ આપી મહત્વની અપડેટ, ચીન અને પાકિસ્તાનને લાગશે મરચાં..

દેશમાં નકલી નોટોના નેટવર્ક અને સરહદ પારથી થતા આર્થિક ષડયંત્રો પર કડક પ્રહાર કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) હવે ભારતીય ચલણમાં પ્લાસ્ટિક (પોલિમર) નોટો લાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. શરૂઆતી તબક્કામાં રૂપિયા 10 અને રૂપિયા 20ના મૂલ્યની નાની કરન્સી નોટોને પોલિમર સબસ્ટ્રેટ શીટ પર છાપવાની તૈયારીઓ ચાલી રહી છે. આ બાબતે હવે મહત્ત્વની અપડેટ સામે આવી રહી છે. 

આ માટે આરબીઆઈની પેટાકંપની 'ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ' (BRBNMPL) દ્વારા ગ્લોબલ 'એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ' (EOI) બહાર પાડવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોપરી રાખીને ટેન્ડરમાં એવી અભેદ્ય શરતો જોડવામાં આવી છે, જેનાથી પાકિસ્તાન કે ચીન સાથે જોડાયેલી કોઈપણ કંપની કે વેન્ડરની ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ એન્ટ્રી સંપૂર્ણપણે અશક્ય બની ગઈ છે.

ચીન-પાકિસ્તાન પર ફાયરવોલ અને પ્રાણીઓની ચરબી પર પ્રતિબંધ:

સુરક્ષા પ્રોટોકોલ: બોલી લગાવનારી કંપનીઓએ અંડરટેકિંગ આપવું પડશે કે તેઓ ભારતમાં પોતાના ઓપરેશન્સને ચીન અને પાકિસ્તાનમાં સ્થિત પોતાના યુનિટ્સથી સંપૂર્ણ અલગ રાખશે.

નો-એનિમલ ટેલો: ભૂતકાળમાં વિદેશી પોલિમર નોટોમાં પ્રાણીઓની ચરબી હોવાને લઈને વિવાદ થયા હતા. આથી આરબીઆઈએ સ્પષ્ટ શરત રાખી છે કે સબસ્ટ્રેટ શીટમાં કોઈપણ પ્રકારના પ્રાણીઓની ચરબી કે ડીએનએ હોવું જોઈએ નહીં.

ગોપનીયતા અને ઈમાનદારી કરાર: કંપનીઓએ ઈન્ટિગ્રિટી પેક્ટ, કોન્ફિડેન્શિયાલિટી કોન્ટ્રાક્ટ અને નો-એજન્ટ પેક્ટ પર સહી કરવી ફરજિયાત છે.

68 હજાર રીમ પોલિમર શીટ્સની તાત્કાલિક જરૂરિયાત:

BRBNMPL દ્વારા ભારતીય નોટોના પ્રિન્ટિંગ માટે આશરે 68,000 રીમ પોલિમર સબસ્ટ્રેટ ની માંગ કરવામાં આવી છે (પ્રત્યેક રીમમાં 500 શીટ્સ). સપ્લાય કરવામાં આવનારા સેમ્પલ્સનું ભારતના અલગ-અલગ ક્લાઈમેટ ઝોન (ભારે ગરમી, ભેજ અને વરસાદ)માં ટેસ્ટિંગ કરવામાં આવશે. ટેસ્ટિંગમાં પાસ થનારી કંપનીઓ જ ફાઈનલ ટેન્ડર માટે ક્વોલિફાય થશે.

કઈ દેશી-વિદેશી કંપનીઓએ લગાવી બોલી?

ભારતની અગ્રણી કંપની 'કોસ્મો ફર્સ્ટ' એ બ્રિટનની વિશ્વવિખ્યાત કરન્સી કંપની 'ડી લા રૂ' સાથે ટેકનિકલ પાર્ટનર તરીકે ભાગીદારી કરીને બોલી લગાવી છે. હાલ વિશ્વની 40 સેન્ટ્રલ બેંકોને પોલિમર સોલ્યુશન્સ આપતી ઓસ્ટ્રેલિયન કંપની પણ રેસમાં છે. કંપનીનો દાવો છે કે પોલિમર નોટો સામાન્ય કોટન નોટો કરતાં 6 ગણી વધુ ટકાઉ હોય છે. વિયેતનામની સ્થાનિક કંપનીએ પણ બિડ સબમિટ કરી છે, જેનો દાવો છે કે પ્લાસ્ટિક નોટોથી નોટોના લાઈફસાઈકલ ખર્ચમાં 78 ટકાની બચત થાય છે.