Thu Sep 17 2026

Logo

સ્વાસ્થ્ય સુધાઃ જન્માષ્ટમીના દિવસે બાળગોપાળને ભોગમાં ધરાવાતી પંજરી છે અતિ ગુણકારી

2026-08-18 09:44:00
Author: Shrilekha Yagnik
સ્વાસ્થ્ય સુધાઃ જન્માષ્ટમીના દિવસે બાળગોપાળને ભોગમાં ધરાવાતી પંજરી છે અતિ ગુણકારી

શ્રીલેખા યાજ્ઞિક

ઑગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. તહેવારોનો આનંદ સાથે મળીને વધુ આવે છે. તેમાં જન્માષ્ટમીનો ઉત્સવ હોય ત્યારે બાળગોપાળના જન્મને વધાવવા અનેક તૈયારી કરવામાં આવતી હોય છે. ધરતી ઉપર કનૈયાનું આગમન આધુનિક યુગમાં પણ માનવીને ઉત્સાહિત બનાવી દેવા પૂરતું છે. બાળગોપાળને નૈવેદ્યમાં સૌ પ્રથમ ધરાવવામાં આવે છે તે સામગ્રી એટલે જ ‘પંજરી’. પંજરીને વિવિધ નામે ઓળખવામાં આવે છે. જેમ કે પંચાજરી, પંજરી, પંજરી વગેરે. 

સામાન્ય રીતે બાળક જન્મે ત્યારબાદ તેને જે કાંઈ ભોજનમાં આપવામાં આવે તે સ્વાસ્થ્યવર્ધક હોય તે અગત્યનું છે. ‘પંચજીરી’ નામ એટલે આપવામાં આવ્યું છે કારણકે તેમાં પાંચ પ્રકારના જીરાને લગતી વસ્તુનો ઉપયોગ કરવામાં આવેલો છે. જેમ કે આખા ધાણા, સુવાદાણા, જીરૂ, અજમો, વરિયાળી વગેરે. સ્વાદ વધારવા તેમાં કોપરાનો ભૂકો ઉપયોગમાં લેવામાં આવે છે. મિશ્રી સાકરનો ઉપયોગ પણ ખાસ ગળપણ માટે કરવામાં આવે છે. 

પંજરીના સ્વાસ્થ્યવર્ધક લાભ

રોગપ્રતિકારક શક્તિ વધારે છે : પંજરી ખાવાથી શરીરમાં ગરમાવો આવી જાય છે. પ્રત્યેક મોસમમાં બદલાવને કારણે શરીર બીમારીનો શિકાર બની જતું હોય છે. આવા સમયે શરીરને આવશ્યક પોષક તત્ત્વો મળી રહે તેવું ભોજન લાભકારી ગણય છે. પંજરીમાં પ્રોટીનની સાથે કૅલ્શ્યિમ, ફોસ્ફરસ, આયર્ન વગેરે સ્વાસ્થ્ય માટે ગુણકારી તત્ત્વો સમાયેલાં છે. આથી જ પંજરીનું સેવન કરવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

આખા ઘાણા ગુણકારી : આખા ધાણામાં કૅલ્શ્યિમની સાથે ઍન્ટિઓક્સિડન્ટના ગુણો સમાયેલાં છે. વળી આખા ધાણાની તાસીર ઠંડી હોય છે. જેને કારણે તેના સેવન બાદ પેટ સંબંધિત સમસ્યાથી રાહત મળી રહે છે. જેમ કે ભોજન બાદ છાતીમાં બળતરા કે પેટ ફૂલી જવાની સમસ્યા તેમજ ભોજન બાદ વારંવાર આફરો ચઢી જવાની સમસ્યાથી રાહત મળી રહે છે. 

પાચનતંત્રને મજબૂત બનાવવામાં લાભકારી: પાચન તંત્રને મજબૂત બનાવવામાં પંજરીનું સેવન અતિલાભદાયક બની રહે છે. કેમ કે તેમાં અજમો, સુવા દાણા, જીરું, વરિયાળીને શેકીને ઉપયોગ કરવામાં આવે છે. જે ભોજનને પચાવવામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યા લાંબા સમયથી હોય તેમને માટે નિયમિત પંજરીનું સેવન અતિગુણકારી સાબિત થાય છે.

સાંધાના દુખાવામાં અતિલાભદાયક: પંચાજીરીમાં સૂંઠ. જીરું, અજમો, ઘી જેવી સ્વાસ્થ્યવર્ધક સામાગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. જેને કારણે વય વધવાની સાથે કે મોસમમાં બદલાવની સાથે સાંધાના દુખાવામાં થતાં કળતરનું નિવારણ મળી રહે છે. પંજરીનો ઉપયોગ થોડી થોડી પરંતુ તાજી બનાવીને કરવો વધુ ફાયદાકારક ગણાય છે. પંજરીનું સેવન કરવાથી પ્રોટીન, કૅલ્શ્યિમ, આયર્ન, ફાઈબર તથા શરીર માટે આવશ્યક ફેટ્સ સમાયેલી હોય છે, જે હાડકાંની મજબૂતાઈ જાળવી રાખવામાં મદદ કરે છે.  

આંખોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે લાભકારી: પંજરીનો ઉપયોગ નિયમિત કરવાથી આંખોમાં બળતરા, આંખોમાંથી પાણી નીકળવું કે ઝાંખપની સમસ્યાથી રાહત મેળવવામાં મદદ કરે છે, કેમ કે પંચાજરીમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી શરીરને ઠંડક આપે છે, કેમ કે તેમાં ખાંડને બદલે મિશ્રીનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. વરિયાળીની સાથે મિશ્રી ખાવાથી આંખોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. 

વજનને નિયંત્રણમાં રાખવામાં લાભકારી : તહેવારોના દિવસોમાં વજન વધવાની સમસ્યા વધી જતી હોય છે. કેમ કે તે દિવસોમાં આપણું મન આનંદિત હોય છે. જેને કારણે આપણે મનપસંદ મીઠાઈ કે ફરસાણ ખાવા આતુર બની જતાં હોઈએ છીએ. પંચાજીરી આવા સંજાગોમાં તન-મનને ઠંડક આપવાનો શ્રેષ્ઠ ઉપાય છે. કેમ કે સ્વાદની સાથે વ્યક્તિના સ્વાસ્થ્યનું ધ્યાન આપમેળે રહે છે. થોડી પંજરી ખાવાથી મન આનંદિત બને છે. તેમ જ પેટ ભરાઈ જાય છે. જેની અસર વજન નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. 

પંજરી બનાવવાની રીત

100 ગ્રામ ધાણા, 25 ગ્રામ અજમો, 1 ચમચી સૂંઠ. 25 ગ્રામ જીરું, 25 ગ્રામ વરિયાળી, 2 ચમચી સુવાદાણા, 2 ચમચી ચોખ્ખું ઘી, 50 ગ્રામ મિશ્રી.

બનાવવાની રીત: સૌ પ્રથમ આખા ધાણાને 1 ચમચી ઘીમાં ધીમા તાપે શેકી લેવાં. ત્યારબાદ જીરુંને શેકી લેવું. અજમો શેકી લેવો. સુવાદાણા શેકી લેવાં. વરિયાળી શેકી લેવી. બધી જ સામગ્રી અલગ અલગ શેકવી. મિશ્રી સાકરને વાટી લેવી. ઉપરોક્ત બધી જ સામગ્રીને એક પછી એક અલગ અલગ મિક્સરમાં વાટવી. જેથી તેનો ભૂકો એકસરખો થાય. બધી જ સામગ્રીને એક મોટા વાસણમાં ઉમેરીને બરાબર ભેળવવી. થોડું ગરમ ઘી તેમ જ સૂંઠ પાઉડર ભેળવીને પંજરી તૈયાર કરવી. જન્માષ્ટમીના બાળગોપાળને ભોગમાં ધરાવીને તેનો સ્વાદ માણવો. એક અઠવાડિયા સુધી પ્રતિદિન પંજરીનો ભોગ ધરાવી શકાય છે. ત્યારબાદ બાળકોથી લઈને ઘરના પ્રત્યેક સભ્યોને તેનો પ્રસાદ લેવો. 
મોસમમાં બદલાવની અસરને કારણે શરીરમાં પ્રવેશતી બીમારીથી બચી શકાશે.  મન આનંદિત બની ને ગાવા લાગશે ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી’...