Tue Jul 21 2026

Logo

આરોગ્ય એક્સપ્રેસઃ વિટામિન Aની ઊણપથી બચવું કેમ જરૂરી છે?

2026-07-21 09:25:00
Author: Rajesh Yagnik
Article Image

રાજેશ યાજ્ઞિક

આજના સમયમાં લોકો અનેક પ્રકારના વિટામિનની ઊણપથી પીડાતા હોય છે. આપણે આ પહેલા વાત કરી કે પ્રત્યેક વિટામિનનું એક વિશેષ કાર્ય આપણા શરીર માટે હોય છે. જે તે વિટામિનની ઊણપ શરીર માટે, આપણા આરોગ્ય માટે કેટલીક મુશ્કેલીઓ સર્જે છે. આજે આપણે વાત કરીએ વિટામિન A વિશે....

વિટામિન A આપણા શરીરની ઘણી પ્રણાલીઓમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્વસ્થ દૃષ્ટિ, ચયાપચય અને કોષોના વિકાસ માટે વિટામિન A આવશ્યક છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ અને પ્રજનન તંત્રને સ્વસ્થ રાખવામાં પણ મહત્ત્વનું યોગદાન આપે છે. શરીર જાતે વિટામિન A બનાવી શકતું નથી, તેથી આપણે તેને ખોરાક દ્વારા મેળવવું પડે છે.

વિટામિન A આપણી દૃષ્ટિ માટે અત્યંત આવશ્યક છે. આપણી આંખોના રેટિના (નેત્રપટલ) યોગ્ય રીતે કાર્ય કરે તે માટે ચોક્કસ પ્રકારના રંજકદ્રવ્યો (pigments) બનવા જરૂરી છે. વિટામિન અની ઊણપને કારણે આંખોમાં આ રંજકદ્રવ્યો બનાવવાની ક્ષમતા અવરોધાય છે, જેના પરિણામે ‘રતાંધળાપણું’(night blindness) થઈ શકે છે. 

બીજા શબ્દોમાં કહીએ તો, રાત્રે જોઈ શકવા માટે આપણને વિટામિન Aની જરૂર હોય છે. આપણી આંખોના કોર્નિયા (પારદર્શક પટલ) ને યોગ્ય રીતે ભીના અને મુલાયમ રાખવા માટે જરૂરી ભેજ ઉત્પન્ન કરવા પણ વિટામિન Aની જરૂર પડે છે. જો કોર્નિયા વધુ પડતા સૂકા થઈ જાય, તો તે ક્ષતિગ્રસ્ત થઈ શકે છે, જેનાથી અંધાપો આવી શકે છે.

વિટામિન A આપણી ત્વચા તેમ જ ફેફસાં, આંતરડાં અને મૂત્રમાર્ગના અંદરના આવરણને પણ ઉત્તમ સ્થિતિમાં જાળવી રાખે છે. આ ઉપરાંત, તે ચેપ સામે રક્ષણ મેળવવામાં આપણી રોગપ્રતિકારકશક્તિને મદદ કરે છે.                                               

ઊણપથી કઈ ગૂંચવણો થઈ શકે છે?

જ્યારે શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે જરૂરી માત્રામાં વિટામિન A મળતું ન હોય, ત્યારે ઘણી ગૂંચવણો થઈ શકે છે. વિટામિન A આંખોના ઘણા કાર્યોમાં મુખ્ય પરિબળ છે. તેની ઊણપથી દૃષ્ટિ જઈ શકે છે. ત્વચા શુષ્ક, ભીંગડા વાળી અને/અથવા ખંજવાળવાળી થઈ શકે છે. વિટામિન A પ્રજનન પ્રણાલીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેની કમીથી ગર્ભધારણમાં મુશ્કેલી અને વંધ્યત્વ આવી શકે છે.

બાળકોમાં વિટામિન Aની ઊણપ વિકાસમાં વિલંબનું કારણ બની શકે છે. તેની ઊણપ રોગપ્રતિકારકશક્તિમાં સમસ્યાઓ ઊભી કરે છે. આનાથી તમારી છાતી અને ગળામાં ચેપ લાગી શકે છે.

ઊણપ શાના કારણે ?

ખોરાકમાં પૂરતું વિટામિન A ન મળવું એ તેની ઊણપનું મુખ્ય કારણ જોવા મળે છે. લીવરની સમસ્યાઓ પણ વિટામિન Aની ઊણપમાં ફાળો આપે છે. લીવરનું કેન્સર કે ઈજા તમારા શરીરમાં વિટામિન Aના સ્તરને સીધી અસર કરે છે, કારણ કે તમારું યકૃત શરીરના મોટાભાગના વિટામિન Aનો સંગ્રહ કરે છે. ચરબીનું શોષણ કરવાની શરીરની ક્ષમતાને ક્ષતિગ્રસ્ત કરતા રોગો કે સ્થિતિઓ પણ વિટામિન અની ઊણપનું કારણ બની શકે છે. ઝીંક અને આયર્નની ઊણપ પણ વિટામિન Aની કમી ઊભી કરી શકે.

કઈ  રીતે  રોકી  શકાય?

વિટામિન Aની ઊણપને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે આરોગ્યપ્રદ આહાર લેવો, જેમાં વિટામિન A ધરાવતા ખોરાકનો સમાવેશ થાય છે. વિટામિન A કુદરતી રીતે મળતું હોય તેવા પદાર્થો વિશે જાણીએ. તો લીલા શાકભાજી, જેમ કે પાંદડાવાળા લીલા શાકભાજી અને બ્રોકોલી, ગાજર, કોળું, શક્કરીયા અને સ્ક્વોશ. નારંગી અને પીળા ફળો, જેમ કે સંતરા, કેરી, કેન્ટાલૂપ અને પપૈયા. ડેરી ઉત્પાદનો, વગેરે અનાજ, બટાકા, ઘઉં અને વિટામિન Aથી સમૃદ્ધ સોયાબીન. જો જરૂરી હોય, તો ડોક્ટર વિટામિન A સપ્લિમેન્ટ્સ લેવાની સલાહ પણ આપી શકે છે.