Mon Sep 14 2026

Logo

‘એકમાત્ર પાકિસ્તાન જ ક્રિકેટ મૅચમાં ફૂટબૉલ રમી શકે'... જુઓ મીડિયામાં ફીલ્ડરની કેવી હાંસી ઉડી રહી છે

Leeds   2026-08-21 12:35:00
Author: Ajay Motiwala
‘એકમાત્ર પાકિસ્તાન જ ક્રિકેટ મૅચમાં ફૂટબૉલ રમી શકે'... જુઓ મીડિયામાં ફીલ્ડરની કેવી હાંસી ઉડી રહી છે

લીડ્સ: સામાન્ય રીતે ક્રિકેટ મૅચ દરમ્યાન કોઈપણ ફીલ્ડર પગથી બૉલ નથી અટકાવતો, કારણકે એક રીતે એ ફીલ્ડિંગના પાયાભૂત નિયમની વિરુદ્ધમાં કહેવાય તેમ જ તે ફીલ્ડરને આવું કરવાથી પગમાં ઈજા પણ થઈ શકે, પરંતુ હેડિંગ્લીમાં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મૅચ દરમ્યાન ગુરુવારે પાકિસ્તાનના એક ફીલ્ડર (Fielder)એ જે કર્યું એને લીધે તે સોશિયલ મીડિયામાં હાંસીનું પાત્ર બની ગયો છે.

પાકિસ્તાનની ફીલ્ડિંગ ઘણા દિવસથી ખરાબ છે જ અને એવામાં આ ઘટનાને લીધે ટીમ ફરી એક વાર ટીકાકારોનું નિશાન બની છે અને નેટિઝન્સ આ ટીમ વિશે રમૂજી ટિપ્પણી કરવા લાગ્યા છે.

બન્યું એવું કે ઇંગ્લૅન્ડના એક બૅટ્સમૅને શૉટ માર્યો ત્યારે બાઉન્ડરી લાઈનની નજીક ઊભેલા ફીલ્ડરે તેજ ગતિથી આવી રહેલા બૉલને પગથી અટકાવવાની કોશિશ કરી હતી. તે બૉલને બે વખત પગથી રોકી નહોતો શક્યો અને તે જાણે ક્રિકેટના મેદાન પર ફૂટબૉલ (Football)ને કિક મારી રહ્યો હોય એવી તેની ઍક્શન જોવા મળી હતી. છેવટે બૉલ બાઉન્ડરી લાઈનને અડી ગયો હતો. આ ફીલ્ડરની હરકત બદલ આખી પાકિસ્તાની ટીમ મીડિયામાં શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે.
 

પાકિસ્તાન વિશે કઈ રમૂજી ટિપ્પણીઓ થઈ?

સોશ્યલ મીડિયામાં કેટલાક ક્રિકેટપ્રેમીઓએ પાકિસ્તાનની હાંસી ઉડાવવાની તક ઝડપી લીધી. પાકિસ્તાનના આ ખેલાડી વિશે આ મુજબની રમૂજી કમેન્ટ થઈ રહી છે : (1) પાકિસ્તાન એકમાત્ર એવી ટીમ છે જે ક્રિકેટ મૅચ દરમ્યાન ફૂટબૉલ પણ રમી શકે. (2) આ ફીલ્ડર કદાચ મૂંઝાઈ ગયો હશે કે ક્રિકેટ મૅચ ચાલી રહી છે કે ફૂટબૉલ મૅચ? (3) પાકિસ્તાનની ટીમે ફીલ્ડિંગની નવી ટેક્નિક શોધી કાઢી છે. (4) એવું લાગે છે કે પાકિસ્તાનની ટીમ ક્રિકેટ ટેસ્ટ મૅચને બદલે ફૂટબૉલ રમવાની પ્રેક્ટિસ કરીને ઇંગ્લૅન્ડમાં આવી છે. (5) વાહ! ફૂટબૉલની મૅચમાં ખેલાડી આવી જ રીતે ટેકલ કરતો હોય છે, પરંતુ આ ક્રિકેટર બૉલને રોકી પણ ન શક્યો અને ઇંગ્લૅન્ડના બૅટ્સમૅનને ચોગ્ગો મળી ગયો.

ટેસ્ટ મૅચમાં પાકિસ્તાન મુશ્કેલીમાં

સિરીઝની પહેલી ટેસ્ટ મૅચમાં પાકિસ્તાનની ટીમ ઑલી રૉબિન્શન અને જૉશ ટંગની પાંચ-પાંચ વિકેટને કારણે 171 રન બનાવી શકી હતી. ગુરુવારે જવાબમાં ઇંગ્લૅન્ડે પહેલા દાવમાં આઠ વિકેટે 366 રન બનાવ્યા હતા. કેપ્ટન જો રૂટે 66 રન બનાવ્યા હતા, જ્યારે ભૂતપૂર્વ સુકાની હૅરી બ્રુક 91 રન પર વિકેટ ગુમાવી બેઠો હતો. પાકિસ્તાની સ્પિનર અલી ઉસમાને પાંચ વિકેટ લીધી હતી.