દુબઈ: અમેરિકાએ આજે વહેલી સવારે ઈરાનમાં હવાઈ હુમલાઓ કર્યા હતા. અમેરિકાએ ઈરાનના જમીન નીચે આવેલા મિસાઈલ બેઝને નિશાન બનાવીને હુમલાઓ કર્યા હતા. જેના જવાબમાં ઈરાને બહેરીન અને કુવૈતમાં હુમલાઓ કર્યા હતા.
નોંધનીય છે કે ઈરાનના હુમલામાં વધુ એક અમેરિકન સૈનિકનું મોત થઈ ગયું હતું. યુદ્ધને સમાપ્ત કરવા માટે ગયા મહિને કરવામાં આવેલી વચગાળાની ડીલ તૂટી ગઈ હતી. હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર બંધ થઈ ગઈ છે. બંને પક્ષોએ નાગરિક માળખાને નિશાન બનાવ્યા હતા.
અમેરિકાની સેનાએ કહ્યું હતું કે શનિવારે ઇરાકમાં એક ઈરાની ડ્રોનને તોડી પાડ્યા બાદ તેને "નિયંત્રિત રીતે નષ્ટ" કરવાની પ્રક્રિયા દરમિયાન તે સૈનિકનું મોત થયું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે "અમે આજે રાત્રે ફરીથી તેના પર ભયાનક હુમલો કર્યો છે અને અમે આવું માર્યા ગયેલા સૈનિકોના સન્માનમાં કર્યું છે.
અમેરિકન સેનાના સેન્ટ્રલ કમાન્ડે સોમવારે નવા હુમલાઓની જાહેરાત કરી હતી. સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેણે "ઈરાની લશ્કરી કમાન્ડ સેન્ટરો, એર ડિફેન્સ સિસ્ટમ અને દરિયાકાંઠાની સર્વિલન્સ સાઈટ્સ, મિસાઈલ અને ડ્રોન લોન્ચ સાઈટો અને કોમ્યુનિકેશન નેટવર્ક"ને નિશાન બનાવ્યા છે.
ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ઈરનાએ રિપોર્ટમાં કહ્યું હતું કે રાજધાની તેહરાનથી લગભગ 520 કિલોમીટર (325 માઇલ) દૂર ઉત્તરપશ્ચિમ શહેર તાબ્રિઝની આસપાસ અમેરિકન હુમલાઓમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે. ખુઝેસ્તાન પ્રાંતમાં બંદર ઇમામ ખોમેની, હોર્મોઝગન પ્રાંતમાં સિરિક અને જસ્ક અને સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં કોનારક અને ચાહબહાર પર પણ અસર થઈ છે.