(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ભારતમાં ક્ષમતા વિસ્તરણનો વેગ જોતા ભારતમાં સ્ટીલ સ્ક્રેપની માગમાં તીવ્ર વધારો થશે, એવો અંદાજ વ્યકત કરતા, સ્ટીલ મંત્રાલયના સંયુક્ત સચિવ દયા નિધાન પાંડેએ સ્ક્રેપ ક્ષેત્રને ઔપચારિક બનાવવા અને ટકાઉ સ્ટીલ ઉત્પાદનને વેગ આપવા માટે જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવા અને મજબૂત નિયમનોનું સૂચન કર્યું છે.
ભારતના ક્રૂડ સ્ટીલ ઉત્પાદનમાં સ્ક્રેપ હાલમાં લગભગ ૨૧ ટકા ફાળો આપે છે, જે વૈશ્ર્વિક સરેરાશના લગભગ એક તૃતીયાંશ છે. જ્યારે ભારતીય સ્ટીલ ક્ષેત્રમાં સ્ક્રેપનો વપરાશ વધી રહ્યો છે, ત્યારે સ્ક્રેપની ઉપલબ્ધતા લગભગ ૩૬ મિલિયન ટન સુધી વધવાનો અંદાજ છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે મોટા પાયે ક્ષમતા વિસ્તરણ ચાલુ રહેવાથી સ્ટીલ સ્ક્રેપની માગમાં તીવ્ર વધારો થશે, એમ પાંડેએ જયપુર ખાતે ૧૩મી આંતરરાષ્ટ્રીય મટિરિયલ રિસાયક્લિંગ કોન્ફરન્સ અને એક્સ્પોઝિશન (આઇએમઆરસી ૨૦૨૬)ના ઉદ્ઘાટન સત્રને સંબોધતા જણાવ્યું હતું.
નીતિગત પગલાંનો ઉલ્લેખ કરતા પાંડેએ જણાવ્યું હતું કે, સરકારે સ્ટીલ સ્ક્રેપ રિસાઇક્લિગં નીતિ ૨૦૧૯, વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી, રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધાઓના અમલીકરણ અને નેશનલ સર્ક્યુલર ઇકોનોમીની પહેલ સાથે સ્ક્રેપ મેનેજમેન્ટના એકીકરણ દ્વારા સંકલિત પગલાં લીધાં છે.
વાહનાના જીવનકાળના અંત અને બાંધકામ અને ડીમોલિશનના કાટમાળ માટે તાજેતરમાં સૂચિત વિસ્તૃત ઉત્પાદક જવાબદારીના આદેશો ઔપચારિક સ્ક્રેપ રિસાયક્લિંગને વેગ આપે એવી અપેક્ષા છે. આગળ જોતાં, ભારત સ્ટીલ નિર્માણમાં સ્ક્રેપનો હિસ્સો ૩૧ ટકાની વૈશ્ર્વિક સરેરાશ સુધી લઇ જવાનું લક્ષ્ય રાખે છે.
જેમ જેમ દેશ ૨૦૩૦ સુધીમાં ૩૦૦ મિલિયન ટન સ્ટીલ ક્ષમતા અને ૨૦૪૭ સુધીમાં ૫૦૦ મિલિયન ટન સ્ટીલ ક્ષમતા તરફ આગળ વધી રહ્યો છે, તેમ સ્ટીલ સ્ક્રેપ કાચા માલના સંરક્ષણ, કોલસાની આયાત ઘટાડવા, ઉત્સર્જન ઘટાડવા અને ૨૦૭૦ સુધીમાં નેચ ઝીરો લેવલ હાંસલ કરવાની ભારતની પ્રતિબદ્ધતાને સમર્થન આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
પાંડેએ તેના ડિકાર્બોનાઇઝેશન પ્રયાસોને પ્રોત્સાહન આપનાર તરીકે સ્ક્રેપ આધારિત સ્ટીલ નિર્માણમાં ભારતની સ્થિતિને સમર્થન આપ્યું, કારણ કે તે કાર્બન ઉત્સર્જન ટાળવામાં મદદ કરે છે અને આયર્ન ઓર, કોકિંગ કોલસાને પણ બદલે છે. ભારત ૨૦૩૦-૩૧ સુધીમાં ૩૦૦ મિલિયન ટન ક્રૂડ સ્ટીલ ક્ષમતાનું લક્ષ્ય રાખી રહ્યું છે, તેથી રિસાઇક્લિગં સ્ટીલ સ્ક્રેપના વપરાશમાં વેગ આવશે.