Wed Sep 16 2026

Logo

ડૉક્ટરોની મારપીટના કેસમાં શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રે પોલીસને શરણે

2026-07-19 19:24:10
Author: Yogesh C. Patel
ડૉક્ટરોની મારપીટના કેસમાં શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રે પોલીસને શરણે

થાણે: ડોમ્બિવલીમાં મહાપાલિકા સંચાલિત હૉસ્પિટલમાં ડૉક્ટરોની મારપીટ કરવાના કેસમાં શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રેએ રવિવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. નીચલી અદાલતે આપેલા જામીનના આદેશ સામે બૉમ્બે હાઈ કોર્ટે શનિવારે સ્ટે આપી નગરસેવકને પોલીસના શરણે જવાના નિર્દેશ આપ્યા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારની સવારે મ્હાત્રે ડોમ્બિવલી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. તેમને કલ્યાણ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં લઈ જવાયા હતા. કોર્ટે ત્રીજી ઑગસ્ટ સુધી નગરસેવકને અદાલતી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

કલ્યાણ કોર્ટે મ્હાત્રેને આપેલા જામીનની હાઈ કોર્ટે જાતે નોંધ લઈ સ્ટે આપ્યો હતો અને 14 જુલાઈના તેના આદેશને તર્કવિરોધી ગણાવ્યો હતો. ઍક્ટિંગ ચીફ જસ્ટિસ રવીન્દ્ર વી. ઘુગે અને જસ્ટિસ ગૌતમ અનખડની બૅન્ચે નોંધ્યું હતું કે મૅજિસ્ટ્રેટ કોર્ટે આ પ્રકરણને ઘણું હળવાશ લીધું છે અને મ્હાત્રેના ગુનાહિત ભૂતકાળને પણ ધ્યાનમાં લીધો નહોતો. ખંડપીઠે મ્હાત્રેના ચાર સાથીના જામીન પણ રદ કર્યા હતા.

ડૉમ્બિવલીની હૉસ્પિટલના ડૉક્ટર દ્વારા નવજાત બાળકને અન્ય હૉસ્પિટલમાં લઈ જવાની સલાહ તેના વડીલોને આપવામાં આવી હતી. આ મુદ્દે કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા (કેડીએમસી)ના નગરસેવક મ્હાત્રે તેના સાથીઓ સાથે છઠ્ઠી જુલાઈએ હૉસ્પિટલમાં ગયા હતા અને બે ડૉક્ટર તેમ જ નર્સ સાથે મારપીટ કરી હતી.

આ મામલે ભારે હોબાળો મચતાં વિષ્ણુનગર પોલીસે મ્હાત્રે અને તેના ચાર સાથી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ મારપીટમાં સંડોવાયેલી એક મહિલા આરોપીની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઈ)