મિતાલી મહેતા
રાહુલે આમ તો પોતાના નાણાકીય આયોજનમાં લગભગ બધું જ યોગ્ય કર્યું હતું. તે દર મહિને નિયમિત રીતે SIPમાં રોકાણ કરતો, નિવૃત્તિ માટે ભંડોળ ઊભું કરતો અને બિનજરૂરી દેવું લેવાનું ટાળતો. દર મહિને પગાર મળતાંની સાથે જ તેની આવકનો એક હિસ્સો તેના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે રોકાણમાં જતો. તેને હંમેશાં લાગતું કે જ્યાં સુધી તે નિયમિત રોકાણ કરતો રહેશે ત્યાં સુધી બધું સારું જ રહેશે.
જોકે એક દિવસ તેની કંપનીએ મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી. થોડા જ કલાકોમાં રાહુલ પણ પોતાની નોકરી ગુમાવી બેઠો. શરૂઆતમાં તેને ખાસ ચિંતા નહોતી. વર્ષોનો અનુભવ હોવાથી તેને વિશ્ર્વાસ હતો કે તેને જલદી નવી જૉબ મળી જશે, પરંતુ જૉબ બજાર મંદ હતું. એક મહિનો... ત્રણ મહિના... અને પછી 6 મહિના વીતી ગયા.
આ દરમિયાન તેની આવક સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી, પરંતુ ઘરખર્ચ તો પહેલાંની જેમ જ ચાલુ હતો. ઘરનું ભાડું, બાળકોની સ્કૂલ ફી, કરિયાણું, વીજળીના બિલ, વીમાનાં પ્રીમિયમ અને લોનના EMI..
પરિસ્થિતિને સંભાળવા માટે તેણે સૌથી પહેલાં પોતાની SIP બંધ કરી. થોડા સમય પછી રોજિંદા ખચા માટે તેને પોતાના લાંબા ગાળાના રોકાણમાંથી પણ પૈસા કાઢવા પડ્યા. છેવટે તેને નવી નોકરી મળી ગઈ, પરંતુ ત્યાં સુધીમાં ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું. તેની રોકાણની સફર વચ્ચે જ અટકી ગઈ હતી, ઘણાં નાણાકીય લક્ષ્યો પાછળ ઠેલાય ગયાં હતાં અને વર્ષોથી શિસ્તપૂર્વક બનાવેલી નાણાકીય ગતિ તૂટી ગઈ હતી.
ભૂલ ક્યાં હતી?
ભૂલ નોકરી ગુમાવવાની નહોતી. ભૂલ એ હતી કે તેણે ક્યારેય વિચાર્યું જ નહોતું કે આવી કોઈ અણધારી ઇમર્જન્સી પણ આવી શકે છે અને તેના માટે કોઈ અલાયદું આયોજન જરૂરી છે.
ભૂલ ક્યાં થાય છે? અણધારી પરિસ્થિતિની અવગણના
મોટાભાગના લોકો ઘર ખરીદવું, બાળકોનું શિક્ષણ, નિવૃત્તિ કે વેકેશન જેવાં નાણાકીય લક્ષ્યો માટે તો આયોજન કરે છે, પરંતુ જીવનમાં કેટલીક પરિસ્થિતિઓ એવી પણ આવે છે જેનું કોઈ કૅલેન્ડર હોતું નથી.
નોકરી જવી, ગંભીર બીમારી, અકસ્માત, પારિવારિક કટોકટી અથવા ધંધામાં અચાનક આવેલી મશ્કેલી આવી કોઈ પણ ઘટના આવકને અચાનક અટકાવી શકે છે, જ્યારે ખર્ચ તો યથાવત્ ચાલુ જ રહે છે. જો આવી સ્થિતિમાં તમારી પાસે ઇમર્જન્સી ફંડ ન હોય તો વર્ષોથી કરેલું રોકાણ તોડવું પડે, SIP બંધ કરવી પડે અથવા રોજિંદા ખર્ચ માટે લોન લેવાની ફરજ પડી શકે છે.
આવું કેમ થાય છે?
સારા દિવસોમાં ઇમર્જન્સી ફંડ બનાવવું ઘણીવાર બિનજરૂરી લાગે છે. ઘણા લોકો વિચારે છે કે ઓછું વળતર આપતાં સુરક્ષિત રોકાણનાં સાધનોમાં પૈસા રાખવા કરતાં તેને બજારમાં રોકી દેવા વધુ સારું, પરંતુ ઇમર્જન્સી ફંડનો હેતુ ઊંચું વળતર મેળવવાનો નથી. તેનો હેતુ છે જ્યારે જીવન અણધાર્યો વળાંક લે ત્યારે તમારી પાસે તરત ઉપયોગમાં લઈ શકાય એવી રોકડ સુલભતા ઉપલબ્ધ હોવી જોઈએ.
જો આવું ભંડોળ ન હોય તો લાંબા ગાળાનાં લક્ષ્યો માટે કરેલા રોકાણનો ઉપયોગ ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે કરવો પડે છે. પરિણામે માત્ર માનસિક તણાવ જ ઊભો થતો નથી, પરંતુ તમારા લાંબા ગાળાના નાણાકીય આયોજનને પણ મોટો ફટકો પડે છે.
મુખ્ય શીખ: ઇમર્જન્સી આવે તે પહેલાં જ તેનું કવચ બનાવો
દરેક પરિવારે ઓછામાં ઓછા 6 મહિનાના જરૂરી ઘરખર્ચ (જેમાં ઘરખર્ચ, વીમા પ્રીમિયમ અને EMI સામેલ હોય) જેટલું ઇમર્જન્સી ફંડ સુરક્ષિત અને સરળતાથી ઉપાડી શકાય તેવાં સાધનોમાં રાખવું જોઈએ.
શું છે આ માટેનો એક વ્યવહારુ અભિગમ
ઇમર્જન્સી ફંડને ક્યારેય રોકાણ તરીકે ન જુઓ: આ તમારું નાણાકીય સુરક્ષા કવચ છે. તેનો હેતુ નફો કમાવવાનો નથી, પણ મુશ્કેલ સમયમાં રક્ષણ આપવાનો છે.
લાંબા ગાળાના રોકાણનું રક્ષણ: આ ફંડ તમારી પાસે હશે તો અણધારી પરિસ્થિતિમાં તમારે તમારાં લાંબા ગાળાનાં રોકાણોને અડવાની કે તોડવાની જરૂર નહીં પડે.
ક્યાં રાખવું?: આ રકમ સેવિંગ્સ એકાઉન્ટ, શૉર્ટ-ટર્મ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અથવા લિક્વિડ ફંડ્સ જેવાં સાધનોમાં હોવી જોઈએ, જ્યાંરે જરૂર પડે ત્યારે ઝડપથી પૈસા હાથમાં આવી શકે.
ટૂંકમાં ...
ઇમર્જન્સી ક્યારેય આગોતરી જાણ કરીને આવતી નથી, પરંતુ તેના માટેની તૈયારી આજે જ કરી શકાય છે. નાણાકીય આયોજનનો સાચો અર્થ માત્ર સંપત્તિ બનાવવામાં નથી, પરંતુ વર્ષોની મહેનત અને શિસ્તથી ઊભા કરેલા નાણાકીય પાયાને સુરક્ષિત રાખવામાં પણ છે.
યાદ રાખો, સંપત્તિ ઊભી કરવામાં વર્ષો લાગી જાય છે, પરંતુ માત્ર એક અણધારી આર્થિક કટોકટી તમારી નાણાકીય સફરને વર્ષો પાછળ ધકેલી શકે છે માટે આવી ઇમર્જન્સી માટે સાબદા રહો...