Sun Aug 23 2026

Logo

શું UGCના ઇક્વિટી ધોરણો બદલાશે? સુપ્રીમ કોર્ટના સ્ટે બાદ વિવાદિત જોગવાઈઓ અંગે કેન્દ્ર ફરી સમીક્ષા કરશે

2026-08-21 11:36:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિગત ભેદભાવ અટકાવવાના હેતુથી લાવવામાં આવેલા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના ઈક્વિટી નિયમો પર ભારત સરકાર ફરી એકવાર વિચારણા કરી રહી છે. સુપ્રિમ કોર્ટમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે વિવાદિત જોગવાઈઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. ભલે સમીક્ષા બાદ કેવા ફેરફારો થશે તે અંગેનું ચિત્ર હજુ સ્પષ્ટ નથી, પરંતુ આ પગલું ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ મોડ સાબિત થઈ શકે છે.  

સુપ્રિમ કોર્ટનો સ્ટે અને વિવાદનું કારણ

આ વર્ષની શરૂઆતમાં યુજીસી દ્વારા 'Promotion of Equity in Higher Education Institutions Regulations' નોટિફાય કરવામાં આવ્યા હતા. આ નિયમોમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC) સામે થતા ભેદભાવને રોકવા માટે કડક જોગવાઈઓ સામેલ હતી. જોકે, મોનિટરિંગ કમિટીના માળખા અને કેટલાક કાયદાકીય શબ્દોને લઈને એક મોટા વર્ગમાં અસંતોષ ઊભો થયો હતો. આ મામલો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચતા સુપ્રિમ કોર્ટે અવલોકન કર્યું હતું કે નિયમોમાં અસ્પષ્ટતા હોવાથી તેનો દુરુપયોગ થવાની શક્યતા છે. આથી અદાલતે તેના અમલ પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી હતી.

શૈક્ષણિક પરિસરોમાં સંવેદનશીલતાની જરૂરિયાત

આપણા દેશમાં જાતિગત દૂષણ એક કડવી વાસ્તવિકતા છે. તાજેતરમાં જ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉત્તરાખંડના હલ્દવાનીની ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તેમની સભા બાદ મેદાનનું શુદ્ધિકરણ કરવા હવન કરવામાં આવ્યો હતો. આવી ઘટનાઓ દર્શાવે છે કે સામાજિક માનસિકતા બદલવા કડક પગલાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ સંવેદનશીલતા દાખવવી ખૂબ જરૂરી છે.  

તમામ વર્ગોના અધિકારોનું રક્ષણ અનિવાર્ય

જાતિગત ભેદભાવ સામે લડવા મજબૂત કાયદાકીય કવચ હોવું જરૂરી છે, પરંતુ તેની સાથે એ સુનિશ્ચિત કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે કે તેનાથી અન્ય કોઈ વર્ગમાં અસુરક્ષાની ભાવના ન અનુભવે! સમાનતાનો અધિકાર દરેક નાગરિક માટે સાર્વત્રિક છે.  શૈક્ષણિક કેમ્પસને ખરેખર સમાવેશી બનાવવા માટે તમામ હિતધારકોના સૂચનો સાંભળવા જરૂરી છે. હવે કેન્દ્ર સરકાર પાસે એ તક છે કે તેઓ તમામ ક્ષતિઓને દૂર કરીને વધુ પારદર્શક, સ્પષ્ટ અને સર્વગ્રાહી નિયમો તૈયાર કરે તે અતિઆવશ્યક છે.

મહત્વની વાત એ છે કે, માત્ર નિયમો ઘડી દેવાથી સમસ્યા ઉકેલાતી નથી, તેનો યોગ્ય અને નિષ્પક્ષ અમલ જ વાસ્તવિક પરિવર્તન લાવી શકે છે. ફરિયાદોની બિનપક્ષપાતી તપાસ, ચોક્કસ સમયમર્યાદામાં કાર્યવાહી અને પીડિતો માટે રક્ષણ જેવા મુદ્દાઓ પર ગંભીરતાથી કામ કરવું પડશે. યુજીસીના નિયમો પર ચાલતી આ પુનઃવિચારણાને પીછેહઠ માનવાને બદલે શૈક્ષણિક સંસ્થાઓના સુધારા તરફનું એક આશાસ્પદ પગલું ગણવું જોઈએ.