મુંબઈ: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ માટે છેલ્લા 12 મહિના કપરા રહ્યા છે. ધનશ્રી વર્મા સાથેના હાઈ-પ્રોફાઈલ છૂટાછેડા અને ત્યારબાદ સતત બદલાતા સંબંધોને કારણે તે ફેન્સના નિશાને રહે છે. RJ મહવશ (RJ Mahvash) સાથેના કથિત બ્રેકઅપની અફવાઓ વચ્ચે ચહલ હવે બિગ બોસની એક કન્ટેસ્ટન્ટ સાથે જોવા મળતા નવી અટકળો તેજ થઈ છે.
ચહલે RJ મહાવશને અનફોલો કરી
ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું અંગત જીવન છેલ્લા કેટલાક સમયથી ઉતાર-ચઢાવ ભરેલું રહ્યું છે. 2025માં ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા બાદ ચહલનું નામ આરજે મહવશ સાથે જોડાયું હતું, પરંતુ હવે આ જોડી વચ્ચે પણ તિરાડ પડી હોવાના સંકેત મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, યુઝવેન્દ્ર ચહલ અને RJ મહવશે ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. આ વિવાદ હજુ શમ્યો નહોતો ત્યાં 24 જાન્યુઆરી 2026ને શનિવારની સાંજે ચહલ મુંબઈમાં જાણીતી એન્કર અને બિગ બોસ 13ની સ્પર્ધક શેફાલી બગ્ગા સાથે જોવા મળ્યો હતો.
શું ચહલ હવે શેફાલીને ડેટ કરી રહ્યો છે?
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ શેર કરેલા વીડિયોમાં યુઝવેન્દ્ર ચહલ બ્લેક શર્ટ અને ડેનિમ જીન્સમાં જોવા મળ્યો હતો. તેની સાથે શેફાલી બગ્ગા પણ જોવા મળી હતી. જે બ્લેક ડ્રેસમાં સુંદર લાગી રહી હતી. પાપારાઝીએ જ્યારે બંનેને સાથે પોઝ આપવા વિનંતી કરી ત્યારે તેઓ થોડા ખચકાટ સાથે પણ સાથે જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ હવે અનુમાન લગાવી રહ્યા છે કે શું ચહલ હવે શેફાલીને ડેટ કરી રહ્યો છે?
કોણ છે શેફાલી બગ્ગા?
ઉલ્લેખનીય છે કે, શેફાલી બગ્ગા એક સફળ ન્યૂઝ એન્કર અને સોશિયલ મીડિયા પર્સનાલિટી છે. 2019માં તે 'બિગ બોસ 13'માં જોવા મળી હતી, જ્યાં તેની શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા સાથેની મિત્રતા ખૂબ ચર્ચામાં રહી હતી. તે સ્પોર્ટ્સ એન્કરિંગ સાથે પણ જોડાયેલી રહી છે, જે કદાચ ક્રિકેટરો સાથેના તેના સંપર્કનું કારણ હોઈ શકે છે.