Tue Jan 27 2026

Logo

White Logo

RBI રૂ.500 નોટ એલર્ટ: નકલી નોટોના વધી રહેલાં કેસ વચ્ચે આરબીઆઈનએ આપી નવી ગાઈડલાઈન, જાણી લેશો તો ફાયદામાં રહેશો...

9 hours ago
Author: Darshana Visaria
Video

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા હાલમાં 500 રૂપિયાની નોટને લઈને મહત્ત્વની ચેતવણી ઉચ્ચારી છે. દેશમાં સતત વધી રહેલાં બનાવટી ચલણી નોટના ફેલાવેના ધ્યાનમાં લેતાં આરબીઆઈ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. દેશના અનેક રાજ્યોમાં નકલી નોટો અને ખોટા સીરીયલ નંબર ધરાવતી નોટો મળી આવતા આરબીઆઈએ 'ક્લીન નોટ પોલિસી' હેઠળ કડક પગલાં લેવાની ચેતવણી ઉચ્ચારી છે. જેના વિશે જાણી લેવું તમારા માટે મહત્ત્વનું રહેશે. 

RBIએ શું કહ્યું?
આરબીઆઈ દ્વારા તમામ બેંકોને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ રૂપિયા 500ની નોટોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરે અને જો કોઈ પણ શંકાસ્પદ કે ખામીયુક્ત નોટ મળી આવે તો તેને તાત્કાલિક ચલણમાંથી બહાર કરી જમા કરી લેવી. એમાં પણ ખાસ કરીને જે નોટોમાં સીરીયલ નંબરના ફોન્ટ કે કદમાં તફાવત દેખાતો હોય. 

આરબીઆઈ દ્વારા નાગરિકોને એવી અપીલ પણ કરવામાં આવી છે કે જો તેમની પાસે રહેલી 500 રૂપિયાની નોટની સિક્યોરિટી સ્ટ્રીપનો રંગ સામાન્ય કરતા વધારે ડાર્ક કે લાઈટ હોય, કે પછી મહાત્મા ગાંધીની છબીમાં સહેજ પણ ફેરફાર જણાતો હોય તેવી નોટો સ્વીકારતા પહેલા સાવધ રહેવું જોઈએ. આ ઉપરાંત, અસ્પષ્ટ છાપકામ, સુરક્ષા ચિહ્નોનો અભાવ કે શિફ્ટ થયેલી સ્ટ્રીપ ધરાવતી નોટોને તાત્કાલિક બેંકમાં જમા કરાવી દેવી જોઈએ.

કઈ રીતે ઓળખશો અસલી-નકલી નોટ વચ્ચેનો તફાવત?
આરબીઆઈ દ્વારા અસલી અને નકલી રૂપિયા 500ની નોટનો તફાવત ઓળખવા માટે કેટલીક મહત્ત્વની બાબતોનું ધ્યાન રાખવાનું જણાવવામાં આવ્યું છે. 
1.    સી-થ્રુ રજિસ્ટર: નોટની ડાબી બાજુએ નીચેના ભાગમાં '500' લખેલું હોય છે, જે પ્રકાશ સામે જોતા દેખાય છે.
2.    લેટન્ટ ઈમેજ: ગાંધીજીના ફોટાની બાજુમાં 45 ડિગ્રીના ખૂણે જોતા '500' લખેલું દેખાશે.
3.    સિક્યોરિટી થ્રેડ: નોટની વચ્ચે જે પટ્ટી (થ્રેડ) હોય છે, તેનો રંગ બદલાય છે. આ નોટને વાળીને જોતા તેનો રંગ લીલામાંથી વાદળી બની જાય થાય છે. તેના પર 'भारत' અને 'RBI' લખેલું હોય છે.
4.    ગવર્નરની સહી અને પ્રોમિસ ક્લોઝ: મહાત્મા ગાંધીના ફોટાની જમણી બાજુએ આરબીઆઈ ગવર્નરની સહી અને શપથ પત્ર હોય છે.

બનાવટી નોટ મળે તો શું કરશો?
આરબીઆઈની સલાહ મુજબ, વ્યવહાર કરતી વખતે હંમેશા પૂરતા પ્રકાશમાં નોટની તપાસ કરવી જોઈએ. જો અજાણતા પણ તમારી પાસે કોઈ શંકાસ્પદ નોટ આવી જાય, તો તેને બજારમાં ચલાવવાને બદલે નજીકની બેંકમાં જઈને જમા કરાવી દેવી એ સૌથી સુરક્ષિત અને જવાબદાર વિકલ્પ છે.

500 રૂપિયાની નોટ બંધ થઈ રહી છે?
આ ઉપરાંત આરબીઆઈ દ્વારા સોશિયલ મીડિયા પર 500 રૂપિયાની નોટ બંધ થઈ રહી છે એવા દાવા કરતાં અહેવાલો પર સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે રૂપિયા 500ની નોટ બંધ કરવામાં આવી રહી નથી, પરંતુ માત્ર નકલી નોટોના દૂષણને રોકવા માટે આ સતર્કતા રાખવા જણાવવામાં આવ્યું છે. 

સ્ટારવાળી 500 રૂપિયાવાળી નોટો અંગે સ્પષ્ટતા
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે જે રૂપિયા 500ની નોટના નંબર પેનલમાં સ્ટાર ચિહ્ન હોય તે નકલી છે. RBI એ સ્પષ્ટ કર્યું છે કે સ્ટાર ચિહ્ન વાળી નોટો સંપૂર્ણપણે અસલી અને કાયદેસર છે. જ્યારે સીરીઝમાં કોઈ નોટ છાપતી વખતે ખામીયુક્ત નીકળે, ત્યારે તેની જગ્યાએ તે જ નંબરની નવી નોટ છાપવાને બદલે 'સ્ટાર' સીરીઝની નોટ મૂકવામાં આવે છે. આ માત્ર એક રિપ્લેસમેન્ટ માર્ક છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલો રહો.