Tue Jul 21 2026

Logo

મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કિંગ કેમ ફરી ચર્ચામાં આવ્યા, જેમનાથી રાજકારણીઓ પણ છે પરેશાન!

2026-07-20 22:35:53
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ દેશમાં અનેક ઈમાનદાર આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ છે, જેઓ પોતાની ઈમાનદારી અને કામ પ્રત્યેની નિષ્ઠા માટે જાણીતા છે. અત્યારે મુંબઈ જ નહીં, સમગ્ર મહારાષ્ટ્રમાં હોટેલ-રેસ્ટોરાં માલિકોથી લઈને ફૂડ સેક્ટરમાં ભેળસેળ કરનારા લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. એફડીએ કમિશનરે બે મહિનામાં 1,100થી વધુ હોટેલ-રેસ્ટોરાં પર રેડ પાડી ચૂક્યા છે. નેતાઓ સામે બાથ ભીડવામાં પાવરધા આઈએએસ અધિકારીની 20 વર્ષમાં તો 25 વખત ટ્રાન્સફર થઈ છે. આ ધુરંધર કમિશનરના કામની ચર્ચા ખૂદ વિધાનસભામાં પણ થાય છે અને એ છે આઈએએસ અધિકારી તુકારામ મુંઢે. 

56 રેસ્ટોરાંના લાઈસન્સ કેન્સલ કર્યાં
તુકારામ મુંઢેની દહેશત એવી છે કે રેસ્ટોરાંના માલિકો પણ તેમની બદલી માટે પ્રાર્થના કરી રહ્યા છે. મુંબઈમાં તો મુંઢેએ અનેક બ્રાન્ડેડે ફૂડ પ્રોડક્ટ કંપનીને રાતોરાત તાળા મરાવ્યા છે. બે મહિનામાં મહારાષ્ટ્રમાં 1,100થી વધુ જગ્યાએ છાપા માર્યા છે, જ્યારે 56 રેસ્ટોરાંના લાઈસન્સ કેન્સલ કર્યાં છે. મુંઢેના તાબડતોબ એક્શનને લઈ છેલ્લા 15 દિવસમાં 8,700 ફૂડ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી, જ્યારે 2025માં 12 મહિનામાં 15,000 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

એફડીએ કમિશનર બનાવ્યા ફરી એક્શનમાં
તુકારામ મુંઢેની વિધાનસભાથી લઈને પંચાયતોમાં ચર્ચામાં છે. આઈએએસ અધિકારી તુકારામની 20 વર્ષમાં પચીસ વખત ટ્રાન્સફર થઈ ગઈ છે. 25મી માર્ચના એફડીએ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે હોટેલ-રેસ્ટોરાંવાળા હરકતમાં આવી ગયા છે. પદ સંભાળ્યા પછી 28મી મેના ફૂડમાં ભેળસેળ કરવા મુદ્દે એક્શનમાં આવ્યા છે. 
નવી મુંબઈ કમિશનર અને 2022માં હેલ્થ કમિશનરની કામગીરીને પણ લોકો ભૂલ્યા નથી. તુકારામ મુંઢે પોતાના આકરા નિર્ણયોને કારણે મંત્રીઓ સામે ભીડી ગયા હતા. 2016માં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના વિધાનસભ્યો વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લઈ આવ્યા હતા, પરંતુ તુકારામ મુંઢે પોતાની કામગીરીમાં તસ્સુ ભાર ફેરફાર કર્યો નહોતો.

એફડીએ કમિશનર બન્યા વર્ક કલ્ચરમાં કર્યો ફેરફાર
એફડીએ કમિશનર બન્યા પછી રોજના સરેરાશ 20 જગ્યાએ રેડ પાડે છે, જ્યારે 49 કરોડ રુપિયાથી વધુનો ફૂડ સ્ટોક જપ્ત કર્યો છે, જેમાં ઓર્ગેનાઈઝ્ડ ગુટકા નેટવર્ક વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. તેમણે સખત શબ્દોમાં કહ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા જનતાના આરોગ્ય સાથે ચેડાં કરશે તો તેની સામે જરાય નમતું જોખ્યા વિના આકરી કાર્યવાહી કરવામાં આવશે. કહેવાય છે કે મુંઢેએ ડિપાર્ટમેન્ટના વર્ક કલ્ચરને પણ બદલી નાખ્યું છે. તેમણે જનતાની ફરિયાદ માટેના તમામ માર્ગ ખોલી નાખ્યા છે, જ્યારે અધિકારીઓને પણ જનતાની ફરિયાદનો ઉકેલ લાવવા માટે ડેડલાઈન નક્કી કરી છે. એક અંદાજ મુજબ ફૂડ વિભાગને રોજના 500થી 1,100થી વધુ ફરિયાદો મળે છે. ફૂડ સેમ્પલના લેબ ટેસ્ટિંગ પણ એકના બદલે બે શિફ્ટમાં કરવામાં આવે છે.

2015માં એકનાથ ખડસેના કાફલાને રોકીને ચર્ચામાં આવ્યા
મહારાષ્ટ્ર બીડ જિલ્લાના રહેવાસી તુકારામ મુંઢે 2005ની બેચના આઈએએસ અધિકારી છે. તેમના પિતા ખેડૂત છે, જ્યારે પિતાની સાથે ખેતીવાડીનું કામ કરવાની સાથે માર્કેટમાં શાકભાજી વેચીને અભ્યાસ પૂરો કર્યો હતો. સોલાપુરના ક્લેક્ટર તરીકે કામગીરી કરીને સેંકડો ગામડાઓનું પીવાના પાણીનું સંકટ દૂર કર્યું હતું. હજારો પરિવારનું પાણીનું સંકટ દૂર કર્યાં પછી તેમને 'વોટર મેન' તરીકે જાણીતા બન્યા હતા. 

2015માં મહારાષ્ટ્રના તત્કાલીન મહેસૂલ મંત્રી એકનાથ ખડસેના કાફલાને રોકવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. એટલું જ નહીં, વિધાનસભામાં અજિત પવારે પણ જનપ્રતિનિધિઓનું સન્માન નહીં કરતા હોવાનો પણ આરોપ મૂક્યો હતો. પ્રમોશન કરતા ટ્રાન્સફરને લઈ ચર્ચામાં રહેનારા તુકારામ મુંઢેની સ્ટોરી ફિલ્મની સ્ટોરીથી કમ નથી. પ્રમોશન પછી પણ પોતાની કામગીરીમાં જરાય નમતું નહીં જોખનારા મુંઢેને રાજકારણીઓ તો જિદ્દી અધિકારી માને છે, પરંતુ સાથી અધિકારીઓ તો એમને ઈમાનદાર અધિકારી કહે છે.