Thu Oct 08 2026

Logo

હરમનપ્રીત કૌર પાસે બીસીસીઆઇએ આ ઑફર મૂકી હતી, પણ તેણે નકારી!

2026-10-06 19:08:38
Author: Ajay Motiwala
હરમનપ્રીત કૌર પાસે બીસીસીઆઇએ આ ઑફર મૂકી હતી, પણ તેણે નકારી!

Pic AP


ગુવાહાટીઃ ભારતની મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન્સી મંગળવારે છોડી દેનાર હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) વિશે કેટલીક રસપ્રદ અને નવાઈ પમાડનારી વાતો બહાર આવી રહી છે જેમાંની એક વાત એ છે કે હરમનપ્રીતના નેતૃત્વમાં ભારતની મહિલા ટી-20 ટીમે તાજેતરમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો ત્યાર બાદ બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) દ્વારા હરમનપ્રીતને ટીમની આંશિક કૅપ્ટન્સી જાળવી રાખવાની ઑફર કરી હતી, પરંતુ તેણે ના પાડી દીધી હતી.

લખનઊમાં બીસીસીઆઇ દ્વારા મહિલા ક્રિકેટરોને લગતી રિવ્યૂ મીટિંગ રાખવામાં આવી હતી જેમાં બોર્ડના સેક્રેટરી દેવજિત સૈકિયા, હરમનપ્રીત કૌર, વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના અને હેડ-કોચ અમોલ મુઝુમદારે હાજરી આપી હતી. કહેવાય છે કે બીસીસીઆઇએ હરમનપ્રીતને ઑફર કરી હતી કે તેણે ટી-20 ટીમની કૅપ્ટન્સી ભલે છોડી દે, પણ વન-ડે ટીમની કૅપ્ટન્સી ચાલુ રાખવી જોઈએ.

જોકે 37 વર્ષીય હરમનપ્રીતે એમાં કોઈ રસ નહોતો બતાવ્યો. મહિલાઓની ટેસ્ટ વર્ષ દરમ્યાન ખૂબ ઓછી રમાય છે. હરમનપ્રીતને કૅપ્ટનપદેથી દૂર કરી નાખવી જોઈએ એવી કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓએ તેમ જ સોશ્યલ મીડિયામાં માગણી થઈ હતી. સ્મૃતિ મંધાના ઘણા સમયથી હરમનપ્રીતની ડેપ્યૂટી રહી છે. 

હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં નવેમ્બર, 2025માં નવી મુંબઈમાં ભારતે વન-ડેના વર્લ્ડ કપની ટ્રોફી મેળવી હતી અને તાજેતરમાં એશિયન ગેમ્સનું ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.