સુરતઃ સુરત મેડિકલ રેગિંગ-આપઘાત કેસમાં ક્લાસ-1 મુસ્લિમ મહિલા પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરાયા હતા. તેમના પર ધર્માંતરણ કરાવવાના આક્ષેપ છે. સુરતની નવી સિવિલ મેડિકલ કોલેજના ચકચારી રેગિંગ અને ડૉ. હર્ષ આપઘાત કેસમાં સસ્પેન્ડ કરેલા માઈક્રોબાયોલોજી એચઓડી ડૉ. સુમૈયા મુલ્લા પર બે પૂર્વ મહિલા મેડિકલ સ્ટુડન્ટ્સે ગંભીર આરોપ લગાવ્યા હતા.
પૂર્વ સ્ટુડન્ટ્સે કરેલા આરોપ મુજબ ડૉ. સુમૈયા મુલ્લા કહેવાતું ધર્મ પરિવર્તન કરાવવા બ્રેઈનવોશ કરતા હતા. યુટ્યુબ પર મૌલાનાના વીડિયો સંભળાવતા હતા. તેમજ કલમા અને નમાજ પઢાવતા હતા. તેમજ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા સલાહ આપતા હોવાનો પણ ડૉ.સમૈયા મુલ્લા સામે આરોપ લગાવ્યો હતો. રેગિંગની ઘટનામાં સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કર્યા બાદ આ આરોપવાળી ઘટના સામે આવતા મેડિકલ આલમમાં પણ અનેકની ચર્ચાએ જોર પકડયું છે. અલબત આક્ષેપ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
સુરત મેડિકલ રેગિંગ-આપઘાત કેસમાં ગુરુવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માઇક્રોબાયોલોજી વિભાગના વર્ગ-૧ ના પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લાને તત્કાલ અસરથી 90 દિવસ માટે સેવામાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુજરાતની કોઈપણ શૈક્ષણિક કે તબીબી સંસ્થામાં રેગિંગ અથવા માનસિક ઉત્પીડન સાંખી લેવામાં આવશે નહીં. રેગિંગ સામે રાજ્ય સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ રહી છે અને આગામી સમયમાં પણ રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે રમત કરનાર કે પોતાની ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવનાર વ્યક્તિ ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર હશે, તેમની સામે કડકમાં કડક કાયદાકીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં રાજ્ય સરકાર સહેજ પણ બાંધછોડ કરશે નહીં.
આ ઉપરાંત પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ફરજમોકૂફી (સસ્પેન્શન)ના સમયગાળા દરમિયાન ડૉ. સુમૈયા મુલ્લાનું મુખ્ય મથક સરકારી મેડિકલ કોલેજ, વડોદરા રહેશે. આ સમય દરમિયાન સક્ષમ નિયંત્રક અધિકારીની લેખિત મંજૂરી વિના તેઓ વડોદરા સ્થિત મુખ્ય મથક છોડી શકશે નહીં. તદુપરાંત, ફરજમોકૂફી હેઠળ હોય ત્યાં સુધી તેઓ કોઈપણ પ્રકારની ખાનગી નોકરી કે વ્યાપાર-ધંધો કરી શકશે નહીં. જો આ શરતોનો અનાદર કે ભંગ કરવામાં આવશે, તો તેમને મળવાપાત્ર નિર્વાહ ભથ્થું અટકાવી દેવાશે અને તેમની સામે વધારાની કડક શિસ્તવિષયક કાર્યવાહી હાથ ધરાશે.
શું હતો સમગ્ર કેસ
નિયર ડૉક્ટરોના સતત રેગિંગ અને ત્રાસથી કંટાળીને ડૉક્ટર હર્ષે ગત 9 ઓગસ્ટે જીવન ટૂંકાવ્યું હતું. આપઘાતના બે દિવસ પહેલાં એટલે કે 7 ઓગસ્ટે હર્ષ સહિતના રેસિડેન્ટ ડોક્ટરો HOD ડૉ. સુમૈયા મુલ્લાને રજૂઆત કરવા ગયા હતા, પરંતુ તેઓ મળ્યા નહોતા. જેથી રેસિડેન્ટ્સ ફેકલ્ટી ડૉ. સંગીતા રાજદેવ સમક્ષ રજૂઆત કરી હતી. જોકે, આટલા સંવેદનશીલ મુદ્દે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં હતાશ થઈને હર્ષે આપઘાત કરી લીધો હતો.