Tue Oct 06 2026

Logo

કરન્સી કંપાસઃ ડિલિંગ રૂમથી શોપિંગ બાસ્કેટ સુધી...

2026-10-06 07:44:00
Author: Dr Yogesh Dadke
કરન્સી કંપાસઃ ડિલિંગ રૂમથી શોપિંગ બાસ્કેટ સુધી...

 

ડો. યોગેશ દડકે

એક પરિવાર કાર ખરીદતો હોય, એક માતા-પિતા વિદેશમાં ભણતા બાળકની ફી ભરતા હોય, એક વેપારી વિદેશથી પાર્ટ્સ મગાવતો હોય અને એક રોકાણકાર નાણાંનું રોકાણ કરતો હોય ત્યારે ઉક્ત ચારે નિર્ણય અલગ અલગ જણાય છે.

જોકે, હાલમાં આ ચારેય બાબત એક જ સાંકળથી સંકળાયેલી પુરવાર થઇ છે. જીઓ-પોલિટિકલ પરિબળોએ ક્રૂડ ઓઇલને ડહોળ્યું, ક્રૂડ ઓઇલે મોંઘવારી વધવાની શક્યતા સર્જી અને બોન્ડના વ્યાજદરને અસર પહોંચાડી, તેથા ડૉલર મજબૂત થયો અને ચલણ બજારે આ બધી અસર ભારત સુધી પહોંચાડી!

વિદેશી ચલણનો મામલો માત્ર ડીલિંગ રૂમમાં પૂરો થતો  નથી. આખરે તે તમારી શોપિંગ બાસ્કેટ સુધી પહોંચે છે. ગયા અથવાડિયે ડૉલર સામે રૂપિયો નબળો પડયો. લગભગ 96ની આસપાસ, બે મહિનાના તળિયે પહોંચ્યો હતો અને તે બંધ થતાં લગભગ 95.98 પર આવ્યો. બ્રેન્ટ ક્રૂડ 108 ડૉલર પ્રતિ બેરલની નજીક પહોંચ્યા પછી પાછું ફર્યું. ટ્રેડરોએે કહ્યું કે સરકારી બેંકોએ આરબીઆઇ વતી ડૉલર વેચ્યા હશે, જેથી રૂપિયાનો ઘટાડો અટક્યો હશે.

મહત્ત્વનો મુદ્દો એ નથી કે 96નો આંકડો જાદુઈ છે કે નહીં! મુદ્દો એ છે કે ભારત લગભગ 90 ટકા ક્રૂડની આયાત કરે છે, તેથી જ્યારે તેલ અને ડૉલર બન્ને એકસાથે વધે ત્યારે રૂપિયા પર દબાણ આવે છે. આ દબાણ વૈશ્વિક છે. ડૉલર પાછલાં ઘણા મહિનાથી ઊંચા સ્તરે છે, કારણ કે અમેરિકન ટ્રેઝરી યિલ્ડમાં સતત વધારો થઇ રહ્યો છે. રોકાણકારોને  ચિંતા છે કે અમેરિકામાં વ્યાજદર કેટલા ઊંચા રહેશે! તેલને કારણે મોંઘવારી વધવાનો ડર છે, તેથી કડક નાણાં નીતિની અપેક્ષા વધી છે.

આની અસર માત્ર રૂપિયા પર નહીં, ઘણાં ઊભરતા દેશનાં ચલણ પર પડી છે, ઓસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બેંકે વ્યાજદર વધાર્યા છતાં ઓસ્ટ્રેલિયન ડૉલર સંઘર્ષ કરતો રહ્યો, કારણ કે બજારે નિર્ણય સાથેની ગાઈડન્સ પર ધ્યાન આપ્યું. ફરી એકવાર સાબિત થયું કે ચલણો માત્ર હેડલાઈન રેટ પર નહીં, અપેક્ષાઓ પર પ્રતિક્રિયા આપે છે.

જોકે, ભારતનું અર્થતંત્ર મજબૂત છે, જે એક મહત્ત્વનું પરિબળ છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વાસ્તવિક જીડીપી 7.8 ટકા વધ્યો. ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન આઠ ટકા વધ્યું, જેમાં મેન્યુફેક્ચરિગ નવ ટકા વધ્યું. કાર અને ઘર વપરાશની વસ્તુઓ જેવા કન્ઝ્યુમર ડ્યુરેબલનું ઉત્પાદન 11.1 ટકા વધ્યું. ઓગસ્ટમાં કુલ જીએસટી કલેક્શન લગભગ બે લાખ કરોડ હતું, જે ગયા વર્ષ કરતાં 14.8 ટકા વધુ છે. આ આંકડા એ સાબિત નથી કરતા કે દરેક ભારતીયો મુક્તપણે ખર્ચ કરી રહ્યાં છે, પણ તે બતાવે છે કે વૈશ્વિક સ્તરની વિકટ સ્થિતિ છતાં સ્થાનિક પ્રવૃત્તિ મજબૂત રહી છે.

આ સ્થિતિસ્થાપકતામાં જ એ સવાલનો  જવાબ છે કે ચલણની કથા દરેક વાચક માટે શા માટે મહત્ત્વની છે! એક સ્માર્ટફોનનો વિચાર કરો. તેની અંતિમ કિમત માત્ર રૂપિયા-ડૉલરના રેટ પર આધારિત નથી, પણ આયાતી ચિપ્સ, ધાતુઓ, ભાડું અને ઊર્જા બધું વૈશ્વિક ભાવ અને ચલણથી પ્રભાવિત થાય છે. આ જ વાત કાર, ઉપકરણો અને ઘણી રોજિંદી વસ્તુઓને લાગુ પડે છે.

ભારતે તહેવારો પહેલા ખાદ્ય તેલો પર આયાત ડ્યૂટી ઘટાડી છે, કારણ કે વનસ્પતિ તેલના ભાવ ઝડપથી વધ્યા હતા. આ બાબત યાદ અપાવે છે કે સરકાર ક્યારેક વેપાર નીતિનો ઉપયોગ કરીને વૈશ્વિક ભાવની ઘરના બજેટ પર થતી અસર ઘટાડવા પ્રયાસ કરે છે.

આની બીજી બાજુ પણ છે. ઓગસ્ટમાં ભારતમાં રીટેલ મોંઘવારી 4.82 ટકા થઈ, જ્યારે જથ્થાબંધ મોંઘવારી ઘણી વધારે હતી. જો ઊંચા ઊર્જા ખર્ચનો દોર ચાલુ રહેશે, તો કંપનીઓએ નક્કી કરવું પડશે કે કેટલો ખર્ચ પોતે સહન કરવો અને  કેટલો ગ્રાહક પર પસાર કરવો! આ નિર્ણયની અસર પછીથી રેસ્ટોરન્ટનાં બિલ, એર ટિકિટ, ડિલિવરી ચાર્જ અથવા ઉત્પાદિત વસ્તુના ભાવમાં દેખાઈ શકે છે.

આની  અસર વ્યાજદરની અપેક્ષા પર પણ પડી શકે છે, જે બોરોઇંગ કોસ્ટ અંતે રૂપિયાને અસર કરે છે. મજબૂત ઘરાકી કંપનીઓને ભાવ વધારો સંભાળવામાં મદદ કરી શકે છે, પણ સતત મોંઘવારી આખરે તે જ ખરીદશક્તિને નબળી પાડી શકે છે, જે વપરાશી માટે ટેકો આપે છે. તેથી ચલણ, મોંઘવારી અને વપરાશ વચ્ચેના સંબંધ બન્ને દિશામાં વિચરણ કરે છે.

સીએફઓ કે બિઝનેસ ઓનર્સ  માટે પાઠ એ છે કે માત્ર ડૉલરના બિલને જ નહીં, આખા એક્સપોઝરને ધ્યાનમાં લેવું જરૂરી છે. આયાતી કાચો માલ, ઇંધણનો ખર્ચ, ઋણ ખર્ચ, ભાવ વધારવાની ક્ષમતા અને હેજિંગના ખર્ચમાં એકસાથે ફેરફાર થઇ શકે છે. એનઆરઆઇ કે એચએનઆઇ માટે, વિદેશમાં વધુ વ્યાજ મળવું એ વળતરનો માત્ર એક ભાગ છે; વાસ્તવમાં ચલણમાં રૂપાંતર નક્કી કરે છે કે ગજવામાં ખરેખર શું આવે છે!

રોકાણકાર માટે, મજબૂત ભારતીય માગ કમાણીને ટેકો આપી શકે છે, જ્યારે નબળો રૂપિયો વિદેશી પોર્ટફોલિયોના વળતરને બદલી શકે છે. વિદ્યાર્થી કે માતા-પિતા માટે, એક રૂપિયાના ફેરફારનો પણ જ્યારે આખા વર્ષની ટ્યુશન અને રહેવાના ખર્ચ સાથે ગુણાંક ત્યારે મોટો બની જાય છે. વૈશ્વિક સ્તરે કામ કરતા પ્રોફેશનલ માટે, વિનિમય દર કંપનીના બજેટ, રોકાણના નિર્ણયો અને કંપનીઓ ક્યાં ભરતી કરે છે તેની સાપેક્ષ અર્થવ્યવસ્થાને અસર કરે છે.

આ સપ્તાહમાં પણ આ જ પરિબળોની અસર જોવા મળશે, જેમાં મધ્ય પૂર્વની રાજદ્વારી સ્થિતિ અને તેલ પુરવઠો, અમેરિકન આર્થિક ડેટા અને ફેડરલ રિઝર્વના સંકેતો, અને ઘરેલુ મોંઘવારી અને ચલણની સ્થિતિ પર આરબીઆઇના પ્રતિભાવનો સમાવેશ છે. આમાંથી એકે પરિબળ રૂપિયા માટે વિશ્વસનીય આગાહી આપતું નથી. જોકે, આ તમામ પરિબળો સાથે મળીને તે આપણને એક સારો અંદાજ આપે છે. ટ્રેડિગ સ્ક્રીન પર દેખાતી ચલણની વધઘટ રોજિંદા જીવનથી દૂર જણાતી હોય છે, પરંતુ તેની યાત્રા અંતે આપણાં ઘરની ઘણી નજીક પૂરી થાય છે.