ભારે વરસાદને કારણે નદીના પટમાં માટી અને કાદવવાળું પાણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણીપુરવઠો કરનારા જળાશયોના કેચમેન્ટ એરિયામાં છેલ્લા ત્રણેક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, તેથી છેલ્લા બે દિવસથી નદીના પટમાં કાદવ અને માટીવાળું ડહોળું પાણી આવ્યું છે. પરિણામે મુંબઈ મહાનગરપાલિકાના પશ્ર્ચિમ ઉપનગર અને શહેર વિભાગના અમુક વિસ્તારમાં ડહોળું પાણી મળી રહ્યું હોવાની સતત ફરિયાદ આવી રહી છે, ત્યારે પાલિકા પ્રશાસને મુંબઈના નાગરિકોને પાણી ઉકાળીને અને ગાળીને વાપરવાની અપીલ કરી છે.
પાણીપુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ પાણીમાં રહેલા કાદવ અને માટીને દૂર કરીને પાણીને શુદ્ધ કરવાની પ્રકિયા વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં ચાલી રહી છે. તેમ જ અન્ય ઉપાયયોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. તેમ જ પાણીને નિર્જંતુ કરવા માટે ક્લોરિનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. છતાં નાગરિકોને તકેદારીના પગલારૂપે પાણી ઉકાળીને અને ગાળીને પીવાની અપીલ કરવામાં આવી છે.
મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને દૈનિક સ્તરે પાણીપુરવઠો કરવામાં આવે છે. સાતેય જળાશયના કેચમેન્ટ એરિયામાં ત્રણ-ચાર દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે. તેથી નદીના પટમાંથી આવી રહેલું પાણી ડહોળું હોવાનું જણાઈ આવ્યું છે, તેની અસર હેઠળ પશ્ર્ચિમ ઉપનગર અને શહેર વિભાગમાં ડહોળું પાણીપુરવઠો થઈ રહ્યો હોવાની ફરિયાદ નાગરિકો કરી રહ્યા હતા, તેને પગલે પાલિકાએ નાગરિકોને અપીલ કરી હતી.
કાંદીવલી, પોઈસરમાં પાણીના ધાંધિયા
સાઈ મંદિર, પોઈસર સબવે પાસે ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનમાં ગળતર મળી આવ્યું છે, તેને કારણે સાંજે હજારો લિટર પાણી વેડફાઈ ગયું હતું. પાણીપુરવઠા વિભાગ દ્વારા પાઈપલાઈનનું તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ ગળતરને કારણે ગાવદેવી માર્ગ, બિહારી ટેકડી માર્ગ, પોઈસર, ઠાકુર કૉમ્પ્લેક્સ, બિહારી ટેકડી રોડ જેવા અમુક વિસ્તારમાં પાણીપુરવઠો ખોરવાઈ ગયો હતો.