અમરેલીઃ ભાવનગર લઠ્ઠકાંડ હજી તાજો જ છે ત્યાં સૌરાષ્ટ્રના એક શહેરનો ASI દારૂનો ધંધો ફરી શરૂ કરવા રૂ. 5 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો હતો. દેશી દારૂના ધંધાર્થીએ ફરીથી દારૂનો ધંધો કરવાનું દબાણ કરી લાંચ માંગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો.
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ASI શ્યામભાઈ અનંતરાય બગડા ACBના છટકામાં ₹5,000ની લાંચ લેતા ઝડપાયા હતા. ACBના જણાવ્યા મુજબ, ફરિયાદી અગાઉ દેશી દારૂનો ધંધો કરતા હતા, પરંતુ હાલ ધંધો બંધ કરી દીધો હતો. આ સ્થિતિમાં ASIએ કથિત રીતે ફરી દારૂનો ધંધો શરૂ કરવા દબાણ કર્યું અને અન્યથા ખોટા કેસ કરવાની ધમકી આપી હતી.
દારૂનો ધંધો ફરી શરૂ કરવાની અવેજીમાં ₹10,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. રકઝક બાદ ₹5,000માં મામલો નક્કી થયો હતો. લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી ફરિયાદીએ ACBના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBએ છટકાનું આયોજન કર્યું હતું.
20 ઓગસ્ટે અમરેલીના સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામની સીમમાં લાંચની ₹5,000ની રકમ સ્વીકારતા ASI શ્યામભાઈ બગડાને ACBએ ઝડપી પાડ્યા હતા. આ મામલે ASI સામે હોદ્દાનો દુરુપયોગ કરી લાંચની માંગણી અને સ્વીકારવાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કેસે ફરી એક વખત સવાલ ઊભો કર્યો છે કે, દારૂબંધીના કાયદાનો અમલ કરાવવાની જવાબદારી ધરાવતા જ પોલીસકર્મી પર જો દારૂનો ધંધો શરૂ કરાવવા દબાણ અને લાંચની માંગણીનો આક્ષેપ થાય તો તેની સામે માત્ર કાર્યવાહી પૂરતી છે કે જવાબદારી પણ નક્કી થશે?