કોલકાતા: જાહેરમાં અભિનેત્રીઓ સાથે સામાન્ય લોકો દુર્વ્યવહાર કરે છે, જેનું પ્રમાણ વધી રહ્યું છે. જાણીતી અભિનેત્રી મૌની રોય બાદ હવે બંગાળી અભિનેત્રી અને ભૂતપૂર્વ સાંસદ મીમી ચક્રવર્તી લાઈવ પર્ફોર્મન્સ દરમિયાન હેરાનગતિ અને દુર્વ્યવહારનો ભોગ બની હતી. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના બાણગાંવમાં આયોજિત એક કાર્યક્રમમાં સ્ટેજ પર જ અભિનેત્રીનું અપમાન કરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા. આ બનાવ મુદ્દે હવે અભિનેત્રીએ એફઆઈઆર પણ નોંધાવી છે.
સોશિયલ મીડિયા પર વ્યથા ઠાલવી
મૌની રોયે હરિયાણામાં પોતાની સાથે થયેલી છેડતીનો ખુલાસો કર્યા હતો. આ ઘટના ઘટ્યાના ગણતરીના દિવસોમાં જ બંગાળી સિનેમાની ટોચની અભિનેત્રી મીમી ચક્રવર્તી સાથે પણ આવો જ કિસ્સો બન્યો હતો. જેને લઈને મીમી ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવી છે.
પશ્ચિમ બંગાળના બાણગાંવમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મીમી ચક્રવર્તી સ્ટેજ પર પર્ફોર્મ કરી રહી હતી. ત્યારે તેને અચાનક શો અધવચ્ચે છોડી દેવા માટે મજબૂર કરવામાં આવી હતી. મીમીના જણાવ્યા મુજબ, તેને સ્ટેજ પર અપમાનિત કરવામાં આવી હતી અને તેના પર પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા હતા. હું અન્ય કલાકારોનું પર્ફોર્મન્સ પૂરું થાય ત્યાં સુધી 20 મિનિટ મારી કારમાં રાહ જોઈને બેસી રહી હતી, તેમ છતાં મારી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.
મીમીએ માન્યો ફેન્સનો આભાર
સોશિયલ મીડિયા પોસ્ટને લઈને મીમી ચક્રવર્તીને ફેન્સ તરફથી સરાકાત્મક પ્રતિભાવ મળી રહ્યો છે. ફેન્સના સપોર્ટ બદલ મીમી ચક્રવર્તીએ ફેન્સનો આભાર માન્યો છે. મીમી ચક્રવર્તીએ લખ્યું કે, "મહિલા કલાકારો પાસેથી હંમેશા સમાધાન કરવાની અને મૌન રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે. જો અમે બોલીએ તો અમને 'મુશ્કેલ' ગણવામાં આવે છે. પરંતુ જો આપણે સીમાઓ નક્કી નહીં કરીએ, તો આવું વર્તન બીજા કલાકારો સાથે પણ થતું રહેશે."
મીમીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેણે આયોજકોની ગેરવર્તણૂક અને જાહેર ઉત્પીડન સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઇવેન્ટ આયોજક સામે FIR નોંધાવવામાં આવી છે. મીમી ચક્રવર્તીએ સ્પષ્ટ કર્યું કે, આ કાર્યવાહી કોઈ બદલો લેવા માટે નથી, પરંતુ જવાબદારી નક્કી કરવા માટે છે. જેથી ભવિષ્યમાં કોઈ કલાકારની ગરિમાને ઠેસ ન પહોંચે.
કોણ છે મીમી ચક્રવર્તી?
મીમી ચક્રવર્તીએ 2012માં 'બાપી બારી જા' નામની બંગાળી ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આજે તે સૌથી વધુ મોંઘી અને લોકપ્રિય અભિનેત્રી બની ગઈ છે. 2019થી 2024 સુધી જાદવપુર મતવિસ્તારથી TMCના સાંસદ રહી ચૂક્યા છે. પ્રાઇમ વિડિયો પર તેની 'ભાનુપ્રિયા ભૂતેર હોટેલ' નામની હોરર ફિલ્મ રિલીઝ થઈ છે.