(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ એશિયાની ભૂરાજકીય કટોકટીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા વધારા ઉપરાંત સ્થાનિક સહિત વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ વધી આવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 14 પૈસા નબળો પડીને 96.36ના મથાળે બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 96.30ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 96.53ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 96.53 અને ઉપરમાં 96.35ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે છ પૈસા નબળો પડીને 96.36ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયામાં 12 પૈસાનો સુધારો આવ્યો હતો.
તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ક્રૂડતેલના ભાવ વધી રહ્યા હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જળવાઈ રહેશે. જોકે, બન્ને દેશો વચ્ચે ચાલી રહેલી રાજદ્વારી વાટાઘાટો અને સંભવિતપણે રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ રૂપિયાના ધોવાણને મર્યાદિત રાખી શકે છે, એમ મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે આગામી દિવસોમાં ડૉલર સામે રૂપિયાની રેન્જ 96.10થી 96.70 આસપાસની જોવા મળી શકે છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેકસ આગલા બંધ સામે 0.05 ટકા વધીને 100.81 ડૉલર આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.01 ટકો વધીને બેરલદીઠ 88.11 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 442.93 પૉઈન્ટનો અને 95.80 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 376.41 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવતા રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.