Tue Jan 27 2026

Logo

White Logo

અરિજિત સિંહની  પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત, કહ્યું હવે કોઈ નવું એસાઈમેન્ટ નહી લે

2 hours ago
Author: Chandrakant Kanoja
Video

મુંબઈ : હિન્દી ફિલ્મ સંગીત ઉદ્યોગમાંથી એક ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં પોતાના કર્ણપ્રિય અવાજથી લાખો લોકોને મંત્રમુગ્ધ કરનારા પ્રખ્યાત ગાયક અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા અરિજિત સિંહે જણાવ્યું હતું કે તેઓ હવે પ્લેબેક સિંગર તરીકે કોઈ નવું એસાઈમેન્ટ નહી લે. તેમના આ નિર્ણયથી માત્ર સંગીત ઉદ્યોગ જ નહીં પરંતુ તેમના ફેન્સને પણ આઘાત લાગ્યો છે. 

હું આ સફરને અહીં સમાપ્ત કરી રહ્યો છું

અરિજીત સિંહે ફેસબુક પર શેર કરેલી પોસ્ટમાં શ્રોતાઓનો વર્ષોથી પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે લખ્યું, "હું તમને બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. વર્ષોથી શ્રોતાઓ તરીકે તમે મને જે પ્રેમ આપ્યો છે તે બદલ આભાર. હું જાહેરાત કરવા માંગુ છું કે હું પ્લેબેક ગાયક તરીકે કોઈ નવું એસાઈમેન્ટ નહી લઉ. હું આ સફરને અહીં સમાપ્ત કરી રહ્યો છું. આ એક અદ્ભુત સફર રહી છે. ભગવાન મારા પર ખૂબ દયાળુ રહ્યા છે.  આ નિવેદનથી સોશિયલ મીડિયા પર અનેક રીએક્શન આવી રહ્યા છે. જેમાં  અરિજીત સિંહ નિવૃત્તિ' ટ્રેન્ડ થઈ રહ્યો છે. 

ફિલ્મ પ્લેબેક સિંગિંગથી વિરામ 

જોકે, અરિજિત સિંહે પોતાના નિર્ણય અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા પણ કરી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ સંગીત બનાવવાનું બંધ નથી કરી રહ્યા તેમની પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે તેઓ સારા સંગીતના ચાહક છે અને નાના કલાકાર તરીકે પણ પોતાના સ્તરે સંગીત શીખવાનું અને બનાવવાનું ચાલુ રાખશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમના કેટલાક કમિટમેન્ટસ બાકી છે  જે તેઓ પૂર્ણ કરશે. તેથી આ વર્ષે કેટલાક નવા ગીતો રિલીઝ થઈ શકે છે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તેમની નિવૃત્તિનો અર્થ સંગીતથી દૂરી નથી પરંતુ ફક્ત ફિલ્મ પ્લેબેક સિંગિંગથી વિરામ છે.

તુમ હી હો" જેવા ગીતોએ તેમને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધા

અરિજિત સિંહે હિન્દી સિનેમામાં વર્ષ 2011માં શરુઆત કરી હતી. જેમાં વર્ષ 2011  માં ફિલ્મ "મર્ડર 2 " ના "ફિર મોહબ્બત" ગીતના રિલીઝ થયા  અરિજિત સિંહે  પાછળ વળીને જોયું નહીં. "તુમ હી હો" જેવા ગીતોએ તેમને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધા. જેના કારણે તેઓ દરેક મોટા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શકની પસંદગી બન્યા. "અગર તુમ સાથ હો," "સોચ ના શકે," "કેસરિયા," "અપના બના લે," "વે કમલેયા," "બીન્તે દિલ," "છલૈયા," અને "ઓ માહી" જેવા અસંખ્ય ગીતોએ તેમને તેમના સમયના સૌથી સફળ અને લોકપ્રિય પ્લેબેક ગાયકોમાંના એક બનાવ્યા.

સંગીતને ભાવનાઓ સાથે જોડ્યું 

અરિજિત સિંહની ઓળખ તેમની ભાવનાત્મક ગાયકી અને સંગીતની તમામ શૈલીઓ સાથે અનુકુળ થવાની તેમની ક્ષમતા છે. રોમેન્ટિક ગીતોથી લઈને સૂફી, દર્દીલા અને શાસ્ત્રીય ગીતો સુધી  તેમણે દરેક શૈલીમાં પોતાની છાપ છોડી છે. સંગીત વિવેચકો માને છે કે તેમણે હિન્દી ફિલ્મ સંગીતમાં એક નવી સંવેદનશીલતા લાવ્યા અને સંગીતને ભાવનાઓ સાથે જોડ્યું. 

બે વાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત

અરિજિત સિંહને તેમના સમગ્ર કારકિર્દી દરમિયાન ઘણા પ્રતિષ્ઠિત સન્માન મળ્યા છે. તેમને બે વાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પહેલું ફિલ્મ "પદ્માવત" ના ગીત " બીન્તે  દિલ" માટે અને બીજી ફિલ્મ "બ્રહ્માસ્ત્ર" ના સુપરહિટ ગીત "કેસરિયા" માટે મળ્યો છે.  તેમણે અનેક ફિલ્મફેર અને અન્ય પ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવ્યા છે.