Tue Jan 27 2026

Logo

White Logo

યુજીસીના નવા નિયમોને લઈ સરકાર ભીંસમાં, વિપક્ષનું ભેદી 'મૌન'?

2 hours from now
Author: Devayat Khatana
Video

નવી દિલ્હી: હાલ દેશમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા ‘પ્રમોશન ઓફ ઈક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન 2026’ની જાહેરાતના મુદ્દે ભારે વિરોધ ચગ્યો છે. આ મુદ્દે એટલો વિરોધ થઈ રહ્યો છે કે આ અંગે કેન્દ્ર સરકારે પણ નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરવાની નોબત આવી છે. 
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તમામ ઉમેદવારોને ખાતરી આપી છે કે તેમની સાથે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં અને કાયદાનો દુરુપયોગ કરવામાં નહીં આવે. જો કે આ મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો છે ત્યારે આટલા વિરોધની વચ્ચે પણ વિરોધ પક્ષમાં સોંપો પડી ગયો હોય તેમ દેખાય રહ્યું છે. 

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જાહેર કરવામાં આવેલા 'ઇક્વિટી રેગ્યુલેશન 2026' સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન તેજ બન્યા છે. 13 જાન્યુઆરીથી અમલમાં આવેલા આ નવા નિયમોને સવર્ણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો 'કાળો કાયદો' ગણાવી રહ્યા છે. દિલ્હીમાં યુજીસી હેડક્વાર્ટર બહાર ભારે વરસાદ અને પોલીસ બેરિકેડિંગ વચ્ચે પણ સેંકડો વિદ્યાર્થીઓએ એકઠા થઈને આ નિયમોને પાછા ખેંચવાની માંગ કરી હતી. વિરોધ એટલો પ્રબળ છે કે ઉત્તર પ્રદેશના બરેલીમાં એક સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ આ નિયમોના વિરોધમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

આ વિવાદના મૂળમાં કયું કારણ?
વિવાદનું મુખ્ય કેન્દ્ર યુજીસીના નવા નિયમ 3(C)માં આપેલી 'જાતિગત ભેદભાવ'ની વ્યાખ્યા છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે આ નિયમ માત્ર SC, ST અને OBC વર્ગના વિદ્યાર્થીઓને જ રક્ષણ આપે છે અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને આ વ્યાખ્યામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં દાખલ કરવામાં આવેલી PILમાં દલીલ કરવામાં આવી છે કે આ નિયમો 'રિવર્સ ડિસ્ક્રિમિનેશન' (ઉલટો ભેદભાવ) કરે છે અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને સુરક્ષા પૂરી પાડતા નથી. હવે તમામની નજર દેશની સર્વોચ્ચ અદાલત પર ટકી છે.

વિપક્ષી દળોનું ભેદી મૌન?
ચોંકાવનારી બાબત એ છે કે, જે મુદ્દે દેશભરના કેમ્પસ ગરમાયા છે, ત્યાં વિપક્ષી દળોએ ભેદી મૌન ધારણ કર્યું છે. ભાજપને ઘેરવાની કોઈ પણ તક ન છોડતા રાહુલ ગાંધી કે અખિલેશ યાદવ જેવા નેતાઓ આ મામલે મૌન રાખ્યું છે. અહેવાલો મુજબ, વિપક્ષી ખેમામાં એવી બીક છે કે જો તેઓ આ નિયમોનો વિરોધ કરશે તો ભાજપ તેમને 'દલિત-વિરોધી' કે 'પછાત-વિરોધી' તરીકે ચિતરશે. સમાજવાદી પાર્ટી અને આરજેડી જેવા પક્ષો પણ પોતાની વોટબેંક સાચવવા માટે માત્ર સમાધાનકારી વાતચીત જેવા ટૂંકા નિવેદનો આપીને પલ્લું છોડાવી રહ્યા છે.

વધતા દબાણ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આશ્વાસન આપવું પડ્યું છે કે કોઈ પણ વિદ્યાર્થી સાથે અન્યાય કે ભેદભાવ થવા દેવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે કાયદાનો દુરુપયોગ અટકાવવાની જવાબદારી સરકારની રહેશે અને આ તમામ જોગવાઈઓ બંધારણીય દાયરામાં જ છે. 

યુજીસીના આ નિયમોએ શૈક્ષણિક જગતની સાથે સાથે રાજકીય ગલિયારાઓમાં પણ ધ્રુવીકરણ કરી દીધું છે. એક તરફ સરકાર તેને સામાજિક સમાનતાનું પગલું ગણાવી રહી છે, તો બીજી તરફ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ પોતાના હક્કો અને સુરક્ષા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.