શ્રીલેખા યાજ્ઞિક
કોદરી એક એવું ધાન્ય છે જેને આપ લાંબો સમય સુધી સાચવી શકો છો. સામાન્ય રીતે મોસમમાં બદલાવની અસર ઘરમાં સાચવીને રાખેલાં કઠોળ કે ધાન ઉપર પડતી હોય છે. તેમાં કીડા પડી જતાં હોય છે. કોદરી એક એવું ધાન્ય છે કે જે લાંબા સમય સુધી ખરાબ થતું નથી. તેને એક વર્ષ સુધી રાખો તો પણ તેમાં કીડા કે જીવાત જોવા મળતી નથી. કોદરીની બીજી ખાસ વાત એ છે કે કોદરીની ખેતી ઓછા પાણીમાં સરળતાથી થઈ શકે છે.
કોદરીનો ઉપયોગ પ્રાચીનકાળથી થતો આવ્યો છે. તેને ઔષધી ગણવામાં આવે છે. પિત્ત-કફ, પાચન સંબંધિત તકલીફમાં અતિગુણકારી ગણવામાં આવે છે. તેનો છોડ 60-90 સે.મી ઊંચો થાય છે. તેના બીજ ચમકદાર, ગોળ રાઈના દાણા જેવાં નાના તેમ જ સફેદ કે આછા ભૂરા રંગના જોવા મળે છે.
કોદરીને ભારતની વિવિધ ભાષામાં અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે : જેમ કે તેનું વાનસ્પતિક નામ `પૈસપૈલેમ ક્રોબિક્યૂલેટમ' છે. તો અંગ્રેજીમાં તેને કોદો મિલેટ કે રાઈસ ગ્રાસ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં કોદ્રવ તે કોરદૂષ, હિન્દીમાં કોદો કે કોદ્રા, ગુજરાતીમાં કોદરી કે મેન્યા, મરાઠીમાં હારિક કે કોદ્ર, બંગાળીમાં કોદોઆધાન, ક્ન્નડમાં હરિકા, તમિળમાં વરાગુ કે વરાકુ, પંજાબીમાં કોદ્રા કે કોદોન, તેલુગુમાં અરિકલુ કે કીરારૂગા તરીકે ઓળખાય છે.
કોદરીમાં સારા પ્રમાણમાં વિટામિન, આયર્ન, કૅલ્શ્યિમ, મેગ્નેશ્યિમ, તેમ જ ફાઈબર સમાયેલું હોય છે. એવું કહેવાય છે કે ભારતમાં કોદરી મૂળ આફ્રિકાથી આવી હતી. કોદરીની ખેતી ભારતમાં આશરે 3 હજાર વર્ષ પહેલાથી થતી આવેલી જોવા મળે છે. વિશ્વનો 90 ટકા કોદરીનો પાક ફક્ત ભારતમાં લેવામાં આવે છે.
કોદરીની ખેતી ભારતનાં વિવિધ રાજ્યો જેવા કે ગુજરાત, કર્ણાટક, તમિળનાડુ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન તેમ જ ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. કોદરીનો પાક ખરાબ માટી કે ઓછા પાણીમાં સરળતાથી ઊગી નીકળે છે. જેથી તે પર્યાવરણને અનુકૂળ વિકલ્પ તરીકે ઓળખાય છે. તેને પોષક તત્ત્વોનું પાવરહાઉસ ગણવામાં આવે છે.
કોદરીના સ્વાસ્થ્યવર્ધક ગુણો જોઈ લઈએ
હૃદયના સ્વાસ્થ્ય માટે લાભકારી : કોદરીમાં ફાઈટિક એસિડ જેવા ગુણકારી ફાઈટોકેમિકલ સમાયેલાં છે જે કૉલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. કોદરીમાં ચરબીની માત્રા આોછી તથા ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. વળી તેમાં પર્યાપ્ત માત્રામાં મેગ્નેશ્યિમ હોય છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે તો હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે. હૃદયમાં લોહી પૂરતાં પ્રમાણમાં પહોંચે છે. જે વ્યક્તિના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. કોદરીનું સેવન સપ્રમાણ માત્રામાં નિયમિત રીતે કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળે છે.
વજનને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી : કોદરીમાં સારી માત્રામાં ફાઈબર સમાયેલું હોય છે. તેથી કોદરીનું સેવન કરવાથી લાંબા સમય સુધી વ્યક્તિની ભૂખ સંતોષાયેલી રહે છે. કોદરી પૉલિફેનોલથી ભરપૂર ધાન્ય ગણાય છે. એક વાટકી કોદરીનું સેવન ર્ક્યા બાદ વારંવાર ખાવાની ઈચ્છા કે તળેલું-ચટાકેદાર ખાવાની ઈચ્છા ધીમે ધીમે ઘટવા લાગે છે. જે લાંબા ગાળે વ્યક્તિને વજનને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી બને છે. વળી પૌષ્ટિક ભોજન ર્ક્યાનો સંતોષ મેળવી શકાય છે. તેથી જ તેને નાનું છતાં શક્તિશાળી ધાન્ય ગણવામાં આવે છે.
ડાયાબિટીસમાં અતિલાભકારી: કોદરીનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે. તેનો અર્થ એવો થાય છે કે તે લોહીમાં ગ્લુકોઝની માત્રાને ધીમે ધીમે છોડે છે. સફેદ ચોખાની સરખામણીમાં કોદરીનું સેવન કરવાથી લોહીમાં શર્કરાની માત્રા અચાનક વધી જવાની સમસ્યાથી બચી શકાય છે. કેમ કે તેમાં શર્કરાની માત્રા ઓછી તથા પૉલિફિનોલ અધિક પ્રમાણમાં હોય છે. ઓછા ગ્લાઈસેમિક ઈન્ડેક્સવાળું અનાજ ડાયાબિટીસની સમસ્યામાં અતિલાભકારી ગણાય છે.
લોહીમાં શર્કરાની માત્રામાં ઉતાર-ચઢાવ રહેતો હોય તેવાં દર્દીઓ માટે વરદાન સમાન ગણાય છે. 2022માં કરવામાં આવેલાં એક અભ્યાસ મુજબ કોદરીમાંથી બનેલી વિવિધ વાનગી જેવી કે ઈડલી-ઉપમા-પુલાવ ખાતા દર્દીઓનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ સફેદ ચોખાથી બનાવેલ વાનગી ખાતા દર્દીઓની તુલનામાં લગભગ 60 ટકા ઓછો હતો.
ઘાવ ભરવામાં લાભકારી : કોદો માટે એવું કહેવાય છે કે તે કુદરતી રીતે જ લોહીનું શુધ્ધીરણ કરવામાં મદદ કરે છે. કોદરી એક એવું ધાન્ય છે જે શરીર ઉપર પડેલાં નાના-મોટાં ઘાવ ભરવામાં મદદરૂપ બને છે. કેમ કે કોદરીમાં રહેલાં પોષક તત્ત્વો એટલાં આરોગ્યવર્ધક છે કે તે કોદરીનું સેવન કરવાથી શરીરને પૂરતી માત્રામાં પોષણ મૂલ્યો મળી રહે છે. જેથી ઘાવ ઝડપથી ભરાઈ જવામાં મદદ મળી શકે છે.
પાચન તંત્રમાં સુધારો થાય છે : એવી માહિતી મળે છે કે કોદરીમાં ભાત તથા ઘઉંની સરખામણીમાં ત્રણ ગણું વધુ ફાઈબર સમાયેલું જોવા મળે છે. કોદરીનું સેવન નિયમિત કરવાથી પાચન તંત્ર સંબંધિત વિવિધ સમસ્યાથી રાહત મળે છે. કોદરીમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. ફાઈબરયુક્ત આહારનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે. કબજિયાત કે વારંવાર પેટમાં ચૂક આવવાં જેવી તકલીફથી રાહત મેળવી શકાય છે. કોદરીમાં ઍન્ટિ-ઓક્સિડન્ટ તથા ફ્લેવોનોઈડસ્ સમાયેલું હોય છે. જે કુદરતી ડિટોક્સીફાયર ગણાય છે.
લાંબા સમયથી પરેશાન કરતી બીમારીથી લડવામાં મદદરૂપ : કોદરીમાં પોષક તત્ત્વોની સાથે ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા સમાયેલી છે. જેને કારણે વ્યક્તિના સપૂર્ણ સ્વાસ્થ્ય માટે લાભકારી ગણાવી શકાય છે. કોદરી એક એવું ધાન્ય છે કે જેના સેવનથી સેલ ડૅમેજથી થતાં નુકસાનને કારણે બનતી ફ્રી રેડિકલ્સથી લડતાં કેટલાંક પ્રકારના કૅન્સરના જોખમથી બચી શકાય છે.
કિડની માટે ગુણકારી : સામાન્ય રીતે કિડનીની સમસ્યા હોય તેમને માટે પોટેશ્યિમ કે ફોસ્ફરસની માત્રા વધુ હોય તેવાં ધાન્યને પ્રમાણભાન રાખીને ખાવાની સલાહ નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે. અન્ય મુખ્ય ખાદ્યપદાર્થોની તુલનામાં કોદરીમાં પોટેશ્યિમની માત્રા આોછી હોય છે. ફાઈબરની માત્રા વધુ હોવાની સાથે યૂરિક એસિડ ઓછા પ્રમાણમાં બને છે. તેથી કોદરીનું સેવન કિડની સંબંધિત બીમારી ધરાવતાં લોકો માટે અતિલાભકારી ધાન્ય ગણાય છે.
કોદરીમાં બી-કૉમ્પ્લેક્સ, વિટામિન જેવાં કે નિયાસિન, બી-6, ફૉલિક એસિડ, આયર્ન ઝિંક વગેરે સારા પ્રમાણમાં સમાયેલાં હોય છે. કોદરીમાં સમાયેલી આયર્નની માત્રા શરીરમાં શક્તિ જાળવી રાખે છે. ઍનિમિયાથી લડવાની શક્તિ પ્રદાન કરે છે. કોદરીનો ઉપયોગ કરીને વિવિધ વ્યંજન બનાવી શકાય છે. જેમ કે કોદરીની ઈડલી, ઉપમા, ખીચડી, કોદરીની ખીર વગેરે.
કોદરીની મસાલેદાર ખીચડી
સામગ્રી: 300 ગ્રામ કોદરી, 100 ગ્રામ મગની પીળી દાળ, 1 વાટકી મિક્સ શાકભાજી (ફ્લાવર, વટાણા, ફણસી, ટમેટાં, બટાકા,) 1 નંગ તમાલપત્ર, 1 મોટો ટુકડો તજ, 2 નંગ લવિંગ, 3-4 નંગ મરી, 2 મોટી ચમચી વઘાર માટે ચોખ્ખું ઘી, 1 નાની ચમચી રાઈ, 2 નંગ લાલ આખા મરચાં, ચપટી હિંગ, 1 નાની ચમચી ગરમ મસાલો, 1 નાની ચમચી હળદર, 1 મોટી ચમચી આદુંની કતરણ, સજાવટ માટે કોથમીર.
બનાવવાની રીત: સૌ પથમ કોદરી-મગની દાળને બરાબર સાફ કરીને પાણીમાં ડૂબાડીને અડધો કલાક રાખવી. હવે કડાઈમાં 1 ચમચી ઘી ગરમ કરવું. તેમાં રાઈ, આખા મરચાં, હિંગ, તમાલપત્ર નાખીને વઘાર તૈયાર કરવો. તેમાં મિક્સ શાકભાજી ભેળવવાં. તજ, લવિંગ, મરી ભેળવવાં. સ્વાદાનુસાર મીઠું, હળદર, ભેળવવાં. પલાળેલી કોદરી તેમ જ પલાળેલી મગની પીળી દાળ ઉમેરવી. આવશ્યક્તા મુજબ પાણી ઉમેરવું. ધીમા તાપે ખીચડી બનાવવી. ખીચડી તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં ગરમ મસાલો તેમ જ ઘી ભેળવીને બરાબર હલાવી લેવું. કોથમીરથી સજાવીને દહીં સાથે ગરમાગરમ પીરસવી.