પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવા હાલમાં પોતાની સુપરહિટ ફિલ્મ બોર્ડર ટુને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં સોનમ બાજવાએ ફ્લાઈંગ ઓફિસર નિર્મલજિત સિંગ સેંખો (દિલજિત દોસાંઝ)ની પત્ની મંજિતનો રોલ કર્યો છે. સોનમ એક પંજાબી છે અને ફિલ્મમાં પણ તેણે એક પંજાબી મહિલાનો રોલ કર્યો છે. દર્શકો સોનમની એક્ટિંગના વખાણની સાથે સાથે તેની ફિટનેસના પણ વખાણ કરી રહ્યા છે. 36 વર્ષીય સોનમે બિઝી શેડ્યુલ વચ્ચે પણ પોતાની જાતને કઈ રીતે ફિટ રાખે છે એનો ખુલાસો કર્યો છે. આવો જોઈએ સોનમ બાજવાની ફિટનેસનું સિક્રેટ...
સોનમ બાજવાએ થોડાક સમય પહેલાં આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું જરાય ખોટું નહીં બોલું પણ મને છેલ્લાં 2-3 વર્ષથી થોડા હેલ્થ ઈશ્યૂઝ છે અને એટલે હું વર્ક આઉટ કરવાનો પ્રયાસ કરું છું. મેં છેલ્લાં ઘણા સમયથી વેઈટ લિફ્ટિંગ નથી કર્યું, પણ હું મારા રૂટિન પર કામ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહી છું અને ફિટનેસ રૂટિનને ફોલો કરવાની ટ્રાય કરી રહી છું.
ઈન્ટરવ્યુમાં આગળ સોનમ બાજવાએ જણાવ્યું હતું કે જ્યારે હું વર્ક આઉટ નથી કરી શકતી ત્યારે હું ટ્રાય કરું છું એક કલાક વોક કરું, સ્ટ્રેચિંગ કરું. હું એ વાતનું ધ્યાન રાખું છું કે હું 10,000 સ્ટેપ્સ ચાલું. મને વેટ લિફ્ટિંગ કરવાનું પણ ખૂબ જ પસંદ છે, પણ હું કંઈકને કંઈક ફિઝિકલ એક્ટિવિટી સતત કરું છું.
વાત કરીએ રોજના 10,000 પગલાં ચાલવાની તો એને કારણે મોટા પ્રમાણમાં કેલરી બર્ન થાય છે અને મેટાબોલિઝમ પણ ફાસ્ટ થાય છે અને વજન ઓછું થાય છે. આ ઉપરાંત પગે ચાલવાને કારણે બ્લડ સર્ક્યુલેશન પણ એકદમ ઝડપથી થાય છે અને બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે. હાર્ટ સંબંધિત બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે. પગે ચાલવાને કારણે બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે અને ડાયાબિટીઝ થવાનું જોખમ પણ ઘટી જાય છે.
સોનમે આ ઈન્ટરવ્યુમાં પોતાના ડાયેટ પ્લાન વિશે પણ જણાવ્યું હતું. સોનમે જણાવ્યું હતું કે તે પોતાના દિવસની શરૂઆત વધુ પાણી અને એક કપ બ્લેક કોફીથી કરે છે. આ સિવાય તે બ્રેકફાસ્ટમાં મગની દાળ કે બેસનના ચિલ્લા જેવો હળવો ખોરાક લે છે. સવારે હેવી કાર્બોહાઈડ્રેટથી તે દૂર રહે છે. બપોરે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફાઈબર વાળી વસ્તુઓનું સવેન કરે છે. આ સિવાય હું મોડી રાતે ખાવાનું પણ ટાળું છે. સોનમે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું ડાયેટિંગમાં નથી માનતી, પણ હા બેલેન્સ મીન લેવા પર ધ્યાન આપે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોનમ બાજવા ફિલ્મ બોર્ડર ટુ પહેલાં ફિલ્મ એક દિવાને કી દિવાનીયતમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે બોલીવૂડના હેન્ડસમ હંક હર્ષવર્ધન રહાણે સાથે સ્ક્રીન શેર કરી હતી. હાલમાં બોક્સ ઓફિસ પર સોનમની ફિલ્મ બોર્ડર ટુ કમાલ કરી રહી છે. રીલિઝ થયાના ચાર-પાંચ દિવસમાં જ આ ફિલ્મ 300 કરોડના ક્લબમાં એન્ટર થવા જઈ રહી છે.