Sat Oct 10 2026

Logo

સ્ટાર-યાર-કલાકારઃ પૉપ્યુલર મ્યૂઝિકથી પુસ્તક-દાન: સિંગિંગ સ્ટાર ડૉલી પાર્ટન

2026-09-04 08:09:00
Author: Sanjay Chhel
સ્ટાર-યાર-કલાકારઃ પૉપ્યુલર મ્યૂઝિકથી પુસ્તક-દાન: સિંગિંગ સ્ટાર ડૉલી પાર્ટન

 

સંજય છેલ 

જો તમારે મેઘધનુષ્ય જોઈતું હોય તો વરસાદ સહન કરવો જ પડશે

તમે ક્યારેય મોટું કામ નહીં કરી શકો, જ્યાં સુધી તમારામાં નિષ્ફળ થવાની હિંમત ન હોય.

પહેલાં તમે ‘કોણ છો?’ એ શોધો અને પછી જાણીજોઈને ‘એ’ જ બનો.

19 જાન્યુઆરી, 1946ના રોજ અમેરિકાના ટેનેસી પ્રદેશમાં અતિશય ગરીબ પરિવારમાં જન્મેલી ડૉલી પાર્ટન આગળ જતાં અમેરિકન ‘ક્ધટ્રી મ્યૂઝિક’ની દંતકથા બની ગઈ. એનું જીવન ખરેખર પ્રેરણા આપતું સુંદર ગીત છે.એ ગાયિકા, ગીતકાર, અભિનેત્રીએ હજારો ગીતો લખ્યાં અને સાથોસાથ સાહસિક ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ અને દાનવીર તરીકે પણ વિશ્વભરમાં આગવી ઓળખ ઊભી કરી. હમણાં 25 ઑગસ્ટ, 2026ના રોજ 80 વર્ષની વયે ડૉલીનું અવસાન થયું, પરંતુ ડૉલીનો વારસો એનાં ગીતો કે ફિલ્મો કે સેલિબ્રિટી સ્વેગથી ઘણો વિશેષ છે.

1212 ભાઈ-બહેનોના પરિવારમાં ઉછરેલી ડૉલીના મજૂર પિતા ડૉલીના જન્મ વખતે ડૉક્ટરની ફી પણ ચૂકવી શક્યા નહોતા. તેમણે મકાઈના લોટની બોરી આપીને હિસાબ ચૂકવ્યો હતો.  પિતા પોતે ભણી શક્યા નહીં કે વાંચી શકતા નહોતા એનો એમને આજીવન ખૂબ અફસોસ રહ્યો, પણ એમનું અધૂરું સપનું ડૉલીના મનમાં હંમેશાં શૂળની માફક ડંખતું હતું.

એક શિયાળામાં ડૉલીની માએ રંગબેરંગી કપડાંઓના થીગડાંમાંથી એક કોટ સીવ્યો. આ જોઈને સ્કૂલમાં બાળકોએ એની ખૂબ મજાક ઉડાવી, પરંતુ એ જ અપમાનના અનુભવમાંથી ડૉલીએ ‘કોટ ઑફ મેની કલર્સ’ ગીત લખ્યું, જે ખૂબ ચાલ્યું-વખણાયું અને ડૉલીનુંયે એ સૌથી પ્રિય ગીત હતું..

ઘરમાં ગરીબી હતી પણ ડૉલીનાં સપનાંમાં કાઈ અભાવ કે અછત નહોતાં. શાળાના વિદાય સમારોહમાં કોઈએ પૂછ્યું તું આગળ જઈને શું બનીશ? ત્યારે ડૉલીએ શાનભેર કહ્યું હતું, સ્ટાર! હું એક દિવસ દેશની સૌથી મોટી સ્ટાર બનીશ. નેચરલી, આ સાંભળીને લોકો હસીને આ વાત ભૂલીયે ગયા, પણ ડૉલી નહીં. એનાં મનમાં જાનલેવા જીદ હતી! બીજા જ દિવસે અમેરિકાની ‘સંગીત નગરી’ ગણાતા નેશવિલ શહેર જતી બસમાં ખાલી ખિસ્સે ચડી બેઠી.

નેશવિલમાં ડૉલીની મુલાકાત કાર્લ ડીન સાથે થઈ. કાર્લે એની કેરિઅર ઘડી, એના સંઘર્ષમાં ખૂબ સાથ આપ્યો અને પછી બંનેએ એક દિવસ અચાનક લગ્ન કરી લીધાં. ડૉલી અને કાર્લનું લગ્નજીવન પણ એક મજેદાર વાર્તા જેવું છે.

કાર્લને ડૉલીનું કન્ટ્રી મ્યુઝિક પણ બહુ ગમતું નહોતું. એક એવૉર્ડ સમારંભમાં પત્ની સાથે ગયા પછી તેણે લગભગ નક્કી કરી નાખ્યું કે હવે આવા ગ્લૅમરસ સમારંભોમાં જવું જ નહીં. પછી જ્યારે ડૉલી સ્ટાર બની ને આખા અમેરિકામાં મશહૂર થઈ ત્યારે કાર્લ પ્રસિદ્ધિથી હંમેશાં દૂર રહ્યો. ડૉલીના પડછાયાની જેમ સાથે ને સાથે પણ છતાંયે અલગ! ડૉલી દુનિયાભરમાં શો-કૉન્સર્ટ માટે ફરતી તો બીજી બાજુ કાર્લ પોતાનો વ્યવસાય સંભાળતો ને કદાચ આ અંતર જ એમના લગ્નની તાકાત બન્યું.

ડૉલી મજાકમાં કહેતી કે સતત એકબીજા સાથે કાયમ અથડાતાં રહીએ એના કરતાં ક્યારેક ક્યારેક મળીએ તો એકબીજાને ગમતાં રહીએ! લગભગ છ દાયકા એમનું લગ્નજીવન કાર્લના મૃત્યુ સુધી ટક્યું.

શરૂઆતમાં ડૉલીનો અવાજ કેટલાક લોકોને બહુ ગામઠી લાગતો તેથી તેણે બીજા કલાકારો માટે ગીતો લખ્યાં. ‘પોર્ટર વેગનર’ના ટીવી શોથી તેને મોટો મોકો મળ્યો અને તેણે સાબિત કર્યું કે તે અસાધારણ ગીતકાર પણ છે. પોતાની કારકિર્દીમાં તેણે લગભગ 3000 ગીત લખ્યાં, પણ સફળતા સાથે સંઘર્ષ પણ આવ્યો. પોર્ટર વેગનરે તેને સ્ટાર બનાવવામાં મોટો ફાળો આપ્યો હતો, પણ ડૉલી હવે પોતાની સ્વતંત્ર ઓળખ બનાવવા માગતી હતી. બંને વચ્ચે વ્યવસાયિક મતભેદ વધ્યા.

પોતાના ગુરુ અને સાથીને છોડતી વખતે ડૉલીએ ગુસ્સો કરવાને બદલે એક ગીત લખ્યું : ‘આઇ વિલ ઑલ્વેઝ લવ યુ.’ એટલે દુનિયા જેને પ્રેમીઓના વિદાયગીત તરીકે ઓળખે છે એ મૂળમાં એક સ્ત્રીએ પોતાના પ્રેમી માટે નહીં, પોતાના બિઝનેસ પાર્ટનર અને ગુરુને અલવિદા કહેવા માટે લખ્યું હતું!

ડૉલીનું બીજું સુપરહિટ ગીત ‘જોલિન’ પણ એના જીવનમાંથી જ આવ્યું. એક સુંદર લાલ વાળવાળી બ્લોન્ડ બૅન્ક કર્મચારી ડૉલીના પતિ કાર્લ સાથે કંઈક વધારે જ મીઠાશથી વાત કરતી હતી. ડૉલીએ ઈર્ષ્યા કરીને ઘરમાં ઝઘડો કરવાને બદલે એમાંથી ગીત બનાવી નાખ્યું. એટલે ડૉલી પાસે દુ:ખ, ઈર્ષ્યા કે મુશ્કેલી આવે તો એનું રૂપાંતર સુંદર ગીત બની જતું!

જોકે તેનું અંગત જીવન હંમેશાં એટલું સાદુંસીધું સરળ નહોતું. 1980ના દાયકાની શરૂઆતમાં ડૉલીની તબિયત બગડી, કારકિર્દીમાં પણ ખરાબ સમય આવ્યો ને એક અજાણી વ્યક્તિ સાથેના સંબંધને ડૉલીએ પોતે પાછળથી ‘અફેર ઑફ ધ હાર્ટ’ કહ્યું. એ સંબંધ તૂટતાં તે ગંભીર ડિપ્રેશનમાં સરી પડી હતી. ડૉલીએ તે વ્યક્તિનું નામ ક્યારેય જાહેર કર્યું નહીં. જીવનનો એ કદાચ સૌથી અંધકારમય સમય હતો, પરંતુ ડૉલી એમાંથી બહાર આવી અને ફરી કામમાં ડૂબી ગઈ.

માત્ર 20 જ વર્ષની ઉંમરે તેણે પબ્લિશિંગ કંપની શરૂ કરી ને પોતાનાં ગીતોના કૉપિરાઇટ્સ/હક જાળવ્યા. એકવાર એલ્વિસ પ્રેસ્લી ડૉલીનું અમર ગીત ‘આઈ વિલ ઑલ્વેઝ લવ યુ’ ગાવા માગતો હતો. ડૉલી માટે તો આ સપનું સાકાર થવા જેવી વાત હતી... પણ પછી એલ્વિસના મૅનેજમેન્ટે ‘આઈ વિલ ઑલ્વેઝ લવ યુ’ના હકમાં મોટો હિસ્સો માગ્યો, તો ડૉલીએ તરત જ ના પાડી. વર્ષો પછી વ્હિટની હ્યુસ્ટને આ ગીત ગાયું ને તે વિશ્વભરમાં લોકપ્રિય બન્યું. ડૉલીનો નિર્ણય કરોડો ડૉલરની કિંમતનો સાબિત થયો. ડૉલી પોતાની ચમકદાર છબી પર હસી શકતી, પરંતુ પોતાના કામને ગંભીરતાથી લેતી. 

ડૉલીએ પોતાના જન્મસ્થળના પછાત કે અવિકસિત ગરીબ પ્રદેશમાં ‘ડોલીવૂડ’ (Dollywood) નામના ડિઝનીલેંડ જેવા વિશાળ થીમ પાર્કનર બનાવીને હજારો લોકલ લોકો માટે ટૂરીઝમ અને રોજગારીની અસંખ્ય તકો ઊભી કરી, પરંતુ ડૉલીનું સૌથી મોટું સ્મારક તો પુસ્તકો છે. 1995માં ‘ઇમેજિનેશન પ્રોજેક્ટ’ દ્વારા ડૉલીએ પોતાની લાઇબ્રેરી શરૂ કરી, જેમાં 5 વર્ષ સુધીનાં બાળકોને દર મહિને મફત પુસ્તક મોકલવામાં આવે છે. આ યોજના અમેરિકા બહાર પણ ફેલાઈ ને ત્યારથી આજ સુધી લાખો બાળકો સુધી એ પુસ્તક યોજના પહોંચી. 2018માં 10 કરોડમું પુસ્તક ‘કોટ ઑફ મેની કલર્સ’ હતું... બાળપણના પેલા થીગડાંવાળા કોટની વાર્તા પરથી જન્મેલું ગીત!

ડૉલીની ઉદારતા શિક્ષણ, આરોગ્ય અને કુદરતી આફતોમાં મદદ સુધી વિસ્તરેલી હતી. કોવિડ દરમિયાન તેણે રસી સંશોધન માટે પણ દાન આપ્યું. ડૉલી પાર્ટનની જીવનકથા માત્ર એક સિંગિંગ સ્ટાર કે સેક્સી સેલિબ્રિટીની નથી. ડૉલીએ ગરીબી, અપમાન, ઈર્ષ્યા, પ્રેમ, નિષ્ફળતા ને સફળતા, એવા દરેકે દરેક અનુભવને કોઈ ને કોઈ સર્જનમાં ફેરવી નાખ્યો. દર મહિને કોઈ બાળકના દરવાજે પહોંચતું એક નાનકડું પુસ્તક જ ડૉલીની સૌથી સુંદર વિરાસત છે. ડૉલી પાર્ટનને સલામ અને અલવિદા કહેવા યુટ્યૂબ પર ડૉલીનુ ગીત ‘આઈ વિલ ઑલ્વેઝ લવ યુ’ અચૂક સાંભળજો.