Sat Sep 05 2026

Logo

કવર સ્ટોરીઃ ખૂનખાર ખલનાયકની ખ્વાહિશ

2026-09-04 08:06:00
Author: Hema Shastri
કવર સ્ટોરીઃ ખૂનખાર ખલનાયકની ખ્વાહિશ

 

હેમા શાસ્ત્રી

‘બસ, હવે બહુ થયું. સરળ, શાંત અને સાલસ સ્વભાવનાં ઘણાં પાત્ર ભજવી લીધાં. હવે ફરી સુલતાન બનવું છે.’ સામાન્ય પ્રજામાંથી રાજા બનવાની આ કોઈ મહત્ત્વાકાંક્ષા નથી. બલકે એક ઍક્ટરની માનસિક વેદના છે.
    
વાત પંકજ ત્રિપાઠીની છે. 2012ની ‘ગેંગ્સ ઑફ વાસેપુર’માં સુલતાન કુરેશીના વિલનના પાત્રમાં દર્શકો અને ફિલ્મમેકરોની નજરમાં વસી ગયેલા અભિનેતાએ 10 વર્ષમાં (2013થી 2023) 50 ફિલ્મમાં ચમક્યા પછી બ્રેક મારવાનું નક્કી કર્યું. છેલ્લાં બે વર્ષમાં તો માત્ર એક નોંધપાત્ર રોલમાં નજરે પડેલા ત્રિપાઠીને હવે ઠરેલ અને ઠાવકા પાત્ર નથી ભજવવાં. હવે ખૂંખાર ખલનાયક બનવાની એની તીવ્ર ઇચ્છા છે. 

આજે રિલીઝ થનારી ‘મિર્ઝાપુર: ધ મુવી’માં અભિનેતાની ઇચ્છા સંતોષાય એવું છે. ફિલ્મમાં ત્રિપાઠી અખંડાનંદ ‘કાલીન ભૈયા’નો રોલ કરી રહ્યો છે. ‘મિર્ઝાપુર’ વેબ સિરીઝમાં કાલીન ભૈયા ખૂંખાર ડૉન હતા અને ફિલ્મમાં પણ એ પાત્રના ગુણધર્મ જળવાઈ રહ્યા હશે એવી ધારણા ખોટી ન પડવી જોઈએ.

2024માં રિલીઝ થયેલી ‘સ્ત્રી 2’ના શૂટિંગ દરમિયાન ફિલ્મના દિગ્દર્શક અમર કૌશિક સાથે પંકજ ત્રિપાઠીની મૈત્રી વધુ ઘનિષ્ઠ બની હતી. 2018ની ‘સ્ત્રી’માં પણ પંકજ હતો અને એ જ રોલ સિક્વલમાં પણ સાકાર કર્યો હતો. અમર કૌશિક મુખ્યત્વે હૉરર કૉમેડી ફિલ્મો માટે જાણીતો છે. ભાઈ પંકજએ એક દિવસ ફોન ઘુમાવ્યો અને ઘાતકી વિલનનો રોલ કરવાની અદમ્ય ઇચ્છા અમર સમક્ષ જાહેર કરી કહી દીધું કે ‘તારી પાસે ખૂંખાર વિલનનો રોલ ધરાવતી કોઈ સ્ક્રિપ્ટ આવે તો મને યાદ કરજે. સીધા સાદા અને વાસ્તવવાદી માણસના રોલ બહુ કરી લીધા. મારા માટે તો આજની તારીખમાં પણ ‘ગેંગ્સ ઑફ વાસેપુર’નો સુલતાન ફેવરિટ વિલન છે.’

અભિનય કરવો એ કેવળ આજીવિકાનું સાધન ન માનતા હોય એવા લોકોને આવી ચળ ઊપડતી  હોય છે. એમાંય એનએસડી (નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા)માં તૈયાર થયેલા કલાકારમાં તો આવી ઇચ્છા થવાની સંભાવના વધુ હોય. 55 વર્ષની ઉંમરે ‘મારે ઍક્શન ફિલ્મો કરવી છે’ એવું શાહરુખ ખાને ગાઈવગાડીને કહ્યું અને ‘પઠાન’ તેમ જ ‘જવાન’ એ બે ઍક્શન પ્રચુર ફિલ્મો કરી અને ત્રીજી ‘કિંગ’ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. પંકજ ત્રિપાઠીએ પણ ફંટાઈ જવાનું નક્કી કરી નાખ્યું છે. ગયા વર્ષે ‘પર્ફેક્ટ ફેમિલી’ નામની વેબ સિરીઝથી પ્રોડ્યુસર બનેલા પંકજ ભાઈએ હવે મનમાં મોજ પડે એવી ફિલ્મો સ્વીકારવાને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું છે.

એનાં વિધાનોમાં અભિનેતાના તલસાટનો પડઘો પડે છે. ‘મારે હવે ધડાધડ ફિલ્મો સાઇન નથી કરવી,’ પંકજ ત્રિપાઠી સ્પષ્ટતા કરે છે,’ ઘરના હપ્તા, કારની લોનની ગૂંચળામાંથી હવે હું મુક્ત થઈ ગયો છું. માત્ર અને માત્ર પૈસા રળવા માટે જે મળે એ કે પછી બીબાંઢાળ પાત્રો નથી ભજવવાં. હું અનેક લોકોને મળી રહ્યો છું. તેમની પાસેની સ્ટોરી સાંભળું છું. મને પસંદ છે એવી ફિલ્મો હવે મારે કરવી છે. 

મને માનવલક્ષી પાત્રો અને એવી કથા વધુ પસંદ રહી છે. સુપરહીરોની સ્ટોરી પણ મને ગમે છે. એમાં પૌરાણિક તત્ત્વ હોય છે, કલ્પનાનો વિસ્તાર હોય છે. વાસ્તવિક જીવનમાં સુપરહીરો નથી હોતા, પ્રત્યેક મિડલક્લાસ માતા-પિતા સુપરહીરો હોય છે. અનુસંધાન જોડી શકાય એવાં પાત્રોની કથામાં મને રસ રહ્યો છે અને એવાં પાત્રો મેં ઘણાં ભજવ્યાં. હવે ફૅન્ટસી, કૉમેડી કરવી છે. ફરી ખલનાયક બનવું છે. વાસ્તવવાદી ફિલ્મો બહુ કરી હવે ફૅન્ટસી કરવી છે.’ 

વાત સ્પષ્ટ છે કે આ ઍક્ટર ગિયર બદલાવી નવી સડક પર ટહેલવા માગે છે. ‘મિર્ઝાપુર: ધ મુવી’ કદાચ એનો પહેલો હપ્તો છે.

ફ્રેન્ચાઈઝી ઍક્ટરનું લેબલ

કશુંક નવું કે અલગ કરવા માટે તલપાપડ પંકજ ત્રિપાઠી વર્ષો પછી રંગભૂમિ તરફ વળ્યો છે. નાટકમાં કામ કરવાની મજા અનેરી છે એવું કારણ આપી અભિનેતા જણાવે છે કે ઍક્ટર પોતાનાં મૂળિયાં સાબૂત રાખવા માગતો હોય છે. નાટકમાં કામ કરવાથી અભિનય કરવાની ભૂખ સંતોષાઈ જતી હોય છે. એટલું જ નહીં, યુ ટ્યૂબ પર પ્રસારિત થયેલી આઠ એપિસોડની કૉમેડી ડ્રામા સિરીઝમાં એ પ્રોડ્યુસર પણ બન્યો હતો. એક સમયે પંકજને ફ્રેન્ચાઈઝી ઍક્ટરનું લેબલ લાગ્યું હતું. 

‘ગેંગ ઑફ વાસેપુર’માં કામ કર્યા પછી ‘ગેંગ ઑફ વસેપુર 2’માં પણ એની હાજરી હતી. 2013ની ‘ફુકરે’માં કામ કર્યા પછી ‘ફુકરે રિટર્ન્સ’ અને ‘ફુકરે 3’માં પણ જોવા મળ્યો. 2018ની હૉરર કૉમેડી ‘સ્ત્રી’માં દેખાયો અને છ વર્ષ પછી આવેલી સિક્વલમાં પણ એની હાજરી હતી. ‘ઓહ માય ગોડ’માં નહોતો પણ એની સિક્વલમાં એનો મહત્ત્વનો રોલ હતો અને એની ત્રીજી ફિલ્મ બનશે તો એને લેવાશે એવી મૌખિક ખાતરી આપવામાં આવી છે. ‘મિર્ઝાપુર’ વેબ સિરીઝ અને ‘મિર્ઝાપુર: ધ મુવી’ એનું તાજું ઉદાહરણ છે.