Tue Jul 21 2026

Logo

ભારતમાં આઠથી નવ ટકા વૃદ્ધિની ક્ષમતા, ન્યાયિક-અમલદારલક્ષી સુધારા જરૂરીઃ ભૂતપૂર્વ આર્થિક સલાહકાર

2026-07-20 19:51:10
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

નવી દિલ્હીઃ
માળખાકીય સુધારા થકી વેપાર-ઉદ્યોગ કરવા માટેના ખર્ચમાં ઘટાડો કરવા ઉપરાંત ધિરાણ ખર્ચમાં ઘટાડો કરવામાં આવે તો ભારત આઠથી દસ ટકાનો વૃદ્ધિદર હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે, એમ ભૂતપૂર્વ આર્થિક સલાહકાર ક્રિષ્ણમૂર્તિ વી સુબ્રમણ્યિને આજે  જણાવ્યું હતું. 

તેમણે ખાસ કરીને જમીન, શ્રમ અને મૂડીગત્‌‍ જેવાં બજારલક્ષી સુધારા હાથ ધરવા માટે હાકલ કરતાં જણાવ્યું હતું કે મેક્રોઈકોનોમિક સ્થિરતા ભારતને સાત ટકાના વૃદ્ધિદર સુધી પહોંચાડી શકે છે અને સંસ્થાકીય સુધારા નવ ટકા સુધી વૃદ્ધિ આપી શકે છે. જ્યારે જીડીપીમાં ખાનગી રોકાણનો હિસ્સો 30 ટકા કરતાં વધુ હતો ત્યારે ભારતે આઠ ટકા કરતાં વધુ વૃદ્ધિ હાંસલ કરી હતી, પરંતુ હાલ આ ટકાવારી 22થી 23 ટકા આસપાસ છે જે લક્ષ્યાંક કરતાં સાતથી આઠ ટકા હિસ્સો ઓછો હોવાનું તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું.  

આમ ખાનગી રોકાણમાં હિસ્સો વધ્યા બાદ સાતથી નવ ટકાના વિકાસદરથી છલાંગ લગાવીશું, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષના જાહેર મૂડીગત્‌‍ ખર્ચે ખાનગી રોકાણને અનુસરવા માટેનું માળખું તૈયાર કર્યું છે અને બહુવિધ દાયકાના નીચલા સ્તરની નજીક પહોંચેલી બિનઉપજાઉ અસ્ક્યામતોને ટેકે બૅન્કો ટેકો આપવા પણ સજ્જ છે. 

નોંધનીય બાબત એ છે કે તેમણે વર્ષ 2018થી 2021 દરમિયાન 17માં ચીફ ઈકોનોમિક એડવાઈઝર તરીકે સેવા આપી હતી અને ત્યાર બાદ તેઓ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે રહ્યા હતા.

આપણને સાતથી નવ ટકાના વિકાસદર સુધી દોરી જનાર મુખ્ય બાબતોમાં બજાર પરિબળ ઉપરાંત ન્યાયિક અને અમલદારલક્ષી સુધારાઓ છે જે વ્યવસાય કરવાનો અને ધિરાણનો ખર્ચ ઘટાડે છે. એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે આ મહિનાના અગાઉમાં એશિયન ડેવલોપમેન્ટ બૅન્કે ખાસ કરીને પશ્ચિમ એશિયાની કટોકટીને અનુલક્ષીને ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હોવાથી ભારતના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ જે અગાઉ 6.9 ટકાનો મૂક્યો હતો તે ઘટાડીને 6.6 ટકા કર્યો હતો. 

વધુમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે તેમણે ઓપન સોર્સ ફ્રન્ટિયર મૉડૅલ્સને એક વ્યૂહાત્મક વળાંક તરીકે લેખાવતા ઉમેર્યું હતું કે કિમી એઆઈનું આગમન જે હવે અગ્રણી માલિકીના મૉડૅલો સાથે સુમેળ ખાય છે તે એક વિશાળ તક છે જેને ભારતે ઓછી ન આંકવી જોઈએ. ભારતને આગામી ચેટજીપીટી બનાવવાની જરૂર નથી, ભારતે હૅલ્થકૅર, શિક્ષણ, ઉત્પાદન, એમએસએમઈ અને સૌથી અગત્યના જાહેર વહીવટ અને નિયમનમાં એઆઈના વિશ્વના સૌથી અસરકારક ડિપ્લોયર બનવું જોઈએ. ઝડપી અને સઘન ડિપ્લોયમેન્ટ ઉત્પાદકતા વૃદ્ધિ નક્કી કરશે અને ભારત માટે જીતવાની રેસ હોવાનું તેમણે ઉમેર્યું હતું.