ભુજઃ કચ્છમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટુકડીએ 18 જેટલી હોટેલ અને રેસ્ટોરન્ટમાં સઘન ચકાસણી હાથ ધરી વાસી ગ્રેવી, અયોગ્ય પનીર અને બટરના નામે વપરાતા ફેટ સ્પ્રેડ સહિતના અખાદ્ય પદાર્થોના જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ઉપરાંત, શિડ્યુલ-૪ના નિયમોનો ભંગ કરનાર 9 પેઢીઓને સુધારણા નોટિસ ફટકારવામાં આવી છે.
વિગતે વાત કરવામાં આવે તો, જિલ્લા ફૂડ સેફ્ટી ઓફિસર્સ એસ.બી. પટેલ, એમ. એમ. પટેલ અને વી. એમ. બરંડાની સંયુક્ત ટુકડીએ રસોડાની સ્વચ્છતા, કર્મચારીઓનું હાઈજીન, એફએસએસએઆઈ લાઈસન્સ અને ડિસ્પ્લે બોર્ડ સહિતની સઘન ચકાસણી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણ જણાતાં તંત્રે બટરના નામે વેચાતું 30 કિલો ફેટ સ્પ્રેડ, 8 કિલો વાસી પનીર, સિન્થેટિક કલરવાળી 40 કિલો વાસી-સડેલી ગ્રેવી, 500 ગ્રામ કૃત્રિમ કલર, 6 ડઝન બિનછાપેલા પાંઉ અને સંભવત એક્સપાયરી ડેટ વાળા અનલેબલ્ડ બ્રેડના પેકેટો જપ્ત કરી સ્થળ પર જ નાશ કર્યો હતો. અધિકારીઓએ તમામ વેપારીઓને ગુણવત્તાસભર કાચો માલ વાપરવા અને સ્વચ્છતા જાળવવા આકરા આદેશો આપ્યા છે.