તહેરાન : ઈરાન પર અમેરિકાના સંભવિત હુમલાની આશંકા વચ્ચે રશિયાનું મોટું નિવેદન આવ્યું છે. આ અંગે રશિયાએ જણાવ્યું છે કે આ કાર્યવાહી આ ક્ષેત્રના ગંભીર અસ્થિરતા પેદા કરશે.તેમજ રશિયાએ અમેરિકાને સંયમ રાખવા અને રાજદ્વારી ઉકેલનો રસ્તો અપનાવવા અપીલ કરી છે. જયારે બીજી તરફ ઈરાને અમેરિકાને પડકાર ફેંકતા જણાવ્યું છે કે તે કોઈ પણ સ્થિતી માટે તૈયાર છે.
હુમલાની અટકળો તેજ બની
અમેરિકન નૌકાદળનો કાફલો ઈરાની જળસીમા પાસે પહોંચતા મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે. જેના કારણે ઈરાન તરફથી છેલ્લી ઘડીના ગુપ્ત સંપર્કની અટકળોને વેગ મળ્યો છે. હુમલાનો ભય વધતા અહેવાલો બહાર આવ્યા છે કે ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ અમેરિકાને એક સંદેશ મોકલ્યો હતો. જોકે, આ બાબતને ઈરાન દ્વારા સખત રીતે નકારી કાઢવામાં આવ્યો છે. ઈરાની અધિકારીઓએ આ કથિત સંદેશને મેન્ટલ વોર ગણાવીને ફગાવી દીધો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આવો કોઈ સંદેશ મોકલવામાં આવ્યો નથી.
અબ્રાહમ લિંકન હાલમાં હિંદ મહાસાગરમાં તૈનાત
આ ઉપરાંત અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે અબ્રાહમ લિંકન હાલમાં હિંદ મહાસાગરમાં તૈનાત છે અને જો આદેશ આપવામાં આવે તો સૈદ્ધાંતિક રીતે એક કે બે દિવસમાં લશ્કરી કાર્યવાહી કરી શકે છે. અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકા પાસે હુમલાના અન્ય વિકલ્પો પણ છે, જેમાં મધ્ય પૂર્વમાં બેઝ પર તૈનાત ફાઇટર જેટનો સમાવેશ થાય છે. રવિવારે એરક્રાફ્ટ કેરિયર ત્રણ સબમરીન સાથે આ પ્રદેશમાં પહોંચ્યું હતું.
ઈરાન સાથેની પરિસ્થિતિ અસ્થિર છે
આ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથેની પરિસ્થિતિ અસ્થિર છે અને પુષ્ટિ કરી છે કે તેમણે મધ્ય પૂર્વમાં નૌકાદળનો વિશાળ કાફલો મોકલ્યો છે. એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન આ ક્ષેત્રમાં પહોંચ્યાના કલાકો પછી આ નિવેદન આવ્યું છે.